Get The App

કોરોના વેક્સિન બનાવવામાં ચીન સૌથી આગળ, 19માંથી 8 દવાઓ ચીનની

- ચીનની સરકારે વેક્સિન નિર્માણની ગતિ વધારવા સાઈનોફાર્મ દવા કંપનીને સાઈનોવૈકનું ફેઝ-1 અને ફેઝ-2 ટ્રાયલ એક સાથે કરવા મંજૂરી આપેલી

Updated: Jul 8th, 2020

GS TEAM

Google News
Google News
કોરોના વેક્સિન બનાવવામાં ચીન સૌથી આગળ, 19માંથી 8 દવાઓ ચીનની 1 - image


બીજિંગ, તા. 8 જુલાઈ 2020, બુધવાર

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો ફેલાવો કરનાર ચીન જ હાલ કોવિડ-19ની વેક્સિન બનાવવાની રેસમાં સૌથી આગળ છે. ચીનની ફાર્મા કંપની સાઈનોવૈક બાયોટેક ચીનની બીજી અને વિશ્વની ત્રીજી એવી કંપની છે જે આ મહીનાના અંત સુધીમાં ટ્રાયલનું અંતિમ સ્ટેજ પૂરૂ કરશે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની 

વેક્સિન બનાવવાની દિશામાં ખૂબ જ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે ત્યારે ચીને પોતાની સેના, સરકાર અને ખાનગી કંપનીઓને દવા બનાવવાના કામમાં જોતરી દીધા છે.

હાલ કોરોના વાયરસના કારણે વિશ્વના સવા કરોડથી પણ વધારે લોકો સંક્રમિત છે અને દુનિયાના પાંચ લાખથી પણ વધારે લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. અમેરિકા અનેક મોટા દેશમાં ખાનગી કંપનીઓ સાથે મળીને વેક્સિનની રેસ જીતવા ઈચ્છે છે પરંતુ ચીન મોટો પડકાર આપી રહ્યું છે.

વિશ્વમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું હોવાથી વિશ્વમાં મોટા પાયે વેક્સિનની ટ્રાયલ નથી થઈ શકતી. આ તરફ ચીન વેક્સિનને લઈ વિશ્વમાં પોતાની છબિ સુધારવા માંગે છે અને પોતાની વેક્સિન સુરક્ષિત અને કારગર છે તેવું સાબિત કરવા માંગે છે. સેના અને સરકાર દ્વારા જે બે વેક્સિનનું પરીક્ષણ ચાલી રહ્યું છે તેની ટ્રાયલ સૌથી પહેલા મિલિટ્રીના લોકો પર થશે. પીપલ્સ લિબરેશન આર્મીનું મેડિકલ રિસર્ચ યુનિટ આ સમગ્ર પ્રોજેક્ટને લીડ કરી રહ્યું છે.

ચીની સેનાનું મેડિકલ રિસર્ચ યુનિટ ખાનગી દવા કંપની કૈનસિનો સાથે મળીને કોવિડ-19 વેક્સિન બનાવી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં હાલ 19 જેટલી વેક્સિનનું હ્યુમન ટ્રાયલ થઈ રહ્યું છે જેમાંથી 8 માત્ર ચીનની જ છે. ચીનની સેના ખાનગી દવા કંપનીઓ કૈનસિનો અને સાઈનોવૈક સાથે મળીને આ આઠેય દવા બનાવી રહી છે અને વિશ્વમાં કોરોના વેક્સિનના નિર્માણની રેસમાં સૌથી આગળ છે. ચીનની સરકારે વેક્સિન નિર્માણની ગતિ વધારવા સાઈનોફાર્મ દવા કંપનીને સાઈનોવૈકનું ફેઝ-1 અને ફેઝ-2 ટ્રાયલ એક સાથે કરવા મંજૂરી આપી હતી. 

ચીનની વેક્સિન નિર્માણ પદ્ધતિ નિષ્ક્રિય વેક્સિન બનાવવાની છે. જ્યારે પશ્ચિમી દેશો તેનાથી ઉંધુ કામ કરી રહ્યા છે. ચીનની 8 વેક્સિન કેન્ડિડેટ્સમાંથી હ્યુમન ટ્રાયલ્સ સુધી પહોંચેલી ચાર વેક્સિન નિષ્ક્રિય છે. સમગ્ર વિશ્વમાં વેક્સિન નિર્માણ માટે પ્રસિદ્ધ ડો. પોલ ઓફિટના કહેવા પ્રમાણે ઈનએક્ટિવ વેક્સિન પદ્ધતિ પ્રમાણિત અને મજબૂત છે. જો મને કહેવામાં આવશે તો હું ચીનના જ કોઈ એક કેન્ડિડેટને પસંદ કરીશ.

ચીનની સેનાના મેડિકલ રિસર્ચ યુનિટના હેડ અને ચીનમાં વેક્સિન વિકસિત કરનારા વૈજ્ઞાનિક ચેન વેઈએ પોતે જ સૌથી પહેલા કોરોના વાયરસ માટે બનાવવામાં આવેલી વેક્સિનનો શોટ લીધો હતો. તેમની ટીમે જ અનેક વર્ષો પહેલા સાર્સ માટેની વેક્સિન બનાવી હતી.

Tags :