સ્ટેચ્યુ ઑફ યુનિટી કરતાં પણ ત્રણ ગણો ઊંચો છે ચીનનો આ પુલ! 2 કલાકની મુસાફરી હવે માત્ર 2 મિનિટમાં
World’s Tallest Bridge : ચીનમાં આધુનિક અન્જિનિયરિંગના એક અદ્ભુત ચમત્કારે જન્મ લીધો છે, અને એ છે દુનિયાના સૌથી ઊંચા પુલનું નિર્માણ. ગુઇઝોઉ પ્રાંતમાં બેઇપન નદીની ખીણમાં 625 મીટરની ઊંચાઈએ એક ભવ્ય પુલ નિર્માણ કરાયો છે. જેના કારણે મુસાફરીના સમયમાં ક્રાંતિકારી ફેરફાર આવ્યો છે. જે અંતર કાપતાં પહેલાં બે કલાકનો સમય લાગતો, એમાં હવે માત્ર બે મિનિટ લાગે છે!
આભ આંબતો હુઆજિયાંગ ગ્રાન્ડ કેન્યોન બ્રિજ
આ પુલનું સત્તાવાર નામ 'હુઆજિયાંગ ગ્રાન્ડ કેન્યોન બ્રિજ' છે, જેને 28 સપ્ટેમ્બરના દિવસે સામાન્ય લોકો માટે ખુલ્લો મૂકાયો છે. ચીનના અત્યંત દુર્ગમ અને પર્વતીય પ્રદેશમાં આ પુલ બનતા હવે અહીંનો વાહનવ્યવહાર ઝડપી અને સુગમ બની ગયો છે. અગાઉ બે કલાક લાગતાં એ અંતર પાર કરવામાં હવે ફક્ત બે મિનિટ લાગે છે.
આધુનિક એન્જિનિયરિંગની કમાલ
આ પુલની કુલ લંબાઈ 2,900 મીટર છે. એનો મુખ્ય સ્પાન 1,420 મીટરનો છે અને તે ખીણના તળિયેથી 625 મીટર ઊંચાઈએ આવેલો છે. પુલના બાંધકામ દરમિયાન ‘મોટા પાયે કોંક્રિટ રેડવાની પ્રક્રિયા દરમિયાન તાપમાન નિયંત્રણમાં રાખવામાં’, ‘ઢોળાવવાળી ખીણના ઢાળ સાથે કામ પાર પાડવામાં’ અને ‘તીવ્ર પવનની અસરને ન્યૂનતમ કરવા’ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
નિર્માણકાર્ય સમય કરતાં વહેલું પૂરું કરાયું
અનેક ભૌગોલિક અને કુદરતી પડકાર છતાં નક્કી કરેલા સમયગાળા કરતાં પણ વહેલાં આ પ્રોજેક્ટ પૂરો કરી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વના ટોપ 10 સૌથી ઊંચા બ્રિજ પૈકી આઠ તો ચીનમાં જ છે, અને તે બધા જ ગુઇઝોઉ પ્રાંતમાં સ્થિત છે. આ પુલ એન્જિનિયરિંગ ક્ષેત્રે ચીને કેવી હરણફાળ ભરી છે, એની સાબિતી આપે છે.
સલામતીની કડક ચકાસણી માટે 96 ટ્રકો દોડાવાઈ
ગયા મહિને જ આ પુલની મજબૂતાઈની ચકાસણી કરવા માટે કડક પરીક્ષણ કરાયું હતું. ઇજનેરોએ પુલ પર ભારે ટ્રાફિકની પરિસ્થિતિનું સર્જન કરવા માટે 96 વજનદાર ટ્રકોને પુલ પર દોડાવી હતી અને વ્યૂહાત્મક સ્થાનોએ પાર્ક કરી હતી. પુલના મુખ્ય ભાગ, સ્તંભો, કેબલ્સ અને અન્ય પુર્જામાં થતા કોઈપણ સૂક્ષ્મ ફેરફારને જાણવા માટે 400થી વધુ સેન્સર લગાવાયા હતા, જેથી જેથી તેની માળખાકીય મજબૂતાઈ અને સલામતીની પૂરેપૂરી ખાતરી કરી શકાય.
પ્રવાસન અને સ્થાપત્યનો અદ્ભુત સંગમ
હુઆજિયાંગ ગ્રાન્ડ કેન્યોન બ્રિજ માત્ર પરિવહનનો ઝડપી માર્ગ ન બની રહેતા, એક પ્રવાસન સ્થળ પણ બની ગયો છે. તેમાં 207 મીટરની ઊંચાઈ સુધી જઈ શકતી સાઇટ સીઇંગ એલિવેટર, સ્કાય કાફે અને વ્યુઇંગ પ્લેટફોર્મ પણ છે, જે નીચેની ખીણના મનમોહક અને રમણીય દૃશ્યોનો આનંદ લેવાની તક પૂરી પાડે છે. આ પુલે બે પ્રતિષ્ઠિત વિશ્વ રૅકોર્ડ પણ તોડ્યા છે: (1) વિશ્વનો સૌથી ઊંચો પુલ અને (2) પર્વતીય વિસ્તારમાં નિર્મિત થયેલો સૌથી મોટો સ્પાન બ્રિજ.