ભારત-રશિયાને ચીન અમેરિકા પાસેથી 'હાઈજેક' કરી ગયું : ટ્રમ્પનો બળાપો
- એસસીઓ બેઠકમાં મોદી, પુતિન, જિનપિંગની 'મિત્રતા'થી ટ્રમ્પ 'ઘોર નિરાશા'માં
- ટેરિફના કારણે દુનિયામાં 'અમેરિક વિરુદ્ધ ધરી' બનતી હોવાના નિવેદનથી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો યુટર્ન
- ટ્રમ્પે એસસીઓ સમિટની મોદી, પુતિન, જિનપિંગની તસવીર પોસ્ટ કરતા ભારત-રશિયાના અમેરિકા સાથે સંબંધો ખતમ થયાના સંકેત આપ્યા
વોશિંગ્ટન: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ટેરર સામે રશિયા, ચીન અને છેલ્લે ભારતે પણ અવાજ ઉઠાવ્યો છે. ટ્રમ્પના ટેરિફના વિરોધની નીતિના ભાગરૂપે જ ભારત, ચીન અને રશિયા તિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠનના એક મંચ પર આવ્યા. આ સપ્તાહની શરૂઆતમાં યોજાયેલી એસસીઓ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગની 'મિત્રતા' જોઈ અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ઘોર નિરાશામાં સરી પડયા હોય તેમ તેમણે શુક્રવારે જણાવ્યું કે, આપણે ભારત અને રશિયાને 'ભેદી' ચીનના હાથે ગુમાવી દીધા હોય તેમ લાગી રહ્યું છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું કે, લાગે છે આપણે ભારત અને રશિયાને સૌથી ભેદી અને ખંધા ચીનના હાથે ગુમાવી દીધા હોય તેમ લાગી રહ્યું છે. ઈશ્વર કરે તેમનું ભવિષ્ય લાંબુ અને સમૃદ્ધ હોય... તેમની આ ટીપ્પણી રશિયા-ભારત સાથે અમેરિકાના સંબંધો ખતમ થઈ રહ્યા હોય તેવા સંકેતો આપી રહી છે.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ પોસ્ટની સાથે ચીનમાં થયેલી શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ની શિખર મંત્રણાની ત્રણેય નેતાઓની એક સંયુક્ત તસવીર પણ પોસ્ટ કરી હતી. આ તસવીરમાં નરેન્દ્ર મોદી, વ્લાદિમિર પુતિન અને શી જિનપિંગ સાથે જોવા મળી રહ્યા છે. આ સાથે ટ્રમ્પે એવા સંકેત આપ્યા છે કે ભારત અને રશિયાના ચીન તરફ જવાની બાબતને તેઓ અમેરિકા સાથે તેમના સંબંધો ખતમ થઈ રહ્યા હોવાની રીતે જોઈ રહ્યા છે.
ટ્રમ્પના આ દબાણ વચ્ચે ભારતે કોરોના મહામારી અને ગલવાન હિંસા પછી પહેલી વખત ચીન તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાત વર્ષ પછી એસસીઓ બેઠક માટે ચીન પહોંચ્યા હતા. એસસીઓ સમિટમાં પુતિન અને મોદીએ બંધ કારમાં ૫૦ મિનિટ સુધી 'ગુપ્ત મંત્રણા' કરી હતી. એટલું જ નહીં મોદી, પુતિન અને જિનપિંગની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. નિષ્ણાતોનું માનવું છે કે પીએમ મોદીએ ચીન જઈને ટ્રમ્પને આકરો સંદેશો આપ્યો છે. ટ્રમ્પની શુક્રવારની સોશિલ મીડિયા પોસ્ટથી લાગે છે કે તેમને મોદી, પુતિન અને જિનપિંગની બેઠકથી જોરદાર આઘાત લાગ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન તેમના અગાઉના નિવેદનોથી તેમનો યુ-ટર્ન હોય તેમ જણાય છે. અગાઉ ટ્રમ્પે તેમના ટેરિફના કારણે દુનિયામાં અમેરિકા વિરુદ્ધ કોઈ ધરી બની રહી હોવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે દાવો કર્યો હતો કે, તેમના ૫૦ ટકા ટેરિફના દબાણના કારણે ભારત અમેરિકાના સામાન પર 'શૂન્ય ટેરિફ' માટે સંમત થઈ ગયું છે.
આ પહેલાં ટ્રમ્પે ચીનની સૈન્ય પરેડમાં હથિયારોને જાહેરમાં દર્શાવવા અંગે પણ ચીન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ પરેડ ચીને તેમને બતાવવા માટે કરી છે. ચીને સૈન્ય પરેડમાં ફાઈટર જેટ્સ, ડ્રોન્સ, મિસાઈલો સહિત તમામ અત્યાધુનિક હથિયારો દર્શાવ્યા હતા. આ પરેડમાં રશિયા, પાકિસ્તાન, ઉત્તર કોરિયા જેવા દેશોના વડા મહેમાન તરીકે હાજર હતા.