Get The App

વેનેઝુએલા પરના અમેરિકાના હુમલાથી ચીનને ''પ્રોત્સાહન'' મળ્યું : હવે તાઈવાન પર ભીંસ વધશે

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
વેનેઝુએલા પરના અમેરિકાના હુમલાથી ચીનને ''પ્રોત્સાહન'' મળ્યું : હવે તાઈવાન પર ભીંસ વધશે 1 - image

- અમેરિકા પછી ચીન વેનેઝુએલાનું બીજા ક્રમાંકનું સૌથી મોટું વ્યાપારી ભાગીદાર છે : વેનેઝુએલાના તેલ ભંડારો પર અમેરિકાના કબજાથી ચીનને ફટકો પડયો છે

નવીદિલ્હી : અમેરિકી દળોએ વેનેઝૂએલાનાં પાટનગર કારાકાસમાં ઘૂસીને તેના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમનાં પત્નીનું અપહરણ કર્યું તેના થોડા કલાકો પહેલાં જ ચીનના વિશેષ દૂત તેઓને મળ્યા હતા.

ચીનના વેનેઝૂએલા સાથે રાજકીય અને વ્યાપારી સંબંધો ઘણા ગાઢ છે. અમેરિકા પછી ચીન વેનેઝૂએલાનું બીજા ક્રમનું સૌથી મોટું વ્યાપારી ભાગીદાર છે. તેવામાં નિકોલસ માદુરોની થયેલી ધરપકડે વેનેઝૂએલાનાં તેલ અને બજાર ઉપર અમેરિકાનો કબજો આવી જતાં ચીનને ઝાટકો લાગ્યો છે. તેનું મુખ્ય કારણ તે છે કે અમેરિકાએ તેવી શરત મુકી છે કે વેનેઝૂએલાની બજારમાં માત્ર અમેરિકાનો જ માલ વેચાવો જોઈએ. તેથી ચીનના હાથમાંથી બહુ મોટું બજાર ચાલ્યું ગયું છે.

આ બધા વચ્ચે ચીન માટે એક બહુ મહત્ત્વની વાત તે બની છે કે ટ્રમ્પ ૧૯મી સદીના મનરો ડોકટ્રીન અમેરિકા-ફોર-અમેરિકન્સનો હવાલો આપતાં કહ્યું છે કે લેટિન અમેરિકાના દેશો ઉપર પણ અમેરિકાનો અધિકાર છે.

ટ્રમ્પે અમેરિકાની સંરક્ષણ નીતિનો ગ્રીનલેન્ડ અંગે જે ચીતાર આપ્યો તેમાં પણ મનરો ડોકટ્રીન (મનરો સિદ્ધાંત)નો હવાલો આપ્યો હતો.

આ સિદ્ધાંત નીચે ટ્રમ્પે બોલિવીયા પર જમાવેલો કબજો અને ગ્રીનલેન્ડ વિષેનાં તેનાં વલણે ચીનને ભારે પ્રોત્સાહન તાઈવાન પર કબજો જમાવવાનું મળ્યું છે. તે કહે છે કે જો અમેરિકા વેનેઝૂએલા પર કબજો જમાવી દે તો ચીન તાઈવાન પર શા માટે કબજો ન જમાવે ? બીજી તરફ ટ્રમ્પ તંત્ર વેનેઝૂએલાને સતત ધમકી આપી રહ્યું છે કે તેણે ચીન, રશિયા અને ઈરાન તથા ક્યુબા સાથે તેના સંબંધો તોડી નાખવા, તો જ તેને તેલ ઉત્પાદનની મંજૂરી મળી શકશે.

બીજી તરફ ટ્રમ્પે ચીન, વેનેઝૂએલામાં આટલું બધું રોકાણ કરે છે તે સામે પણ વિરોધ દર્શાવ્યો છે. તે જાણવા માગે છે કે આખરે ચીન આટલું બધું રોકાણ શા માટે વેનેઝૂએલામાં કરે છે ?

આટલું ઓછું હોય તેમ ટ્રમ્પે હવે તો ગ્રીનલેન્ડ સુધી દાવો કર્યો છે, તેથી યુરોપીય દેશો સાથેના પણ ટ્રમ્પના સંબંધો બગડયા છે. યુરોપીય દેશો ખાસ કરીને ડેન્માર્કમાં તંગદિલી વ્યાપી છે.

સૌથી વધુ ગંભીર વાત તો તે છે કે જો સંરક્ષણનાં બહાને ટ્રમ્પે બોલીવીયા ઉપર કબજો જમાવ્યો અને ગ્રીનલેન્ડ હસ્તગત કરવાની વાત કરી છે. તેવી જ રીતે ચીન તાઈવાન પર કબજો જમાવવાની કાર્યવાહીને યોગ્ય ઠરાવી હુમલા કરે તે પૂરી શક્યતા છે. તેથી તાઈવાન ઉપરાંત જાપાન, ફીલીપાઈન્સ, ઈન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલેન્ડ તણાવમાં આવી ગયા છે.