Why China Banned Apartments For Dead: ચીનમાં ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે અને વૃદ્ધોની સંખ્યામાં પણ ભારે વધારો થઈ રહ્યો છે. આ કારણે કબ્રસ્તાનોમાં જગ્યા મેળવવી ખૂબ મુશ્કેલ છે. લોકોને મોંઘા દફન પ્લોટ ખરીદવા પડે છે, જેની કિંમતો આકાશને આંબી રહી છે. આ સમસ્યાનો સામનો કરવા માટે લોકોએ એક અલગ રસ્તો શોધી કાઢ્યો છે, ખાલી ફ્લેટમાં મૃત સ્વજનોની રાખ સંગ્રહ કરવી. આ સુવિધા છેલ્લા કેટલાક વર્ષોમાં લાખો લોકોએ અપનાવી લીધી છે, પરંતુ હવે ચીન સરકારે આ પ્રથા પર કાયદાકીય શસ્ત્ર ઉગામીને પ્રતિબંધ મૂકી દીધો છે.
ચાલો જાણીએ, ચીને આવું કેમ કરવું પડ્યું.
નવો કાયદો શું કહે છે?
ચીનમાં 30 માર્ચ, 2026થી સુધારો કરીને અમલી કરાયેલા 'અંતિમ સંસ્કાર વ્યવસ્થાપન કાયદા'માં સ્પષ્ટ જોગવાઈ કરાઈ છે કે, હવેથી રહેણાક મકાનોનો ઉપયોગ અગ્નિ સંસ્કાર કરાયેલા અવશેષો (રાખ) સંગ્રહિત કરવા માટે કરી શકાશે નહીં. આ ઉપરાંત, સરકાર દ્વારા નક્કી કરાયેલા જાહેર કબ્રસ્તાન અને ઈકોલોજિકલ દફન વિસ્તારો સિવાયના કોઈ પણ સ્થળે મૃતદેહોને દફનાવવા અથવા કબરો બનાવવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. આ કાયદો પરંપરાગત ચીની તહેવાર ‘કિંગમિંગ’(કબર-સફાઈ ઉત્સવ)ના થોડા દિવસો પહેલા અમલી કરાયો છે. આ તહેવાર અગાઉ લોકો તેમના પૂર્વજોની કબરો સાફ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપે છે.
શું છે 'બોન એશ' એટલે ‘અસ્થિ રાખ’ જાળવવાની પ્રથા?
'ગુહુઈ ફેંગ' તરીકે ઓળખાતી આ પ્રથા શરૂ થઈ ત્યારે, લોકોને એવું લાગતું હતું કે, મોંઘા કબ્રસ્તાનના પ્લોટ ખરીદવા કરતાં ખાલી પડેલો ફ્લેટ ખરીદી લેવો વધુ સસ્તો પડે છે. આવા ફ્લેટમાં લોકો તેમના મૃતકના અવશેષો રાખે છે અને એ જગ્યાને પૂર્વજોના મંદિર જેવી બનાવી દે છે. ત્યાં તેઓ મીણબત્તીઓ, લાલ લાઇટ અને ધાર્મિક વિધિ માટેની (અગ્નિ ભઠ્ઠીઓ જેવી) સુવિધાઓ પણ ઊભી કરી દે છે. આ પ્રકારના ઘરો ચીનમાં બોન એશ એપાર્ટમેન્ટ તરીકે જાણીતા થયા છે.
સામાન્ય લોકોને મોંઘો દફન ખર્ચ પણ બોજ લાગે છે
આ પ્રથા પાછળનું સૌથી મોટું કારણ ચીનમાં દફન અને અંતિમ સંસ્કારનો વધતો ખર્ચ છે. વૈશ્વિક સર્વે અનુસાર, જાપાન પછી ચીનમાં અંતિમ સંસ્કારનો ખર્ચ વિશ્વમાં બીજા ક્રમે છે. ઉદાહરણ તરીકે, બેજિંગના ચાંગપિંગ ટિયાનશોઉ કબ્રસ્તાનમાં કબરના એક પ્લોટની કિંમત 10,000 યુઆન (1.35 લાખ)થી લઈને 3,00,000 યુઆન (₹40.5 લાખ) જેટલી છે. સામાન્ય ટોમ્બ સ્ટોન પ્લોટની શરૂઆતી કિંમત આશરે 1,50,000 યુઆન (₹20.25 લાખ) છે.
બીજી તરફ, ચીનમાં રિયલ એસ્ટેટના ભાવમાં ભારે ઘટાડો થયો છે. 2021 અને 2025ની વચ્ચે મિલકતના ભાવમાં 40% જેટલો ઘટાડો નોંધાયો હતો. તેથી લોકોને મોંઘી કબર ખરીદવા કરતાં ફ્લેટ ખરીદવો વધુ સસ્તો લાગે છે.
જમીનના લીઝ ફક્ત 20 વર્ષ માટે મળે છે
ચીનમાં કબ્રસ્તાનના પ્લોટ માત્ર 20 વર્ષના લીઝ પર અપાય છે, જે સમય પૂરો થયા બાદ રિન્યુ કરાવવો પડે છે. તેનાથી વિપરીત, રહેણાક મિલકતો 70 વર્ષ સુધીના ઉપયોગના અધિકાર સાથે આવે છે. આ લાંબા ગાળાની સુરક્ષા પણ લોકોને એપાર્ટમેન્ટ તરફ વધુ આકર્ષિત કરતી હતી.
લોકોની પ્રતિક્રિયા અને સોશિયલ મીડિયા પર ચર્ચા
આ કાયદાની જાહેરાત બાદ ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘વેઇબો’ પર ભારે ચર્ચા જોવા મળી રહી છે. સરકારના આ પગલાં સામે ઘણાં લોકોએ શંકા વ્યક્ત કરી છે. એક યુઝરે પૂછ્યું, ‘આ કાયદાનું બરાબર પાલન થઈ રહ્યું છે કે નહીં, એ કોણ તપાસશે? શું તેઓ દરેક ભઠ્ઠી પર જીપીએસ ટ્રેકર લગાવશે?’ તો બીજા યુઝરે લખ્યું, ‘90% ડિસ્કાઉન્ટ આપે તો પણ કબ્રસ્તાનના પ્લોટ ખૂબ મોંઘા ગણાય.’ આમ, લોકો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જો કબ્રસ્તાનના પ્લોટ રિઝનેબલ હોત તો કોઈ આવો રસ્તો ન અપનાવત.
વૃદ્ધ વસ્તી અને વધતાં મૃત્યુદરનું દબાણ
ચીન વિશ્વની સૌથી ઝડપથી વૃદ્ધ થતી વસ્તી ધરાવે છે. 2025માં દેશમાં 1.13 કરોડ મૃત્યુ નોંધાયા હતા, જ્યારે માત્ર 79 લાખ બાળકોનો જન્મ થયો હતો. 2015માં મૃત્યુઆંક 98 લાખ હતો. આમ, મૃત્યુદરમાં વધારો અને જમીનની મર્યાદિત ઉપલબ્ધતાને કારણે દફનવિધિ મોટો પડકાર બની ગયો છે.
એક વિકલ્પ છે 'ઈકોલોજિકલ દફન'
આ સમસ્યાના ઉકેલ માટે ચીન સરકાર 'ઈકોલોજિકલ દફન'ને પ્રોત્સાહન આપી રહી છે. શાંઘાઈ જેવા મોટા શહેરોમાં તંત્ર એવા લોકોને સબસિડી આપે છે, જે 'જમીનમાં ઊંડે દફનવિધિ' અથવા 'સમુદ્રમાં દફન' જેવી ઈકો-ફ્રેન્ડલી પદ્ધતિઓ અપનાવે છે. 2025માં સમુદ્રમાં દફનવિધિના કેસ 10,000ને પાર કરી ગયા હતા. આ પદ્ધતિમાં અવશેષોને એવી રીતે દફનાવાય છે, જેથી જમીનનો ફરી ઉપયોગ કરી શકાય અને પર્યાવરણ પર કોઈ ભાર ન પડે.
- સામાન્ય કબ્રસ્તાનમાં એક વખત કબર બની જાય પછી તે જગ્યા કાયમી ધોરણે ઘેરાયેલી રહે છે. પરંતુ 'જમીનમાં ઊંડે દફન' કરાય તો સમય જતાં તે જગ્યા ખાલી થઈ જાય છે અને તેનો પુનઃ ઉપયોગ કરી શકાય છે. તે જમીન પર કોઈ કાયમી કબજો રહેતો નથી.
- એવી જ રીતે, સમુદ્રમાં દફન કરીએ તો અવશેષો (રાખ) કુદરતી રીતે પાણીમાં ભળી જાય છે. આથી જમીન પર કબ્રસ્તાન માટે વૃક્ષો કાપવાની, કોંક્રિટના સ્મારકો બનાવવાની કે જમીન ખોદવાની જરૂર રહેતી નથી. પરિણામે, પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી અને કુદરતી સંસાધનોની બચત થાય છે.


