ટેરિફ વૉર વચ્ચે ચીને પેન્ટાગોન કરતાં 10 ગણું મોટું સૈન્ય મથક બનાવવાનું શરૂ કર્યું, ભારત પણ ચિંતિત
China vs USA News | ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મી યુદ્ધ માટે તૈયાર રહે તેને લઇને રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગંભીર હોવાનો ખુલાસો થયો છે. ચીની સેના યુદ્ધ માટે મોટાપાયે તૈયારી કરી રહી છે તેનો ખુલાસો હાલમાં ચીનમાં તૈયાર થઇ રહેલા કમાન્ડ કોમ્પ્લેક્સ કે સૈન્ય મથકના બાંધકામની સેટેલાઇટ તસવીરોથી થયો છે. ચીન અમેરિકાના પેન્ટાગોન કરતા ૧૦ ગણુ મોટુ સૈન્ય વડું મથક તૈયાર કરી રહ્યું હોવાનો દાવો આ મીડિયા રિપોર્ટમાં કરાઇ રહ્યો છે. આ એક જગ્યાએથી ચીનની સુરક્ષાના તમામ વિભાગો ઓપરેટ કરવામાં આવશે.
સેટેલાઇટ તસવીરો સામે આવી છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે ચીનમાં હાલ મોટા પાયે સેના માટે બાંધકામ ચાલી રહ્યું છે. બોમ્બમારા સમયે સેનાના સૈનિકોની સુરક્ષા માટે ભૂગર્ભમાં મોટા પાયે કમાંડ કોમ્પ્લેક્સ તૈયાર થઇ રહ્યા છે. હાલ ચીન સૈન્ય દ્વારા આવા અનેક પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે જેનાથી સંકેતો મળી રહ્યા છે કે ચીન આગામી દિવસોમાં કોઇ યુદ્ધ થાય તો તેનાથી સૈનિકોને કેવી રીતે બચાવવા તેની તૈયારી કરી રહ્યું છે. ચીનની રાજધાની બીજિંગથી લગભગ ૨૫થી ૩૦ કિમી પશ્ચિમ-દક્ષિણમાં આ નિર્માણ કામ ચાલી રહ્યું છે.
એક મીડિયા રિપોર્ટે ગત જાન્યુઆરીના અંતમાં ચીન દ્વારા તૈયાર થઇ રહેલા આ કોમ્પ્લેક્સને લઇને એક રિપોર્ટ જાહેર કર્યો હતો. એવી માહિતી સામે આવી છે કે પીએલએના સૈનિકો માટે આશરે ૧૫૦૦ એકરમાં આ નિર્માણકામ થઇ રહ્યું છે. અમેરિકામાં આવુ જ એક સૈન્ય મથક છે જેને પેન્ટાગોન તરીકે ઓળખવામાં આવે છે. પેન્ટાગોનમાં અમેરિકાની સંરક્ષણ માટેની ઓફિસો સહિતના વિભાગો આવેલા છે. આ જ પ્રકારનું એક વિશાળ સેન્ટર હાલ ચીન તૈયાર કરી રહ્યું છે. એવા અહેવાલો છે કે ચીન દ્વારા તૈયાર થઇ રહેલુ આ કોમ્પ્લેક્સ અમેરિકાના પેન્ટાગોન કરતા દસગણુ મોટુ છે. ચીન દ્વારા ગુપ્ત રીતે તૈયાર થઇ રહેલુ આ સૈન્ય મથક ભારત માટે ખતરા સમાન સાબિત થઇ શકે છે.
ચીન જે સૈન્ય મથક તૈયાર કરી રહ્યું છે તેમાં અનેક અન્ડર ગ્રાઉન્ડ બંકરો પણ છે જે યુદ્ધ સમયે સૈન્યના જવાનોને પરમાણુ જેવા હુમલાથી બચાવી શકે એટલા મજબૂત રીતે તૈયાર કરાઇ રહ્યા છે. આ કમાંડ કોમ્પ્લેક્સ પૂર્ણ થયા બાદ તે વિશ્વનું સૌથી મોટુ સૈન્ય મથક (કમાન્ડ સેન્ટર) બની જશે. આ સેન્ટર પરથી જ ચીન સૈન્યની તમામ કામગીરી ઓપરેટ થશે. કેટલાક લોકો આ સૈન્ય મથકને બીજિંગ મિલિટરી સિટી તરીકે પણ ઓળખાવી રહ્યા છે. રિપોર્ટ મુજબ આ કોમ્પ્લેક્સનો વિસ્તાર ચાર કિમી સુધી ફેલાયેલો છે. જેના નિર્માણ માટે ૧૦૦થી વધુ ક્રેન તૈનાત કરાઇ છે. અંદર ભૂગર્ભમાં પણ આ કેમ્પ્લેક્સનો મોટો હિસ્સો તૈયાર કરાઇ રહ્યો છે. જમીનની અંદર જ સૈન્યના વાહનોની અવર જવર માટે કેટલીક ટનલો પણ તૈયાર થઇ રહી છે.