નફરતની પાઠશાળાઃ નેપાળના બાળકોમાં ભારત વિરૂદ્ધ ઝેર ભરી રહ્યું છે ચીન
લગભગ તમામ ખાનગી શાળાઓમાં મેન્ડરિન શીખવવી ફરજિયાત, બાળકોને અપાઈ નોકરીઓની લાલચ
ચીન સરકાર તરફથી વેતન મેળવતા આ સ્વયંસેવક શિક્ષકો નેપાળના વિકાસમાં અવરોધ માટે ભારતને જવાબદાર ગણાવી બાળકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે
શ્રાવસ્તી, તા. 7 જુલાઈ 2020, મંગળવાર
અત્યાર સુધી નેપાળની શિક્ષણ વ્યવસ્થા ભારત સાથે ખૂબ જ સામ્ય ધરાવતી હતી પરંતુ હવે ચીન ધીરે ધીરે નેપાળના શાળાએ જતા બાળકોના મનમાં ભારત વિરોધી ઝેર રેડી રહ્યું છે. આ માટે ચીન પોતાના સ્વયંસેવકી શિક્ષકોના માધ્યમથી અભિયાન પણ ચલાવી રહ્યું છે.
અત્યાર સુધીમાં નેપાળની 136 શાળાઓમાં ચીની ભાષા મેન્ડરિન પહોંચી ગઈ છે. ભારત અને નેપાળની સરહદ પર આવેલી અનેક શાળાઓમાં આ ભાષા ભણાવવામાં આવે છે. આ શાળાના શિક્ષકોને વેતન પણ ચીન પહોંચાડે છે અને આ શિક્ષકો બાળકોને ચીની ભાષાની સાથે ભારત પ્રત્યે નફરતના પાઠ પણ ભણાવે છે.
ઉલ્લેખનીય છે કે નેપાળ અને ભારત વચ્ચેના સંબંધો ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે ખૂબ જ મજબૂત છે. નેપાળ ભારતને પોતાના મોટા ભાઈ સમાન માને છે. ભારતે તમામ ક્ષેત્રે નેપાળની મદદ કરેલી છે અને નેપાળ પણ ભારત સાથેના પોતાના સંબંધોને પ્રાથમિકતા આપે છે પરંતુ હવે ચીનની નજર આ સંબંધો પર છે.
ચીન નેપાળ અને ભારતની પુરાતન પરંપરાને નષ્ટ કરવા માટે નેપાળની શાળાઓને પોતાનું નિશાન બનાવી રહ્યું છે. ચીને નેપાળની શાળામાં પોતાની મેન્ડેરિન ભાષા શીખવવા ખાસ શિક્ષકો નિયુક્ત કર્યા છે. આ માટે ચીનના 226 સ્વયંસેવક શિક્ષકોને નેપાળમાં તૈનાત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 136 ખાનગી અને સરકાર આધીન વિદ્યાલયોમાં આ શિક્ષકોને તૈનાત કરવામાં આવ્યા છે. પ્રત્યેક શાળામાં સરેરાશ બે શિક્ષકો તૈનાત કરવાની ચીનની યોજના છે.
આ શિક્ષકો વિદ્યાર્થીઓને ચીની ભાષા શીખવવાની સાથે સાથે તેમને ચીનની ગાથા પણ સંભળાવે છે. સાથે જ બાળકોના મનમાં ભારત પ્રત્યે દ્વેષ ભાવના પણ ભરી રહ્યા છે. આ શાળાઓમાં ભારત-નેપાળની સરહદે આવેલી ભઉઆ નાકા, નરૈનાપુર અને ગામ વિકાસ સમિતિ લક્ષ્મણપુર વિદ્યાલય સહિત અન્ય અનેક નેપાળી શાળાનો સમાવેશ થાય છે.
મધેશીઓને શીખવાડે છે ચીની ભાષા
નેપાળની લક્ષ્મણપુર ગામ વિકાસ સમિતિ શાળાના શિક્ષક રમેશ કુમારના કહેવા પ્રમાણે તેમની શાળાના મોટા ભાગના બાળકો મધેશી છે. લોકડાઉન પહેલા આ શાળામાં બે ચીની સ્વયંસેવક શિક્ષકો તૈનાત થયા હતા પરંતુ લોકડાઉનમાં શાળા બંધ હોવાથી અભ્યાસ ન થઈ શક્યો.
શાળાઓ ખુલ્યા બાદ ચીની શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવશે અને તેઓ હાલ ગામમાં જ છે. આ શિક્ષકો ચીની ભાષા શીખવવાની સાથે લોકોમાં સ્કિલ ડેવલપમેન્ટનું કામ કરે છે. આ ભાષા શીખ્યા બાદ લોકોને ચીનમાં સરળતાથી નોકરી મળી જશે તેમ કહેવામાં આવે છે.
ભઉઆની સરકારી શાળાના શિક્ષક નવીન કુલશ્રેષ્ઠના કહેવા પ્રમાણે તેમના ત્યાં એક ચીની શિક્ષક તૈનાત કરવામાં આવ્યો છે. તેને ફક્ત એક વર્ષ માટે જ સ્વયંસેવક તરીકે તૈનાત કરવામાં આવ્યો છે અને તે ફક્ત ચીની ભાષા શીખવે છે. આ શાળાના મોટા ભાગના બાળકો નેપાળી મૂળના પર્વતીય ક્ષેત્રોના રહેવાસી છે.
ખાનગી શાળામાં ચીની ભાષા ફરજિયાત
નેપાળની સિદ્ધાર્થ વનસ્થલી સંસ્થા હોય કે યૂલેનસ શાળા આ તમામ ખાનગી શાળાઓમાં મેન્ડરિન ભાષા શીખવવી ફરજિયાત કરી દેવાઈ છે. આ ભાષા શીખવતા શિક્ષકોને ચીન સરકાર વેતન આપે છે. અલ્સેંસ શાળાના પ્રિન્સિપાલ મેડિન બહાદુર લામિછાનેના કહેવા પ્રમાણે ત્યાં મેન્ડરિન ભાષા શીખવવા બે ચીની સ્વયંસેવક શિક્ષક નિયુક્ત કરાયા છે.
આટલું જ નહીં, ખાનગી શાળાઓમાં મેન્ડરિનને પ્રોત્સાહન આપવા ચીની દૂતાવાસ ત્યાંની પ્રમુખ શાળાઓને મળીને પ્રોત્સાહિત પણ કરે છે. તેણે 54 સ્વયંસેવક શિક્ષકોના સાતમા જૂથને સન્માનિત પણ કર્યું છે. તાજેતરમાં નેપાળ-ચીન યુથ ફ્રેન્ડશિપ અસોશિએશનના અધ્યક્ષ પૌડેલ અને શ્યામે વાંગફેલ હાયર સેકન્ડરી શાળાના પ્રિન્સિપાલ સિમ્ખડા વચ્ચેની બેઠકમાં પણ શાળામાં ચીની ભાષા શીખવવા પર દબાણ અપાયું હતું.
અપાઈ રહી છે નોકરીની લાલચ
નેપાળની લગભગ તમામ શાળાઓમાં હવે ચાઈનીઝ ભાષાની સાથે ત્યાંની સંસ્કૃતિના ગુણગાન ગવાઈ રહ્યા છે. આ શાળાના બાળકોને શીખવવામાં આવે છે કે નેપાળનો વિકાસ નથી થઈ રહ્યો તેના માટે ભારત જવાબદાર છે અને ભારતે તેમના કયા કયા ભૂભાગો પર કબજો જમાવેલો છે.
ચીન તેમને વિશ્વફલક પર લાવવા માંગે છે જેથી નેપાળના તમામ યુવાનોને રોજગાર મળે. આને લઈ મધેશીયોમાં ભારે નારાજગી પણ છે. ભગવાનપુરના મધેશી નેતા રામરંગ મહતોના કહેવા પ્રમાણે આ ચીનની યોજનાપૂર્વકની ચાલ છે અને તે બાળકોની કોમળ ભાવનાઓને વટલાવી રહ્યું છે.