એરસ્ટ્રાઇક બાદ કંપી ઉઠ્યું પાકિસ્તાન તો ચીનના પેટમાં તેલ રેડાયું, જુઓ શું કહ્યું
China on Operation Sindoor: ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કર્યા બાદ વિશ્વભરથી પ્રતિક્રિયાઓ આવવાની શરુઆત થઈ છે. સૌથી પહેલા ઈઝરાયલ ભારતની પડખે ઊભું થયું છે અને સમર્થન આપતાં કહ્યું છે કે, 'આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીમાં અમારું સમર્થન રહેશે.' જો કે બીજી તરફ તૂર્કીયે ખૂલીને પાકિસ્તાનના સમર્થનમાં આવ્યું છે. એટલું જ નહીં ચીનના પેટમાં પણ આ કાર્યવાહીથી તેલ રેડાયું છે.
બંને દેશો સંયમ રાખે જેથી પરિસ્થિતિ વધુ ન બગડે: ચીન
ચીને કહ્યું છે કે, 'સૈન્ય કાર્યવાહીથી અમે ચિંતિત છીએ. ભારત અને પાકિસ્તાન હંમેશા પડોશી રહેશે અને બંને ભારતના પડોશી દેશ છે. ચીન તમામ પ્રકારના આતંકવાદનો વિરોધ કરે છે. અમે બંને પક્ષોને શાંતિ અને સ્થિરતા માટે પગલાં લેવા અપીલ કરીએ છીએ, બંને દેશો સંયમ રાખે જેથી પરિસ્થિતિ વધુ ન બગડે.' આમ તો પાકિસ્તાનને ચીનથી જ સૌથી વધુ આશા હતી, જોકે ચીને પોતાના નિવેદન સીધું જ પાકિસ્તાનનું સમર્થન નથી કર્યું અને બંને દેશોને સંયમ રાખવાની અપીલ કરી છે.
તુર્કીયેનું પાકિસ્તાનને સમર્થન
બીજી તરફ તુર્કીયે તો ખૂલીને પાકિસ્તાનના સમર્થનમાં આવ્યું છે. તુર્કીયેના વિદેશમંત્રીએ પાકિસ્તાનના વિદેશમંત્રી સાથે વાતચીતમાં દૃઢતાથી સાથ સહકાર આપવાનું આશ્વાસન આપ્યું છે.
ઓપરેશન સિંદૂર
ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એર સ્ટ્રાઈક કરવામાં આવી છે. એર સ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતાં કહ્યું છે કે, 'ન્યાય થયો, જય હિન્દ'.
ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ પર મિસાઇલથી હુમલો પણ કર્યો છે. ભારતની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે જેનો BSF જડબાતોડ જવાબ આપી રહી છે.
પ્રાથમિક અહેવાલો અનુસાર ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ઠેકાણાઓને નિશાને લીધા હતા. ANI અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત ઓપરેશન સિંદૂર પર નજર રાખી રહ્યા છે.