હવે ભુતાનની જમીન પર ચીને બગાડી નજર, તો વધશે ભારતની મુશ્કેલી
બેજિંગ, તા.22 જુલાઈ 2020, બુધવાર
સરહદો વિસ્તારવાની ફીરાકમાં રહેલા મહત્વકાંક્ષી અને ખંધા ચીને હવે ભુતાનની જમીન પર નજર બગાડી છે.
ચીને ભૂતાનના એક હિસ્સા પર પોતાનો દાવો રજૂ કર્યો છે.ચીને તેના બદલામાં ભૂતાનને એક પેકેજ પણ ઓફર કર્યુ છે. 1996માં પણ ભૂતાન સામે ચીને જમીનની અદલા બદલી કરવાની ઓફર કરી હતી .જેને ભુતાને ઠુકરાવી દીધી હતી.
ચીને ફરી આવો પ્રસ્તાવ મુક્યો છે અને તેની પાછળ તેની મેલી મુરાદ ભારતને ઘેરવાની છે. કારણકે આ પ્રસ્તાવ પ્રમાણે ચીન ભૂટાનને ઉત્તરી બોર્ડર પર વિવાદીત જમીન સોંપી દેશે અને બદલામાં ડોકલામ સહિતની પશ્ચિમી સીમા પરના વિવાદીત પ્રદેશો પોતાના નિયંત્રણ હેઠળ લઈ લેશે. જો ચીન ફરી આ જ ડીલ કરવાની કોશિશ કરી રહ્યુ હોય અને ભુતાન આ માટે હા પાડશે તો ભારતની મુશ્કેલીઓ વધશે.
ચીનના વિદેશ મંત્રાલયે ફરી એક વખત ભૂતાનની પૂર્વ સીમા પર પોતાનો દાવો રજૂ કર્યો છે. ચીન ભૂતાન પર ડીલ માટે દબામ વધારી રહ્યુ છે અને આ માટે જ નવા હિસ્સાઓ પર પણ દાવો કરી રહ્યુ છે.
જો ચીનનુ જમીનની અદલા બદલીનુ પેકેજ ભુતાન સ્વીકારી લે અને ડોકલામ ચીન પાસે જતુ રહે તો ચીની સેનાની પહોંચ સિલીગુડી કોરિડોરના સંવેદનશીલ અને ચીકન નેક તરીકે ઓળખાતા વિસ્તાર સુધી થઈ જશે. આ એ જ વિસ્તાર છે જેના રસ્તા ભારતને તેના નોર્થ ઈસ્ટના રાજ્યો સાથે જોડે છે.
નિષ્ણાતોનુ માનવુ છે કે, 1996 બાદ પહેલી વખત ચીને પોતાનો પ્રસ્તાવ ફરી રજૂ કર્યો છે. ચીનનો ઈરાદો ભુતાનને રાજી કરી દેવાનો છે.સાથે સાથે ચીન એવો પણ સંદેશો ભુતાનને આપી રહ્યુ છે કે, જો ડીલ પર તે સંમત નહી થાય તો ચીન તેના બીજા વિસ્તારો પરનો દાવો વધારતુ જશે.
ભુતાનના વિદેશ મંત્રાલયે હજી સુધી તેના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. ડોકલામમાં થયેલા સંઘર્ષ બાદ હજી સુધી ભુતાન અને ચીન વચ્ચે સરહદને લઈને કોઈ વાતચીત થઈ નથી.