World

ચાર્લી કર્કનો હત્યારો ઝડપાયો ટ્રમ્પે કહ્યું, મોતની સજા આપીશું

By GS TEAM
13 Sep 20252 mins read
ચાર્લી કર્કનો હત્યારો ઝડપાયો  ટ્રમ્પે કહ્યું, મોતની સજા આપીશું

- પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આરોપીની ધરપકડની જાણકારી આપી

- કર્કના હત્યારા અંગે પોલીસને 7000થી વધુ લોકોએ બાતમી આપી : પોલીસે હત્યારાનું નામ જાહેર કર્યું નથી

વૉશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ચાર્લી કર્કનો હત્યારો ઝડપાઈ ગયો છે. એક લાઈવ ઈન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઉચ્ચ સૂત્રોએ આપેલી જાણકારી પ્રમાણે હત્યારો પકડાઈ ગયો છે. તેની ખૂબ નજીકના વ્યક્તિએ કહ્યું છે કે આ તે જ છે. કાયદા અમલીકરણ સાથે સંકળાયેલા એક મંત્રીએ આરોપીને અધિકારીઓને સોંપી દીધો છે. જોકે, અમેરિકન પ્રમુખે કે એજન્સીઓએ હત્યારાની ઓળખ જાહેર કરી ન હતી.

ચાર્લી કર્ક અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વાસુ સહયોગી હતા. પ્રમુખપદના કેમ્પેઈનિંગમાં તેણે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. યુટામાં યુનિવર્સિટીના એક કાર્યક્રમ દરમિયાન તે ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે આ હત્યાને આયોજનપૂર્વક કરાયેલી હત્યા ગણાવી હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેને રાજકીય હત્યા ગણાવી હતી. ટ્રમ્પે તો તેમના વિશ્વાસુ કર્કની હત્યા પછી એવુંય કહ્યું હતું કે તે અમેરિકાના સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમનો હકદાર છે.

અધિકારીઓને ઘટના સ્થળેથી એક હાઈપાવર્ડ બંદૂક મળી આવી હતી. હત્યારો છત કૂદીને ઘટના સ્થળેથી જંગલમાં નાસી ગયો હતો એવી અધિકારીઓને શંકા હતી. ગોળીબાર થયો પછી સુરક્ષા અધિકારીઓ કર્ક તરફ ગયા હતા, પરંતુ તે સિવાયના અસંખ્ય લોકો ક્લાસરૂમ તરફ ભાગ્યા હતા અને બચવા માટે ક્લાસરૂમમાં ભરાઈ રહ્યા હતા. ઘટના પછી કેમ્પસમાં પ્રૂવ મી રોંગના નારા લાગ્યા હતા.

તપાસ એજન્સી એફબીઆઈએ ઘટના સ્થળના સીસીટીવીના ફૂટેજમાંથી મેળવેલો વિડીયો અને ફોટો આખાય દેશમાં મોકલી દીધા હતા. બધા જ રાજ્યોમાં હત્યારાને ઝડપી લેવા તજવીજ શરૂ થઈ હતી. આ આરોપીના સંદર્ભમાં પોલીસને ૭૦૦૦થી વધુ લોકોએ ટિપ્સ આપી હતી. એ બાતમી પોલીસને ખૂબ ઉપયોગી નીવડી હતી.