સાપના ઝેર કરતાં વધારે ઝેરી છે આ ઝાડનું ફળ, સુરક્ષા માટે ખડેપગે રહે છે લોકો
દિલ્હી, 20 ડિસેમ્બર 2018, ગુરુવાર
ધરતી પરના ઝાડ અને લીલોતરી માનવજાતિ માટે આશીર્વાદ સમાન છે. લોકો જે શુદ્ધ હવા શ્વાસમાં લે છે તે વૃક્ષો થકી જ છે. ઝાડ પાન મનુષ્યજાતિ માટે વરદાન છે. આયુર્વેદ પણ આ ઝાડ પાનને ઔષધી તરીકે ઉપયોગમાં લે છે. તેના મૂળ, ફૂલ, પાંદડા વગેરેનો ઉપયોગ કરી વિવિધ દવાઓ પણ તૈયાર કરવામાં આવે છે. એટલા માટે જ ધરતી પર જેટલા વૃક્ષ વાવવામાં આવે તેટલા ઓછા પડે. પરંતુ આજે તમને એક એવા ઝાડ વિશે જાણવા મળશે કે તે માણસને જીવન આપવાના બદલે જીવ લેવા માટે બનેલું છે. જી હાં અહીં વાત થઈ રહી છે સરબેરા ઓડોલમ નામના ઝાડની.
આ ઝાડ જોવામાં અત્યંત સુંદર અને આકર્ષક છે પરંતુ તે ખૂબ જ ખતરનાક પણ છે. કહેવામાં આવે છે કે આ ઝાડમાં કોબરા સાપ કરતાં પણ વધારે ઝેર ભરેલું છે. સરબેરા ઓડોલમને સુસાઈડ ટ્રી તરીકે પણ ઓળખાય છે. સુસાઈડ ટ્રી ભારત સહિત દક્ષિણ પૂર્ણ એશિયાના અન્ય દેશોમાં પણ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે જ્યાં જ્યાં આ ઝાડ છે ત્યાં ત્યાં સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવામાં આવે છે જેથી સામાન્ય લોકોને તેનાથી નુકસાન ન થાય.
માનવામાં આવે છે કે દર સપ્તાહમાં તેના કારણે એક વ્યક્તિનો જીવ જાય છે. કેટલીક શોધ કર્યા બાદ જાણવા મળ્યું કે ઝેરી છોડ જે ધરતી પર અસ્તિત્વ ધરાવે છે તે તમામમાં સૌથી વધારે ઝેરી આ ઝાડ છે. આ ઝાડમાં જે ફળ આવે છે તેમાં સરબેરીન નામનું તત્વ હોય છે જે ઝેર હોય છે. જો આ ઝેર થોડું પણ વ્યક્તિના પેટમાં જાય તો ગણતરીની જ કલાકોમાં તેનું મોત થઈ જાય છે. આ ઝાડનું ઝેર શરીરમાં જાય એટલે ઉલટી, હૃદયની ગતિ તીવ્ર થઈ જવી જેવી સમસ્યા શરૂ થઈ જાય છે. સૌથી ખતરનાક વાત એ છે કે આ ઝેર શરીરમાં જાય પછી ડોક્ટરો પણ તેને ટ્રેસ કરી શકતા નથી.