યુદ્ધવિરામ લાગુ છતાં ઈઝરાયલનો ગાઝામાં બોમ્બમારો, 27ના મોત, હમાસના ઠેકાણાને બનાવ્યા નિશાન

પ્રતિકાત્મક તસવીર |
Israel vs Gaza news : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગયા મહિને થયેલો યુદ્ધવિરામ હવે ખતરામાં મુકાઈ ગયો છે. ઇઝરાયેલે બુધવારે ગાઝા પટ્ટીમાં ભીષણ હવાઈ હુમલો કર્યો, જેમાં 27 પેલેસ્ટિનિયનોના મોત થયા. આ ઉપરાંત, ઇઝરાયેલે લેબનોનમાં પણ કરેલા અલગ-અલગ હવાઈ હુમલાઓમાં 14 લોકો માર્યા ગયા છે, જેના કારણે સમગ્ર ક્ષેત્રમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.
ગાઝા પટ્ટીમાં 27 પેલેસ્ટિનિયનોના મોત
ઇઝરાયેલી સેનાએ બુધવારે હમાસ-નિયંત્રિત ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા કર્યા હતા. હમાસના નાગરિક સુરક્ષા એજન્સીના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ગાઝા શહેરના ઉત્તરીય ભાગમાં 12 લોકો અને દક્ષિણી ખાન યુનિસ ક્ષેત્રમાં 10 લોકો સહિત કુલ 27 લોકો માર્યા ગયા હતા.
IDFનો શું છે દાવો?
ઇઝરાયેલી સેના (IDF) એ દાવો કર્યો છે કે આ હુમલો આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી યુદ્ધવિરામ ભંગની કાર્યવાહીના જવાબમાં હતો. સેનાના જણાવ્યા મુજબ, આતંકવાદીઓએ દક્ષિણ ગાઝામાં કાર્યરત ઇઝરાયેલી સૈનિકો તરફ ગોળીબાર કર્યો હતો, જે યુદ્ધવિરામ કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું. જવાબમાં, IDFએ ગાઝા પટ્ટીમાં હમાસના આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા શરૂ કર્યા.
લેબનોનમાં પણ ઇઝરાયેલનો કહેર, 14ના મોત
ઇઝરાયેલે લેબનોનમાં પણ પોતાના હુમલાઓ તેજ કરી દીધા છે. લેબનોનના ત્રીજા સૌથી મોટા શહેર સિડોનમાં મંગળવારે થયેલા ઇઝરાયેલી હવાઈ હુમલામાં 13 લોકો માર્યા ગયા. ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો કે તેણે સિડોન પાસેના એક પેલેસ્ટિનિયન શરણાર્થી શિબિરમાં ચાલી રહેલા હમાસના ટ્રેનિંગ કેમ્પને નિશાન બનાવ્યું હતું. જોકે, હમાસે આ દાવાને નકારી કાઢતા કહ્યું કે એક ખુલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને નિશાન બનાવવામાં આવ્યું હતું, જ્યાં કોઈ સૈન્ય મથક નહોતું. બુધવારે દક્ષિણ લેબનોનમાં થયેલા અન્ય એક હવાઈ હુમલામાં 1 વ્યક્તિનું મોત થયું અને 11 લોકો ઘાયલ થયા. ઇઝરાયેલી સેનાએ લેબનોનમાં પાંચ ચોકીઓ પર કબજો જમાવી રાખ્યો છે, જ્યાંથી તે અવારનવાર દક્ષિણ લેબનોનમાં ઈરાન-સમર્થિત હિઝબુલ્લાહ અને હમાસના સભ્યોને નિશાન બનાવતી રહે છે.

