Photo : IANS
Multiple Explosions Hit Caracas : વેનેઝુએલાના પાટનગર કારાકાસમાં એક બાદ એક સાત ધડાકા થતાં હડકંપ મચ્યો હતો. શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્રચંડ વિસ્ફોટ બાદ ધુમાડો જોવા મળ્યો. કારાકાસના મોટા સૈન્ય બેઝની આસપાસ વીજળીની સપ્લાય પણ બંધ થઈ ગઈ છે. સ્થાનિકોનો દાવો છે કે તેમણે વિસ્ફોટ સમયે લડાકૂ વિમાન ઊડતાં જોયા હતા. જે બાદ વેનેઝુએલાની સરકારે અમેરિકા પર હુમલાનો આરોપ લગાવ્યો છે.
ચાર ઠેકાણા પર અમેરિકાનો હુમલો: વેનેઝુએલાનો આરોપ, નેશનલ ઈમરજન્સી લાગુ
વેનેઝુએલાની સરકારે વિસ્ફોટ અંગે સત્તાવાર નિવેદનમાં અમેરિકા પર હુમલાનો આરોપ લગાવ્યો છે. નિકોલસ માદુરોની સરકારે અમેરિકાની સૈન્ય આક્રમકતાની ટીકા કરી છે. તેમનો આરોપ છે કે અમેરિકાએ કારાકાસ જ નહીં મીરાંડા, અરગુઆ અને લા ગુઈરામાં પણ હવાઈ હુમલા હુમલા કર્યા છે. વેનેઝુએલાના પ્રમુખ માદુરોએ દેશમાં નેશનલ ઈમરજન્સી જાહેર કરી છે.
કોલંબિયા અને ક્યુબા વેનેઝુએલાની પડખે
કોલંબિયાના પ્રમુખ ગુસ્તાવો પેટ્રો ખૂલીને વેનેઝુએલાની પડખે આવ્યા છે. તેમણે કહ્યું છે કે અમેરિકાએ વેનેઝુએલા પર મિસાઈલથી હુમલો કર્યો છે. જેથી સંયુક્ત રાષ્ટ્રએ તાત્કાલિક બેઠક બોલાવવી જોઈએ.
ક્યુબાના પ્રમુખ મિગુએલ ડિયાઝ કેનેલે પણ અમેરિકાની ટીકા કરી છે. તેમણે અન્ય દેશોને પણ અપીલ કરી છે કે તેમણે અમેરિકાની 'ગુનાહિત' કાર્યવાહીનો વિરોધ કરવો જોઈએ. આ લેટિન અમેરિકન ક્ષેત્ર વિરુદ્ધ એક પ્રકારનો 'આતંકવાદ' જ છે.
ડ્રગ્સના આરોપ અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ
નોંધનીય છે કે છેલ્લા થોડા સમયથી અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અવાર નવાર વેનેઝુએલાના પ્રમુખ માદુરોને સીધી ધમકી આપી ચૂક્યા છે. આટલું જ નહીં બંને દેશોએ સેનાઓ પણ ઍલર્ટ મોડમાં રાખી હતી. અમેરિકાએ હાલના દિવસોમાં વેનેઝુએલાના ઓઈલના જહાજો પર પણ હુમલો કર્યો હતો. અમેરિકાનો આરોપ છે કે વેનેઝુએલા ડ્રગ્સની હેરફેરમાં સામેલ છે.
વેનેઝુએલાના ઓઈલ ભંડાર પર છે અમેરિકાની નજર : વેનેઝુએલાના પ્રમુખ
નોંધનીય છે કે શુક્રવારે વેનેઝુએલાએ કહ્યું હતું કે ડ્રગ્સની હેરાફેરીના આરોપો મુદ્દે તેઓ અમેરિકા સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં વેનેઝુએલાના પ્રમુખ માદુરોએ કહ્યું હતું, કે અમેરિકા યેનકેન પ્રકારેણ વેનેઝુએલામાં સત્તાપલટો કરાવવા માંગે છે. અમેરિકા વેનેઝુએલાના વિશાળ તેલ ભંડાર સુધી પહોંચવા માંગે છે. બીજી તરફ અમેરિકાનો આરોપ છે કે માદુરો અમેરિકામાં નાર્કો આતંકવાદ ફેલાવી રહ્યા છે. તેમના પર ડ્રગ્સની હેરાફેરીનો આરોપ છે. સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાની સેનાએ વેનેઝુએલાના જહાજો પર હુમલા શરૂ કર્યા હતા.
ખાસ વાત એ છે કે વેનેઝુએલા લાંબા સમયથી ઈરાનનું મિત્ર રાષ્ટ્ર રહ્યું છે. આ કારણથી પણ અમેરિકા સાથે તેની દુશ્મનાવટ રહી છે.
ભયાવહ વિસ્ફોટના દૃશ્યો


