ટેરિફ વિરોધી જાહેરખબર બદલ કેનેડાના વડાપ્રધાને ટ્રમ્પની માફી માગી

અમેરિકી પ્રમુખના ઉગ્ર પ્રત્યાઘાત પછી
ભૂતપૂર્વ પ્રમુખ રીગન દ્વારા ટેરિફને હાનિકારક ગણાવતી જાહેરખબર કેનેડાની મુખ્ય ચેનલોમાં પ્રસારિત કરાઈ
દક્ષિણ કોરિયામાં એશિયા-પેસિફિક શિખર સંમેલનમાં હાજરી પછી કાર્નીએ જણાવ્યું કે તેમણે દક્ષિણ કોરિયાના પ્રમુખ દ્વારા આયોજિત ડિનર દરમ્યાન ટ્રમ્પ સમક્ષ અંગત રીતે માફી માગી હતી. કાર્નીએ સ્પષ્ટતા કરી કે તેમણે ઓન્ટેરિયોના પ્રીમિયર ડુગ ફોર્ડને જાહેરખબર પ્રસારિત કરવા સામે ચેતવણી આપી હતી. જાહેરખબરમાં ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ રોનાલ્ડ રીગનના ૧૯૮૭ના ટેરિફથી પ્રત્યેક અમેરિકી નાગરિકને નુકસાન થાય છે જેવા નિવેદનો ટાંકવામાં આવ્યા હતા. કાર્નીએ જણાવ્યું કે તેમણે ફોર્ડને પોતે આ જાહેરખબર સાથે સહમત ન હોવાનું જણાવ્યું હતું. વર્લ્ડ સીરીઝ જેવા હાઈપ્રોફાઈલ કાર્યક્રમ દરમ્યાન ૧૬ ઓક્ટોબરના રોજ રજૂ કરાયેલી આ ૬૦ સેકન્ડની જાહેરાતનો ખર્ચ ૭૫ મિલિયન ડોલર થયો હતો. ટ્રમ્પ આ જાહેરખબરથી ઉશ્કેરાયા હતા અને તેમણે કેનેડા સાથે વેપાર વાટાઘાટ તાત્કાલિક પડતી મુકવાનો નિર્ણય સોશિયલ મીડિયા પર જાહેર કર્યો હતો. જો કે ફોર્ડે પછી તણાવ ઓછો કરવા જાહેરખબર પાછી ખેંચી લેવાની ખાતરી આપી હોવા છતાં તે કેનેડાની મુખ્ય ચેનલો પર પ્રસારિત થતી રહી. જાહેરખબરના પ્રત્યાઘાત તરીકે ટ્રમ્પે કેનેડાના ઉત્પાદનો પર દસ ટકા વધુ ટેરિફ લાગુ કર્યા હતા.









