નાઝી અધિકારીનુ સન્માન કરનાર કેનેડાની સંસદના સ્પીકરને રાજીનામુ આપવુ પડ્યુ
Updated: Sep 27th, 2023
image : Twitter
ઓટાવા,તા.27 સપ્ટેમ્બર 2023,બુધવાર
કેનેડાની સંસદના હાઉસ ઓફ કોમન્સના સ્પીકર એન્થની રોટાએ મંગળવારે પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધુ છે.
કેનેડાની સંસદમાં જર્મનીના નાઝી અધિકારીના સન્માન બાદ ભારે વિવાદ સર્જાયો છે અને તેના કારણે હવે સ્પીકરને રાજીનામુ આપવાની ફરજ પડી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ શુક્રવારે કેનેડાની સંસદને સંબોધન કર્યુ હતુ અને આ દરમિયાન એન્થની રોટાએ 98 વર્ષીય નાઝી અધિકારી યારોસ્લાવ હુંકા તરફ બધાનુ ધ્યાન દોર્યુ હતુ. એ પછી કેનેડાના સાંસદોએ તેમનુ સ્વાગત કર્યુ હતુ.
રોટાએ તેમને વિશ્વ યુધ્ધના હીરો ગણાવ્યા હતા અને કહ્યુ હતુ કે, તેમણે યુક્રેન તરફથી આ લડાઈ લડી હતી. જોકે બાદમાં ખબર પડી હતી કે તે વખતે યુક્રેન જર્મનીના કબ્જામાં હતુ અને હુંકા જર્મની વતી લડ્યા હતા. આ પ્રકારના બફાટ બાદ કેનેડાનો આખી દુનિયામાં ફજેતો થઈ રહ્યો છે ત્યારે હેવ સ્પીકરને રાજીનામુ આપવાની ફરજ પડી છે.
સ્પીકરે કેનેડાના યહૂદી સમુદાયની પણ માફી માંગીને કહ્યુ છે કે,મને હુંકાના સન્માન બદલ પસ્તાવો થઈ રહ્યો છે. આ મુદ્દે ટ્રુડોની આબરુના પણ દુનિયામાં ધજાગરા થયા છે. વિપક્ષ દ્વારા ટ્રુડોના રાજીનામાની પણ માંગ થઈ રહી છે.