Get The App

કેનેડા ચીનનાં ઇલેક્ટ્રિક વાહનો પર ૧૦૦ ટકા ટેરિફ ઘટાડશે

આઠ વર્ષ પછી ચીન જનાર પ્રથમ કેનેડિયન પીએમએ બે દિવસ ચીનનાં નેતાઓ સાથે કરેલી બેઠક

ચીને કૃષિ ઉત્પાદન પર ટેરિફ ઘટાડતા લેવાયેલો નિર્ણય

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
કેનેડા ચીનનાં ઇલેક્ટ્રિક વાહનો પર ૧૦૦ ટકા ટેરિફ ઘટાડશે 1 - image

(પીટીઆઇ)     બેઇજિંગ, તા. ૧૬

અમેરિકાથી અલગ જઇને કેનેડાએ કેનેડિયન કૃષિ ઉત્પાદનો પર ઓછા ટેરિફનાં બદલામાં ચીનની ઇલેક્ટ્રિક કારો પર પોતાનો ૧૦૦ ટકા ટેરિફ ઘટાડવા સંમતિ દર્શાવી છે તેમ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

કાર્નીએ ચીનનાં નેતાઓ સાથે બે દિવસની બેઠક પછી આ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે કેનેડાને ચીનનાં ઇલેક્ટ્રિક વાહનોની આયાત પર શરૃઆતમાં ૪૯૦૦૦  વાહનોની મર્યાદા હશે. જે પાંચ વર્ષમાં વધીને ૭૦,૦૦૦ થઇ જશે.

તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે ચીન કેનેડિયન નિકાસના મુખ્ય કેનેડિયન કેનોલા બીજ પરના ટેરિફને લગભગ ૮૪ ટકાથી ઘટાડીને ૧૫ ટકા કરશે.

કાર્નેએ બેઇજિંગ પાર્કમાં પરંપરાગત પેવેલિયન અને થીજી ગયેલા તળાવની પૃષ્ઠભૂમિ સામે બોલતા જણાવ્યું હતું કે આ બે દિવસ ઐતિહાસિક અને ઉત્પાદક રહ્યાં છે.

શુક્રવારે કાર્ની અને ચીનનાં પ્રમુખ જીનપિંગે વર્ષોેની કડવાશ પછી તેમના બે રાષ્ટ્રો  વચ્ચેનાં સંબધો સુધારવાનું વચન આપ્યું હતું.

ગ્રેટ હોલ ઓફ ધ પીપલ ખાતે યોજાયેલી એક બેઠકમાં જિનપિંગે કાર્નીને જણાવ્યું હતું કે તે સંબધ સુધારવા કામ કરવાનું ચાલુ રાખવા માટે તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ કોરિયામાં પ્રાદેશિક આર્થિક પરિષદની પછી ઓક્ટોબરમાં જિનપિંગ અને કાર્ની વચ્ચે પ્રારંભિક બેઠક થઇ ત્યાર પછી સહકાર પુનઃસ્થાપિત કરવા  અને ફરી શરૃ કરવા પર મંત્રણા ચાલી રહી છે.

આઠ વર્ષમાં ચીનની મુલાકાત લેનારા પ્રથમ કેનેડિયન વડાપ્રધાન કાર્નીએ જણાવ્યું હતું કે સારા સંબધો વૈશ્વિક શાસન વ્યવસ્થાને સુધારવામાં મદદ કરશે.