ચીનમાં મસ્જિદો બંધ કરવાનું અભિયાન તેજ, હ્નુમન રાઇટસે ચિંતા વ્યકત કરી
ધાર્મિક પંથો અને માન્યતાઓનું સિનિસાઇઝેશન કરવાની નીતિ
૧૦ લાખથી વધુ ઉઇગર, હુઇ, કઝાખ અને કિર્ગિઝ લોકો યાતના શિબિરોમાં
ન્યૂયોર્ક,૨૨ નવેમ્બર,૨૦૨૩,બુધવાર
હ્નુમન રાઇટસ વોચના એક અહેવાલ અનુસાર ચીનની શી ઝીનપિંગની સરકારે મસ્જિદો બંધ કરવાનું અભિયાન તેજ કર્યુ છે. ચીનની શિનજિંયાગ પ્રાંતમાં રહેતા મુસ્લિમ સમુદાયનો લોકો પર ખૂબ અત્યાચાર કરી રહી છે. ખાસ કરીને ઉઇગૂર મુસ્લિમોનું અસ્તિત્વ મિટાવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં બે ધાર્મિક સ્થળની વાસ્તુશિલ્પ વિશેષતા દૂર કરવાની કાર્યવાહી કરી રહી છે. ચીનના સરકારી અધિકારીઓએ ઉત્તરી નિંગ્જિયા ક્ષેત્ર સાથે સાથે ગાંસુ પ્રાંતમાં પણ મસ્જિદોને તાળા મરાવી દીધા છે.
આ એવા વિસ્તારો છે જયાં મુસ્લિમ ધર્મ પાળતા લોકોની મોટા પ્રમાણમાં વસ્તી છે. ગાંસુમાં ૧.૧ કરોડ કરતા પણ વધારે મુસ્લિમો રહે છે. આ સમગ્ર માહિતી બહાર પાડવામાં આવેલા દસ્તાવેજો અને ઉપગ્રહોની ઇમેજ પર આધારિત છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી ધર્મ વિરોધી રહી છે. ધર્મ પર નિયંત્રણ દ્વારા શાસન કરવામાં વિશ્વાસ ધરાવે છે. શાસન સામે કોઇ પણ પ્રકારના પડકારો ઉભા ના થાય તે માટે તે આ પ્રકારના એક પછી એક પગલા ભરી રહી છે.છેલ્લા 2 વર્ષમાં 1300 મસ્જિદોનો નાશ કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિ શી જિનપિંગ સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી ધર્મ અને પંથોનું ચીની સ્વરુપ સિનિસાઇઝેશન કરવાની નીતિ અપનાવી રહી છે. સંયુકત રાષ્ટસંઘ પણ દર વર્ષે બહાર પડતા અહેવાલોમાં આ અંગે ચિંતા વ્યકત કરી ચૂકયું છે. ચીનમાં મુસ્લિમ અલ્પ સંખ્યકોને તાલીમ અને શિક્ષણ આપવાના બહાને અત્યાચાર શિબિરો ચાલે છે. આ શિબિરોમાં ૧૦ લાખથી વધુ ઉઇગર, હુઇ, કઝાખ અને કિર્ગિઝ સમુદાયના મુસ્લિમ ધર્મીઓને ગોંધી રાખવામાં આવ્યા છે પરંતુ આ અંગે કયારેય ચીન હરફ ઉચ્ચારતું નથી.
ચીનને કટ્ટર ઇસ્લામી દેશ ગણાવતા પાકિસ્તાન સાથે ખૂબ સારા સંબંધો છે. અરબ દેશો સાથે પણ વેપાર, વાણીજય અને રાજકીય સંબંધો ધરાવે છે. પાકિસ્તાન ધાર્મિક સ્વતંત્રતા બાબતે ભારતની આંતરિક બાબતોમાં ચંચૂપાત કરતું રહે છે. અફઘાનિસ્તાનના તાલિબાન શાસકો ઇસ્લામની દુહાઇ આપે છે પરંતુ કયારેય ચીનની ટીકા કરી શકતા નથી. ચીન અઝહર મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવામાં રોડા નાખતું રહયું પરંતુ ઘર આંગણે ઇસ્લામપંથીઓના ધાર્મિક સ્થળોનો નાશ કરી રહયું છે.