Cameroon Votes: Will 92-Year-Old Paul Biya Rule Until 99? : આફ્રિકાના નાનકડા દેશ કેમેરૂનમાં રવિવારે યોજાયેલી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીએ આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ ચૂંટણીની રસપ્રદ વાત એ છે કે, કે વિશ્વના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ તરીકે ઓળખાતા 92 વર્ષના પૌલ બિયા (Paul Biya) પોતાના સત્તાકાળને આગામી સાત વર્ષ સુધી લંબાવવા માટે ફરી ચૂંટણી લડી રહ્યા છે. જો તેઓ ફરીથી જીતશે તો 99 વર્ષની વય સુધી દેશના વડા રહી શકશે.
લોકપ્રિય નેતાનો લાંબો શાસનકાળ
પૌલ બિયા પહેલી વાર 1982માં રાષ્ટ્રપતિ પદે આવ્યા હતા. ત્યારથી આજ સુધી તેઓ કેમેરૂનના રાજકીય ફલક પર છવાયેલા રહ્યા છે. 1982 પછીની તમામ સાત ચૂંટણીઓમાં તેઓ વિજયી થયા છે. 1960માં ફ્રાંસથી સ્વતંત્રતા મેળવ્યા બાદથી કેમેરૂનને માત્ર બે જ રાષ્ટ્રપતિ મળ્યા છે. પ્રથમ રાષ્ટ્રપતિ અહમદાઉ અહિદજો હતા.

વર્તમાન પરિસ્થિતિ કઠિન છે
હાલમાં 92 વર્ષની વયના પૌલ બિયાનું સ્વાસ્થ્ય નાદુરસ્ત રહેતું હોવાથી તેઓ મોટાભાગનો સમય યુરોપમાં વિતાવે છે, જેને લીધે જનતા તેમનાથી નારાજ છે. તેમની ગેરહાજરીમાં દેશના શાસનની જવાબદારી પૌલના પક્ષના અધિકારીઓ અને પારિવારિક સભ્યો નિભાવે છે.
આ વખતે જીત મુશ્કેલ લાગે છે
આ વખતે રાષ્ટ્રપતિ પૌલ બિયા સામે નવ વિપક્ષી ઉમેદવારોએ ચૂંટણી લડી છે, જેમાં અમુક તો તેમના જ જૂનાં મંત્રીમંડળના સભ્યો છે. નિષ્ણાતોનો અંદાજ છે કે, બિયાની વૃદ્ધાવસ્થા અને લાંબા શાસનકાળને કારણે વિપક્ષને ફાયદો મળી શકે છે. બિયાની ઉંમર અને 43 વર્ષ સત્તામાં રહ્યા પછી પણ તેઓ દેશની સ્થિતિ કંઈ ખાસ સુધારી ન શક્યા હોવાથી આ વખતની ચૂંટણીમાં તેમને સૌથી નબળા ઉમેદવાર ગણવામાં આવી રહ્યા છે.

જનતા અનેક કારણોસર નારાજ છે
કેમેરૂન અનેક સમસ્યાઓથી ગ્રસ્ત છે, જેમ કે...
- કેમેરૂન ગરીબ દેશ છે. ત્યાંની 43% વસ્તી ગરીબી છે.
- દેશમાં બેરોજગારી અને મોંઘવારી ચરમસીમાએ છે.
- મેડિકલ સારવાર મેળવવી કઠિન છે.
- રસ્તા અને વીજળી જેવી પ્રાથમિક જરૂરિયાતોની પણ નથી.
- ધંધા-રોજગારને અભાવે યુવાનો ગુનાખોરી તરફ વળે છે. અપહરણ અને હત્યા વ્યવસાય છે!
- પશ્ચિમ કેમેરૂનમાં અલગતાવાદી સંઘર્ષ ચાલુ છે, જ્યારે ઉત્તરીય સરહદ પર બોકો હરામ જેવા આતંકવાદી સંગઠનો સક્રિય છે.
પ્રજા હવે સત્તા પરિવર્તન ઈચ્છે છે
કેમેરૂનની વસ્તી લગભગ 3 કરોડ છે, જેમાંથી 80 લાખ મતદારોએ આ વખતની ચૂંટણીમાં મતદાન કર્યું છે. ગરીબ દેશ અનેક પડકારો સામે સંઘર્ષ કરી રહ્યો હોવાથી જનતા હવે સત્તા પરિવર્તન ઈચ્છે છે. ચૂંટણીના પરિણામો 26 ઓક્ટોબર સુધીમાં જાહેર થવાની અપેક્ષા છે.
તસવીર : X /PR_Paul_BIYA


