કેલિફોર્નિયાના જંગલોમાં ફરી આગ લાગી : 70,000 લોકોને ખસેડાયા
3 લોકોનાં મોત :1 લાખ મકાનોમાં અંધારપટ
નાપા-સોનોમા કાઉન્ટીમાં રવિવારથી આગની શરૂઆત
(પીટીઆઇ) સાનફ્રાન્સિસ્કો, તા. ૨૯
ઉત્તર કેલિફોર્નિયાની સોનોમા કાઉન્ટીમાં સોમવારે ઝડપી પવન ફૂંકાવાને કારણે ફરીથી આગ લાગી હતી. આ આગને કારણે અનેક મકાનો નાશ પામ્યા હતાં અને ૭૦,૦૦૦ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતાં.
આ દરમિયાન રાજ્યના ઉત્તર ભાગમાં આગ લાગવાની અન્ય એક ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતાં. નાપા-સોનોમા કાઉન્ટીમાં આગ રવિવારે શરૃ થઇ હતી.આ અગાઉ ત્રણ વર્ષ પહેલા પણ કાઉન્ટીમાં આ જ પ્રકારની આગ લાગી હતી. જેમાં ૨૨ લોકોના મોત થયા હતાં.
કેલ ફાયર ડિવિઝનના પ્રમુખ બેન નિકોલ્સના જણાવ્યા અનુસાર સોનોમા અને નાપા કાઉન્ટીમાંથી ૬૮૦૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં લગભગ ૩૦ સ્થળોએ આગ લાગી છે.
તેમણે જણાવ્યું હતું કે અન્ય નાગરિકોને પણ ચેતવણી આપવામાં આવી છે કે તેમને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી શકે છે. પવનની ઝડપ ઓછી થયા પછી ફાયર ફાઇટરોને આગને અંકુશમાં લેવા મદદ મળી શકે છે.
સાન ફ્રાન્સિસ્કોથી ૭૨ કિમી ઉત્તરમાં નાપા સોનોમા કાઉન્ટીમાં રવિવારે આગની શરૃઆત થઇ હતી. ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ પહેલા ૨૦૧૭માં પણ આ જ વિસ્તારમાં આગ લાગી હતી જેમાં ૨૨ લોકોનાં મોત થયા હતાં.
એક લાખ મકાનોમાં અંધારપટ છવાઇ જતાં વીજ કંપનીઓ ફરીથી વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવાના પ્રયત્નો કરી રહી છે. અધિકારીઓે ફરીથી આગ લાગવાના કારણોની તપાસ કરી રહ્યાં છે.
વૈજ્ઞાાનિકોના જણાવ્યા અનુસાર કલાયમેન્ટ ચેન્જના કારણે કેલિફોર્નિયા વધારે સૂકુ બની જતાં વૃક્ષો વધારે જ્વલનશીલ બની ગયા છે. કોલસા, ઓઇલ અને ગેસ બાળવાને કારણે પયાવરણને નુકસાન થયું છે.
ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કેલિફોર્નિયાના જંગલોમાં ૮૧૦૦ વખત આગ લાગી છે જેમાં ૨૯ લોકોના મોત થયા છે. ૭૦૦૦થી વધુ ઇમારતો નાશ પામી છે. આ આગ ૫૭૮૦ ચો માઇલ એટલે કે ૧૪૮૭૦ ચો કિમીના વિસ્તારમાં ફેલાઇ હતી.