- ઓક્સફર્ડ યુનિ.ના રિસર્ચમાં સરેરાશ બે ડિગ્રી તાપમાન વધવાની ચેતવણી
- 25 વર્ષ પછી 380 કરોડ લોકો એક્સ્ટ્રીમ હીટનો અનુભવ કરતાં હશે : ખેતી-પશુપાલન પર ગંભીર અસર થશે
- ઓસ્ટ્રિયા, નોર્વે, ફિનલેન્ડ, કેનેડા, આયર્લેન્ડ જેવા ઠંડા દેશોમાં અત્યારના તાપમાનમાં 150 થી 200 ટકા વધારો થશે
લંડન : ઓક્સફર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં જણાયું છે કે જો પરંપરાગત ઉર્જાના સ્ત્રોતનો અત્યારે થઈ રહ્યો છે એટલો જ ઉપયોગ થતો રહેશે તો ભવિષ્યમાં ગંભીર અસરો થશે. અત્યારની સરખામણીએ ગરમી અસહ્ય પડશે. ભારત જેવા દેશમાં વસતિના મોટા હિસ્સાને ભયાનક ગરમીનો અનુભવ થશે. તેના કારણે ખેતી અને પશુપાલન જેવા ક્ષેત્રોમાં પણ અસર થશે. ઠંડા દેશોના તાપમાનમાં પણ વધારો થશે. દુનિયાની વસતિમાંથી અડધી વસતિ હીટવેવની ઝપટમાં આવી જાય તેવી ભીતિ છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ વિવિધ ફેક્ટર્સથી તૈયાર કરેલો અહેવાલ નેચલ સસ્ટેનેબિલીટી જર્નલમાં પ્રસિદ્ધ થયો છે. એ અહેવાલ પ્રમાણે પ્રિ-ઈન્ડસ્ટ્રીયલ સમયે જે તાપમાન હતું તેમાં ૨૦૫૦ સુધીમાં બે ડિગ્રી જેટલો વધારો થવાની ભીતિ છે. આગામી ૨૫ વર્ષમાં આ તાપમાન વધશે. પરંપરાગત એનર્જીના કારણે કાર્બન ઉત્સર્જન કંટ્રોલમાં આવતું નથી. તેની સીધી અસર ગ્લોબલ વોર્મિંગ પર થાય છે અને તેના કારણે તાપમાનનો પારો સતત ઊંચો ચડતો રહે છે. રિપોર્ટમાં ડૉ. જીસસ લિઝાનાના કહેવા પ્રમાણે ગરમી અને ઠંડીની પેટર્નમાં તો ડિગ્રી તાપમાન વધશે તે સાથે જ ફેરફાર થવા લાગશે. ભારત જેવા દેશોમાં અડધો અડધ વસતિ ભીષણ ગરમીમાં સપડાઈ જશે.
૨૦૫૦ આવતા આવતા ઠંડા દેશો જેવા કે નોર્વે, ઓસ્ટ્રિયા, કેનેડા, બ્રિટન, સ્વીડન, ફિનલેન્ડ, આયર્લેન્ડમાં અત્યારની સરખામણીએ ૧૫૦થી ૨૦૦ ડિગ્રી તાપમાન વધશે, પરિણામે ઠંડા પ્રદેશો પણ ગરમીથી મુક્ત રહેશે નહીં. આ દેશોમાં પણ એસી કોમન બાબત બની જશે. ૨૦૧૦માં ૨૩ ટકા વસતિ ખૂબ ગરમીની અસર હેઠળ હતી. હવે લગભગ ૪૧ ટકા જેટલી વસતિ અસહ્ય ગરમીની અસરમાં છે. આગામી ૨૫ વર્ષમાં આ આંકડો ૫૦ ટકાની નજીક પહોંચી જશે. જે દેશોમાં તાપમાનનો પારો ખૂબ વધશે અને હીટવેવના દિવસો વધવાની શક્યતા છે તેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નાઈજીરિયા, સુદાન, લાઓસ, બ્રાઝિલ જેવા દેશોનો સમાવેશ થાય છે. ગરમી વધવાની સાથે વીજળીની ડિમાન્ડ વધશે અને વીજળીની ડિમાન્ડ વધતા પરંપરાગત ઉર્જા સ્ત્રોત તરફ નિર્ભરતા વધશે. જો આ વિષચક્ર તોડવામાં નહીં આવે તો પૃથ્વીનું સરેરાશ તાપમાન અતિશય વધી જશે એવી ચેતવણી ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ આપી હતી.


