World

2027 સુધીમાં ઈન્ટરનેટ પર માણસો કરતા એઆઈ એજન્ટ્સ વધુ હશે

By GS TEAM
21 Mar 20262 mins read
2027 સુધીમાં ઈન્ટરનેટ પર માણસો કરતા એઆઈ એજન્ટ્સ વધુ હશે

ક્લાઉડફ્લેરના સીઈઓ મેથ્યુ પ્રિન્સની આગાહી

સર્ચ માટે એઆઈ બોટ્સનો ઉપયોગ વધશે, તેઓ સેકન્ડોમાં ૫,૦૦૦ જેટલી વેબસાઈટ્સ પર ફરી વળશે  

વોશિંગ્ટન: થોડા વર્ષોમાં ડિજિટલ દુનિયાનો નકશો બદલાઈ જશે. ટેક દિગ્ગજ કંપની ક્લાઉડફ્લેરના સીઈઓ મેથ્યુ પ્રિન્સે એક ચોંકાવનારી આગાહી કરતા જણાવ્યું છે કે, ૨૦૨૭ સુધીમાં ઈન્ટરનેટ પર માણસો કરતા એઆઈ બોટ્સની સંખ્યા વધી જશે.

ટેક કોન્ફરન્સમાં પ્રિન્સે કહ્યું કે, જે રીતે મોબાઈલ ફોન આવ્યા પછી દુનિયા બદલાઈ ગઈ, તેવી જ રીતે હવે એઆઈના કારણે ઈન્ટરનેટમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે. માણસો અને એઆઈ બોટ્સની કામ કરવાની ક્ષમતામાં આસમાન-જમીનનો તફાવત છે. જો કોઈ માણસને નવો કેમેરો ખરીદવો હોય, તો તે કદાચ ૪-૫ વેબસાઈટ ચેક કરશે. જો તમે તમારા એઆઈ એજન્ટને આ કામ સોંપશો, તો તે સેકન્ડોમાં ૫,૦૦૦ જેટલી વેબસાઈટ પર ફરી વળશે અને તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ શોધી લાવશે. જેના કારણે ઈન્ટરનેટ પર ટ્રાફિકનો આખો પ્રવાહ બદલાઈ જશે.

થોડા સમય પહેલા જ ઈન્ટરનેટ પર માત્ર ૨૦ ટકા ટ્રાફિક એઆઈ બોટ્સનો હતો. જેનો ઉપયોગ મુખ્યત્વે ગૂગલ જેવા સર્ચ એન્જિન અથવા ડેટા ચોરી કરનારા પ્રોગ્રામ્સ દ્વારા થતો હતો. પરંતુ ૨૦૨૭ સુધીમાં મોટાભાગનું કામ ઓટોમેટેડ એજન્ટ્સ કરશે એટલે કે, ઈન્ટરનેટ પર માણસો લઘુમતીમાં આવી જશે. એઆઈના વધતા ઉપયોગને કારણે વૈશ્વિક સ્તરે ઈન્ટરનેટ પર ઘણું દબાણ આવશે. તેના માટે વધુ શક્તિશાળી ડેટા સેન્ટર્સ અને સર્વર્સની જરૂર પડશે. ક્લાઉડફ્લેર અત્યારે એવી ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે જે આ નવા પ્રકારના ટ્રાફિકને સંભાળી શકે અને ઈન્ટરનેટની સ્પીડ જળવાઈ રહે.