ચીનમાં 'બ્યુબોનિક પ્લેગ'નું જોખમ, જે 'બ્લેક ડેથ' તરીકે પણ પ્રખ્યાત
જંગલી ઉંદરોમાં જોવા મળતા બેક્ટેરિયાના કારણે ફેલાતી આ બીમારીમાં આંગળી, નાક કાળા પડીને સડવા લાગે છે
બેઈજિંગ, તા. 6 જુલાઈ 2020, સોમવાર
કોરોના વાયરસ મહામારી સામે ઝઝુમી રહેલા સમગ્ર વિશ્વ માટે વધુ એક ચિંતાજનક સમાચાર છે. હવે ફરી એક વખત ચીનમાંથી એક ખતરનાક અને જીવલેણ બીમારી ફેલાય તેનું જોખમ છે. આ બીમારીના કારણે અગાઉ પણ વિશ્વના લાખો લોકોના મોત થયા છે.
આ જીવલેણ બીમારીએ વિશ્વમાં ત્રણ વખત હુમલો કરેલો છે. સૌ પ્રથમ વખત આ બીમારીના કારણે 5 કરોડ, બીજી વખત સમગ્ર યુરોપની એક તૃતિયાંશ વસ્તી અને ત્રીજી વખત 80,000 લોકોનો જીવ ગયો હતો. ત્યારે ફરી એક વખત આ બીમારી ચીનમાં માથું ઉંચકી રહી છે અને તેને બ્લેક ડેથ પણ કહે છે.
આ બીમારી 'બ્યુબોનિક પ્લેગ' તરીકે ઓળખાય છે અને ઉત્તરી ચીનની એક હોસ્પિટલમાં 'બ્યુબોનિક પ્લેગ'નો કેસ સામે આવ્યા બાદ ત્યાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ચીનના આંતરિક મંગોલિયાઈ સ્વાયત્ત ક્ષેત્ર, બયન્નુરમાં પ્લેગના નિવારણ અને નિયંત્રણ માટે ત્રીજા સ્તરની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
બ્યુબોનિક પ્લેગનો કેસ શનિવારે બયન્નુરની એક હોસ્પિટલમાં નોંધાયો હતો. સ્થાનિક સ્વાસ્થ્ય વિભાગે 2020ના અંત સુધી માટે આ ચેતવણી જાહેર કરી છે અને લોકોને સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે. આ બીમારી જંગલી ઉંદરોમાં જોવા મળતા બેક્ટેરિયાના કારણે ફેલાય છે.
આ બેક્ટેરિયા યર્સિનિયા પેસ્ટિસ બેક્ટેરિયમ (Yersinia Pestis Bacterium) તરીકે ઓળખાય છે. આ બેક્ટેરિયા શરીરના લિંફ નોડ્સ, લોહી અને ફેફસા પર હુમલો કરે છે. તેના કારણે આંગળીઓ કાળી પડીને સડવા લાગે છે અને નાકની પણ આ જ હાલત થાય છે.
ચીનની સરકારે બયન્નુર શહેરમાં માનવ પ્લેગ ફેલાવાના જોખમની આશંકા વ્યક્ત કરી છે. બ્યુબોનિક પ્લેગને ગિલ્ટીવાળો (ગાંઠવાળો) પ્લેગ પણ કહે છે. તેમાં શરીરમાં અસહનીય દુખાવો, ભારે તાવ અનુભવાય છે. શરીરની નાડી ઝડપથી ચાલે છે અને બે-ત્રણ દિવસમાં ગાંઠ નીકળવા લાગે છે. 14 દિવસમાં આ ગાંઠ પાકી જાય છે અને ત્યાર બાદ શરીરમાં જે દુખાવો થાય છે તે અસહ્ય હોય છે.
બ્યુબોનિક પ્લેગ સૌથી પહેલા જંગલી ઉંદરોને થાય છે અને ઉંદરોના મોત બાદ આ પ્લેગના બેક્ટેરિયા ચાચંડ દ્વારા માનવ શરીરમાં પ્રવેશે છે. ચાંચડ જ્યારે મનુષ્યને ડંખે છે ત્યારે સંક્રામક પ્રવાહી મનુષ્યના લોહીમાં છોડે છે જેથી માણસો સંક્રમિત થવા લાગે છે. ઉંદરો મરવાનું શરૂ થાય તેના ત્રણ સપ્તાહ બાદ આ પ્લેગ મનુષ્યમાં ફેલાય છે.
સમગ્ર વિશ્વમાં 2010થી 2015 દરમિયાન બ્યુબોનિક પ્લેગના આશરે 3,248 કેસ સામે આવ્યા છે અને તે પૈકીના 584 લોકોના મોત થયા છે. આ વર્ષો દરમિયાન મોટા ભાગના કેસ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, મડાગાસ્કર અને પેરૂમાં નોંધાયા છે. તેના પહેલા 1970થી 1980 દરમિયાન આ બીમારી ચીન, ભારત, રશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા અને દક્ષિણ અમેરિકી દેશોમાં નોંધાઈ હતી.
બ્યુબોનિક પ્લેગને છઠ્ઠી અને આઠમી સદીમાં પ્લેગ ઓફ જસ્ટિનિયન (Plague Of Justinian) નામ આપવામાં આવ્યું હતું. તે સમયે આ બીમારીએ સમગ્ર વિશ્વના 2.5થી 5 કરોડ લોકોનો ભોગ લીધોહતો. ત્યાર બાદ 1347માં બ્યુબોનિક પ્લેગનો બીજો હુમલો થયો હતો અને તે સમયે તેને બ્લેક ડેથ (Black Death) નામ આપવામાં આવ્યું હતું. તે સમયે આ બીમારીએ યુરોપની એક તૃતિયાંશ વસ્તીનો ભોગ લીધો હતો.
ત્યાર બાદ 1894 આસપાસ વિશ્વમાં બ્યુબોનિક પ્લેગનો ત્રીજો હુમલો થયો હતો અને તે સમયે 80,000 લોકો માર્યા ગયા હતા. તે સમયે તેની વધારે અસર હોંગકોંગની આજુબાજુ જોવા મળી હતી. ભારતના પાંચ રાજ્યોમાં 1994ના વર્ષમાં બ્યુબોનિક પ્લેગના આશરે 700 કેસ સામે આવ્યા હતા અને તેમાંથી 52 લોકોના મોત થયા હતા.