કોવિડ-19ના છ પ્રકાર અસ્તિત્વમાં હોવાનો બિટિશ વિજ્ઞાનિકોનો દાવો
- તમામ પ્રકારના કોરોનાનાં લક્ષણો પણ અલગ અલગ
- કોવિડ-19ના પ્રકારો વિશે સ્પષ્ટતા થતાં હવે દવા શોધવાનું અને સારવાર આપવાનું કામ વધુ સરળ બનશે
લંડન, તા. 18 જુલાઇ, 2020, રવિવાર
કોરોના વાયરસ પરિવારના કોવિડ-19માં પણ છ પ્રકાર છે. સંશોધકોએ સાવ નવી દિશામાં સંશોધન કરીને દાવો કર્યો છે કે કોવિડ-19ના છ પ્રકારો અસ્તિત્વ ધરાવે છે અને તમામ પ્રકારના લક્ષણોમાં પણ થોડોક તફાવત જણાયો છે. આ સ્પષ્ટતા પછી દવા શોધવાનું કામ વધુ સરળ બનશે.
બ્રિટિશ વિજ્ઞાાનિકોએ અલગ અલગ લક્ષણોના આધારે કોવિડ-19ના છ પ્રકારો શોધી કાઢ્યા છે. બધા જ પ્રકારમાં માથાનો દુ:ખાવો, ગંઘ પારખવાની ક્ષમતામાં ઘટાડો અને અશક્તિ જેવા લક્ષણો સામાન્ય જણાયા હતા, પરંતુ તે સિવાયના લક્ષણો પ્રકાર પ્રમાણે બદલાતા હતા. આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સની મદદથી વૈજ્ઞાાનિકોએ શોધી કાઢ્યું હતું કે સૌથી ખતરનાક છઠ્ઠા પ્રકારનો કોવિડ-19 હતો, જેમાં દર્દીને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે.
સૌથી ઓછો ખતરો હોય એવા કોવિડ-19ના પ્રકારમાં તાવ આવે છે. બીજા પ્રકારમાં તાવ અને શરદી-ખાંસી હોય છે. ત્રીજા પ્રકારના કોવિડ-19માં ઝાડા-ઉલ્ટી હોય છે. ચોથા પ્રકારમાં અશક્તિની અસર દેખાય છે. પાંચમા પ્રકારમાં થાક લાગવા ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ થાય છે. છઠ્ઠા પ્રકારમાં શ્વાસ લેવામાં તકલીફ ઉપરાંત તાવની માત્રા ખૂબ વધારે હોય છે અને સુંઘવાની ક્ષમતા પણ અતિશય ઘટી જાય છે.
સંશોધકોએ તારણ આપ્યું હતું કે કોરોનાના કુલ દર્દીમાંથી પ્રથમ પ્રકારમાં 1.5 ટકા, બીજા પ્રકારમાં 4.4, ત્રીજા પ્રકારમાં 3.3 ટકા છે. જ્યારે ચોથા, પાંચમા અને છઠ્ઠા પ્રકારમાં અનુક્રમે 8.6, 9.9 અને 19.8 ટકા દર્દીઓ હોય છે. છઠ્ઠા પ્રકારનો કોવિડ-19 થાય તે પછી દર્દીને ફરજિયાત હોસ્પિટલમાં સારવાર કરવી પડે છે અને ઘણા ંકિસ્સામાં ઓક્સિજનની પણ જરૂર પડે છે.
આ શોધ પછી કોરોનાના સૌથી વધુ ખતરામાં હોય એવા દર્દીઓની પણ જાણ થઈ શકશે. એટલું જ નહીં, અલગ અલગ પ્રકારોની જાણ થઈ હોવાથી રસી શોધવાનું કામ વધુ સરળ બનશે. આ સંશોધન માટે વિજ્ઞાાનિકોએ અમેરિકા-બ્રિટનના 1600 દર્દીઓના ડેટાનું એનાલિસિસ કર્યું હતું.