બ્રિટનમાં લોકડાઉનનું સકારાત્મક પરિણામ મળ્યું, મે મહિનાથી કેસમાં ઘટાડો : વિજ્ઞાનીઓનો દાવો
લંડન,તા. 15 જુલાઇ 2020, બુધવાર
બ્રિટનમાં લોકડાઉનના સકારાત્મક પરિણામો મળ્યાનો વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે. બુધવારે પ્રકાશિત થયેલા એક રિસર્ચ પેપરમાં બ્રિટિશ વિજ્ઞાનીઓએ જણાવ્યું છે કે સરકાર દ્વારા લગાવવામાં આવેલું લોકડાઉન કોરોનાને ફેલાતો રોકવામાં સફળ નિવડ્યું છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસને એક જૂને પ્રથમ વખત લોકડાઉનમાં છૂટછાટ આપી હતી. ત્યારબાદથી અર્થવ્યવસ્થાને બચાવવા માટે વિવિધ રાહત આપી રહ્યા છે. બ્રિટનમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ 38 હજારથી પણ વધારે લોકોના મોત થયા છે.
આ સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે મે મહિનાથી કોરોનાનો ફેલાવો ધીમો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં આખો મે મહિનો કડક લોકડાઉન લાગુ હતુ. સંશોધન પ્રમાણે પ્રતિ 10 હજાર લોકોમાં અંદાજે 13 વ્યક્તિ કોરોના પોઝિટિવ હતા. આ અધ્યયન માટે 1,20,000 વોલેંટિયર્સની તપાસ તકરવામાં આવી છે. સંશોધનમાં એ પણ જણાવ્યું છે કે યુવાનોને કોરોના થવાની સંભાવના સૌથી વધારે હતી.
બ્રિટન સરકારે મંગળવારે ઘોષણા કરી છે કે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે આગામી 24 જુલાઇથી આખા બ્રિટનમાં દૂકાનો પર માસ્ક લગાવવું ફરજિયાત બનશે. આ આદેશને લાગુ કરવાની જવાબદારી પોલિસને સોંપવામાં આવી છે. ખરીદી કરતા સમયે માસ્ક ના પહેરનાર વ્યક્તિને 100 પાઉન્ડનો દંડ કરવામાં આવશે.