બ્રિટનનો હ્યુમેનોઇડ રોબોટ બનાવ્યાના 48 કલાકમાં જ ચાલતો થયો !

- રોબોટિક્સ સેક્ટરમાં ચીન પછી હવે બ્રિટનની પણ મોટી છલાંગ
- થોડા સમય અગાઉ ચીનમાં એક રોબોટે 106 કિ.મી. સુધી રોકાયા વગર ચાલવાનો રેકોર્ડ બનાવ્યો હતો
- ફેક્ટરી, ગોડાઉન અને ઘરનું કામ કરી શકતો એકમાત્ર રોબોટ હોવાનો દાવો
લંડન : રોબોટની વાત આવે તો એક સમયે જાપાન આગળ મનાતું હતું અને હવે ચીનને માનવામાં આવે છે. પરંતુ રોબોટિક્સ સેક્ટરમાં બ્રિટને મોટી છલાંગ મારી છે. બ્રિટને એક એવો રોબોટ બનાવ્યો છે જે બનાવ્યાના ફક્ત ૪૮ કલાક પછી ચાલતો થઈ ગયો છે. સામાન્ય રીતે રોબોટને બનાવ્યા પછી ચાલતો કરવામાં મહિનાઓના મહિનાઓ લાગી જતાં હોય છે.
બ્રિટનની એક કંપનીએ હ્યુમેનોઇડમાં અત્યંત ઝડપથી એક માણસ જેવા દેખાતા રોબોટને તૈયાર કર્યો છે. તેને બનાવવાથી લઈને ચાલતા કરવા સુધીમાં પાંચ મહિનાનો સમય લાગ્યો છે. તેમા પણ તેના અંતિમ હિસ્સાને જોડયા પછી તો ૪૮ કલાકમાં તો રોબોટ ચાલતો થઈ ગયો હતો. આ એક નવો જ રેકોર્ડ છે.
કંપનીનું કહેવું છે કે સામાન્ય રીતે રોબોટને ચાલવાલાયક બનાવવામાં મહિના લાગી જાય છે. આ પહેલા ચીનમાં એક રોબોટે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ રોબોટ લગભગ ૧૦૬ કિલોમીટર સુધી રોકાયા વગર ચાલ્યો હતો. હવે ચીન પછી બ્રિટને પણ રોબોટિક્સના સેક્ટરમાં દાવેદારી નોંધાવી છે.
ઇન્ટરેસ્ટિંગ એન્જિનિયરિંગનો રિપોર્ટ જણાવે છે કે હ્યુમેનોઇડ કંપનીએ આ ઝડપ એટલા માટે બતાવી કેમકે તેમણે પહેલા કમ્પ્યુટરમાં જ રોબોટને ઘણુ બધુ શીખવાડયું. કમ્પ્યુટર સિમ્યુલેશનમાં રોબોટનું વળવું, રોબોટનું દોડવું અને તેણે કેવી રીતે પડવાથી બચવું તે તેને શીખવાડવામાં આવ્યું. તેના માટે ૫.૨૫ કરોડ સેકન્ડનો એટલે કે ૧૯ મહિનાનો ડેટા ડેટા ફક્ત બે દિવસમાં જ તૈયાર કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં તો રોબોટે ફક્ત ૩૨ લાખ સેકન્ડની તાલીમ પછી જ ચાલવાનું શરૂ કરી દીધું હતું. આ રોબોટને એચએમએનડી-૦૧ આલ્ફા નામ આપવામાં આવ્યું છે. તેની લંબાઈ ૧૭૯ સેન્ટીમીટર છે. તે ૧૫ કિલો સુધીનો સામાન બંને હાથોમાં ઉઠાવી શકે છે. તેના ૨૯ જોઇન્ટ છે, જેથી તે સરળતાથી બંને તરફ વળી શકે છે. તેને કોઈ ધક્કો મારે તો પણ તે ૩૫૦ ન્યુટન સુધીની તાકાત સહન કરી શકે છે અને તે પડતો નથી. તેની સાથે છ કેમેરા, બે ડીપ સેન્સર અને છ માઇક લાગેલા છે. તેનાથી આસપાસનું બધુ જોઈ સાંભળી શકે છે. કંપનીનું કહેવું છે કે આ રોબોટ ફેક્ટરી, ગોદામ અને ઘરનું કામ કરી શકે છે. તે સામાન ઉઠાવી શકે છે, બીજા રોબોટ સાથે મળીને કામ કરી શકે છે અને વાત પણ કરી શકે છે. ઘરમાં વૃદ્ધો અને બીમારોની મદદ કરી શકે છે, જેમકે સામાન લાવવો લઈ જવો, દરવાજો ખોલવો કે નાના મોટા કામ કરવા. આ રોબોટ એવો બનાવ્યો છે કે તેના હાથ, ઉપરનો હિસ્સો કે બહારનું કવર પણ બદલી શકાય છે. આખો રોબોટ બદલવાની જરુર પડતી નથી.

