World

બ્રિટન પ્રતિ નંગ પાંચ રૂપિયામાં ખરીદેલી 2000થી વધુ ઐતિહાસિક જૈન હસ્તપ્રત પાછી આપશે, પરંતુ ભારતને નહીં

By GS Team
19 May 20264 mins read
TukuTouch Logo
બ્રિટને પોતાના શાસનકાળ દરમિયાન જે જે દેશો પર રાજ કર્યું હતું, એ તમામ દેશોમાંથી અમૂલ્ય સાંસ્કૃતિક અને ધાર્મિક વારસો લૂંટ્યો હતો અથવા નજીવી કિંમતે પડાવી લીધો હતો. આ બાબતે લાંબા સમયથી બ્રિટન પર આરોપ લાગતા રહ્યા છે. હવે બ્રિટનની પ્રતિષ્ઠિત સંસ્થાઓ પોતાની આ ઐતિહાસિક ભૂલો સુધારી રહી હોય તેવું લાગે છે. લંડનનું પ્રખ્યાત 'વેલકમ કલેક્શન' (Wellcome Collection) તેના સંગ્રહમાંથી 2,000થી વધુ મૂલ્યવાન ઐતિહાસિક જૈન હસ્તપ્રતો (Manuscripts) ધાર્મિક સમુદાયને પરત કરવા જઈ રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આ હસ્તપ્રતો ભારત પરત લાવવાને બદલે બ્રિટનની જ એક યુનિવર્સિટીને સોંપાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્રિટન પ્રતિ નંગ પાંચ રૂપિયામાં ખરીદેલી 2000થી વધુ ઐતિહાસિક જૈન હસ્તપ્રત પાછી આપશે, પરંતુ ભારતને નહીં

Britain Will Return Jain Manuscripts: બ્રિટને પોતાના શાસનકાળ દરમિયાન જે જે દેશો પર રાજ કર્યું હતું, એ તમામ દેશોમાંથી અમૂલ્ય સાંસ્કૃતિક અને ધાર્મિક વારસો લૂંટ્યો હતો અથવા નજીવી કિંમતે પડાવી લીધો હતો. આ બાબતે લાંબા સમયથી બ્રિટન પર આરોપ લાગતા રહ્યા છે. હવે બ્રિટનની પ્રતિષ્ઠિત સંસ્થાઓ પોતાની આ ઐતિહાસિક ભૂલો સુધારી રહી હોય તેવું લાગે છે. લંડનનું પ્રખ્યાત 'વેલકમ કલેક્શન' (Wellcome Collection) તેના સંગ્રહમાંથી 2,000થી વધુ મૂલ્યવાન ઐતિહાસિક જૈન હસ્તપ્રતો (Manuscripts) ધાર્મિક સમુદાયને પરત કરવા જઈ રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આ હસ્તપ્રતો ભારત પરત લાવવાને બદલે બ્રિટનની જ એક યુનિવર્સિટીને સોંપાશે.  

હાઉસ ઓફ કોમન્સમાં થયો ઐતિહાસિક કરાર

બ્રિટનની સંસદ 'હાઉસ ઓફ કોમન્સ'માં 14 મેના રોજ વેલકમ ટ્રસ્ટ, જૈનોલોજી સંસ્થા અને બર્મિંઘમ યુનિવર્સિટી વચ્ચે આ હસ્તપ્રતો પરત કરવા માટેના એક કરાર પર હસ્તાક્ષર કરાયા છે. કોઈ ચીજવસ્તુ પાછી આપવાનો આ પહેલો આવો કરાર છે, જે હેઠળ 5 વર્ષમાં તબક્કાવાર રીતે સંપૂર્ણ સંગ્રહ બર્મિંઘમ યુનિવર્સિટીના 'ધર્મનાથ નેટવર્ક ઇન જૈન સ્ટડીઝ' ને ટ્રાન્સફર કરાશે. આ હસ્તપ્રતોમાં પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, રાજસ્થાની અને પ્રારંભિક હિન્દી લિપિઓમાં લખાયેલા ધર્મ, સાહિત્ય, વિજ્ઞાન અને ચિકિત્સા પદ્ધતિના અમૂલ્ય ગ્રંથો સામેલ છે.

અડધાથી વધુ સામગ્રી એક જૈન દેરાસરમાંથી લેવાઈ

વેલકમ કલેક્શન દક્ષિણ એશિયાની બહાર જૈન હસ્તપ્રતો ધરાવતો સૌથી મોટો સંગ્રહ છે. આ હસ્તપ્રતો વર્ષ 1919માં ફાર્મા ક્ષેત્રના ઉદ્યોગસાહસિક અને કલેક્ટર સર હેનરી વેલકમના એજન્ટો દ્વારા એકત્રિત કરાઈ હતી. આ સંગ્રહની અડધાથી વધુ સામગ્રી ભારતના ભાગલા પહેલાના પંજાબ રાજ્યના એક જૈન મંદિરમાંથી લેવાઈ હતી. એ સ્થળ હવે પાકિસ્તાનમાં છે, પણ દેરાસર અસ્તિત્વમાં નથી.

માત્ર 5 રૂપિયા પ્રતિ નંગની નજીવી કિંમતે ખરીદ્યો અમૂલ્ય ખજાનો

આ ઐતિહાસિક રેકોર્ડ દર્શાવે છે કે હેનરી વેલકમના એજન્ટોએ આ હસ્તપ્રતો માત્ર 5 રૂપિયા પ્રતિ નંગ (જે આજના વિનિમય દર મુજબ માત્ર 0.8 પેન્સ જેટલી થાય) ચૂકવીને ખરીદી હતી. સંસ્થાના પ્રવક્તાએ સ્વીકાર્યું છે કે એજન્ટો સારી રીતે જાણતા હતા કે તેઓ આ હસ્તપ્રતો તેની વાસ્તવિક કિંમત કરતાં ઘણી ઓછી કિંમતે ખરીદી રહ્યા છે અને વેચનારા તેની સાચી કિંમત સમજ્યા ન હતા. બાદમાં બ્રિટન લાવવા માટે આ જ સામગ્રીનો 22,000 રૂપિયા (170 પાઉન્ડ) નો વીમો લેવાયો હતો, જે દર્શાવે છે કે બ્રિટિશરો તેની અસલી કિંમતથી વાકેફ હતા.

‘ધર્મનાથ નેટવર્ક’ શું છે?

‘ધર્મનાથ નેટવર્ક ઇન જૈન સ્ટડીઝ’ એ વર્ષ 2023 માં બર્મિંઘમ યુનિવર્સિટીમાં વૈશ્વિક જૈન સમુદાયના ભંડોળથી સ્થાપિત થયેલું એક વિશિષ્ટ સંશોધન કેન્દ્ર છે. આ નેટવર્કનો મુખ્ય ઉદ્દેશ્ય જૈન ધર્મના ઇતિહાસ, ફિલસૂફી અને પ્રાચીન હસ્તપ્રતો પર ઉચ્ચ સ્તરીય શૈક્ષણિક સંશોધન કરવાનો તથા તેને ડિજિટલ માધ્યમથી દુનિયા સમક્ષ લાવવાનો છે.

સંગ્રહના મુખ્ય આકર્ષણો

આ સંગ્રહ માનવ સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક ઇતિહાસ પર પ્રકાશ પાડતી એક મહત્ત્વપૂર્ણ બારી સમાન છે, જેમાં મુખ્યત્વે નીચે મુજબની હસ્તપ્રતોનો સમાવેશ થાય છે.

- કલ્પસૂત્રની 16મી સદીની સચિત્ર નકલ: જૈન ધર્મના તીર્થંકરો અને ભગવાન મહાવીરના જીવન ચરિત્રને દર્શાવતી આ ભવ્ય રીતે ચિત્રિત હસ્તપ્રત અત્યંત દુર્લભ છે.

- વૈદ્યમાનોત્સવની સૌથી જૂની નકલ: વર્ષ 1688ની એક ક્ષતિગ્રસ્ત હસ્તપ્રત છે, જેના વિશે વિદ્વાનો માને છે કે તે વર્ષ 1592માં લખાયેલા પ્રખ્યાત તબીબી ગ્રંથ 'વૈદ્યમાનોત્સવ'ની સૌથી જૂની હયાત નકલ છે.

- બ્રિટન વિરોધી લેખન: એક એવી હસ્તપ્રત પણ છે જેમાં ભારતમાં બ્રિટિશ શાસનના નૈતિક પાયાની આકરી ટીકા કરાઈ છે. આ લખાણો મહાત્મા ગાંધી દ્વારા પાછળથી લોકપ્રિય કરાયેલા નૈતિક અને અહિંસક સિદ્ધાંતો સાથે સામ્યતા ધરાવે છે.

ભારત કે પાકિસ્તાન પરત કેમ નહીં?

સૌથી મોટો પ્રશ્ન એ થાય કે આ હસ્તપ્રતો તેના મૂળ વતન ભારત કે પાકિસ્તાન કેમ ન મોકલાઈ? આ સંસ્થાઓના મતે, આ હસ્તપ્રતો જે વિસ્તાર (પંજાબ)માંથી આવી હતી, તે ભાગલા સમયે પાકિસ્તાનમાં જતો રહ્યો હતો. ભાગલાના લોહિયાળ ઈતિહાસ અને હિંસાને કારણે ત્યાંથી મોટાભાગના જૈનોએ સ્થળાંતર કરવું પડ્યું હતું અને મંદિરો ત્યજી દેવાયા હતા. જૈનોલોજી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મેહુલ સંઘરાજકાના જણાવ્યાનુસાર, ‘જો આ હસ્તપ્રતો સ્વતંત્રતા પછી ભારતમાં લવાઈ હોત, તો કદાચ તે સમયની ભયાનક ઉથલપાથલ અને હિંસા વચ્ચે બચી શકી ન હોત.’

'ધર્મનાથ નેટવર્ક' સૌથી સુરક્ષિત સંરક્ષણ સ્થાન છે

વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં જૈનોની વસ્તી આશરે 44.5 લાખ છે, જ્યારે યુકેમાં આ સમુદાયની વસ્તી આશરે 60,000 છે. યુકે, યુએસ અને ભારતના જૈન સમુદાયોના ભંડોળથી ચાલતું 'ધર્મનાથ નેટવર્ક' આ સામગ્રીના સંરક્ષણ માટે સૌથી સુરક્ષિત સ્થાન છે. અહીં દુનિયાભરના સંશોધકો અને જૈન વિદ્વાનો આ ગ્રંથોને વાંચી, સમજી અને તેનો અનુવાદ કરી શકશે. વર્ષ 2000ના દાયકામાં વિદ્વાનો કન્હૈયાલાલ વિરજી શેઠ અને કલ્પના શેઠ દ્વારા તૈયાર કરાયેલી આ સંગ્રહની ઓનલાઈન કેટલોગ (સૂચિ) પણ હવે ડિજિટલી ઉપલબ્ધ કરાશે.

વૈશ્વિક સ્તરે સાંસ્કૃતિક વારસો પરત કરવાનું દબાણ

વેલકમ કલેક્શનના એસોસિયેટ ડિરેક્ટર ડેનિયલ માર્ટિને જણાવ્યું કે, આ કરાર ભૂતકાળમાં થયેલા ‘અનૈતિક સંપાદન’ અને તેનાથી સાંસ્કૃતિક વારસાને થયેલા નુકસાનનો સ્વીકાર કરે છે. હાલમાં બ્રિટિશ મ્યુઝિયમો પર ભૂતપૂર્વ વસાહતોમાંથી ગેરકાયદેસર રીતે લેવાયેલી કલાકૃતિઓ પરત કરવાનું ભારે દબાણ છે.

હજુ માર્ચ મહિનામાં જ, બ્રિટનના એશ્મોલિયન મ્યુઝિયમે તમિલ સંત તિરુમનકાઈ અલ્વરની 16મી સદીની કાંસ્ય પ્રતિમા ભારતને પરત કરી હતી. ગ્રીસ સરકાર પણ તેના પ્રસિદ્ધ 'પાર્થેનોન શિલ્પો' (Parthenon Sculptures) પાછા મેળવવા બ્રિટિશ મ્યુઝિયમ સામે કાનૂની લડત લડી રહી છે, જેમાં બ્રિટન હજુ કાનૂની અડચણોનું બહાનું ધરી રહ્યું છે. તેની સરખામણીએ જૈન હસ્તપ્રતો પરત કરવાનો આ નિર્ણય વૈશ્વિક સંગ્રહાલયો માટે એક નવો અને સકારાત્મક રાહ ચીંધે છે.