16 વર્ષની વયે મતદાન, બૅન્ક કાર્ડ ગણાશે ઓળખ પત્ર, બ્રિટન સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં
Voting Age In UK: બ્રિટનમાં 16 વર્ષના બાળકો હવે મતદાન કરી શકશે. સરકારે મતદાનની લઘુત્તમ ઉંમર 18થી ઘટાડીને 16 વર્ષ કરવાની જાહેરાત કરી છે. યુકેની વર્તમાન સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી કે તે 2029માં યોજાનારી આગામી સામાન્ય ચૂંટણીઓ માટે મતદાનની ઉંમર 18થી ઘટાડીને 16 કરશે. અગાઉ જુલાઈ 2024માં જ્યારે ચૂંટણી થઈ હતી ત્યારે પણ લેબર પાર્ટીના મેનિફેસ્ટોમાં આ બાબત સમાવવામાં આવી હતી. જેથી લોકશાહી ભાગીદારી વધારી શકાય. એવામાં હવે બ્રિટનની આ જાહેરાત બાદ મતદાતાઓની ઉંમરને લઈને દુનિયાભરમાં ચર્ચાઓ શરુ થઈ ગઈ છે.
આ નિર્ણયની સાથે જ, સરકારે વોટર આઈડી સંબંધિત એક નવી વ્યવસ્થા પણ લાગુ કરી છે, જેમાં બૅન્ક કાર્ડ અને વેટરન્સ કાર્ડને પણ માન્યતા આપવામાં આવશે. આનાથી વધુ લોકોને મતદાન પ્રક્રિયામાં સામેલ થવામાં સરળતા રહેશે.
બ્રિટનના લોકશાહીમાં એક પેઢીમાં થયેલો સૌથી મોટો ફેરફાર
સ્કોટલૅન્ડ અને વેલ્સ પહેલાથી જ 16 અને 17 વર્ષના બાળકોને સ્થાનિક અને પ્રાદેશિક ચૂંટણીઓમાં મતદાન કરવાની મંજૂરી આપે છે. આ ઉપરાંત ઇક્વાડોર, ઑસ્ટ્રિયા અને બ્રાઝિલ બાદ હવે બ્રિટન પણ મતદાનની ઉંમરમાં ઘટાડો કરનાર દેશોની યાદીમાં જોડાશે.
આ નિર્ણયને બ્રિટીશ સરકારે બ્રિટનના લોકશાહીમાં એક પેઢીમાં થયેલા સૌથી મોટા ફેરફારો પૈકી એક ગણાવ્યો છે. આ ઉપરાંત મતદાન મથકો પર ઓળખપત્ર તરીકે યુકે દ્વારા આપવામાં આવેલા બૅન્ક કાર્ડનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. તેમજ આ નવા નિર્ણયને લઈને મતદાર ઓળખ પ્રણાલીમાં જરૂરી ફેરફાર પણ કરવામાં આવશે.
ઉમેદવારો દ્વારા દુરુપયોગને રોકવા માટે પણ કડક નિયમો
આ ઉપરાંત, વિદેશી દખલગીરી અને ચૂંટણીના ઉમેદવારો દ્વારા દુરુપયોગને રોકવા માટે પણ કડક નિયમો લાવવામાં આવી રહ્યા છે. સરકારે મતદાર નોંધણીને વધુ સ્વયંસંચાલિત બનાવવાનું વચન આપ્યું છે, જેથી વિવિધ સરકારી સેવાઓમાં વારંવાર માહિતી ભરવાની જરૂર ન પડે. બ્રિટનના નાયબ વડાપ્રધાન એન્જેલા રેયનરે કહ્યું, 'અમે લોકશાહીને વધુ મજબૂત કરી રહ્યા છીએ, જેથી યુવાનોને પણ તેની જવાબદારીનો અહેસાસ થાય. આ ફક્ત અધિકાર નથી, પરંતુ ભવિષ્યનો પાયો છે.'
લગભગ છ દાયકા પછી આ ફેરફાર આવ્યો છે
1969માં યુકે દ્વારા મતદાનની ઉંમર 21થી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી તેના લગભગ છ દાયકા પછી આ ફેરફાર આવ્યો છે. યુકે લેબર પાર્ટીની આગેવાની હેઠળની સરકાર દલીલ કરે છે કે તેને વધુ ઘટાડીને 16 વર્ષ કરવાથી ઘણા અવરોધો દૂર થશે અને બ્રિટનના લોકશાહીમાં વધુ લોકોને ભાગ લેવાની તક મળશે તેની ખાતરી થશે.
આ પણ વાંચો: અમેરિકાએ પાકિસ્તાનના જુઠ્ઠાણાંની પોલ ખોલી, પાક. મીડિયાએ ઉતાવળે માફી પણ માગી
બ્રિટન તેના લોકશાહીનું આધુનિકીકરણ કરી રહ્યું છે
વર્તમાન સરકારના મંત્રીએ જણાવ્યું હતું કે, 'અમે આપણા લોકશાહીનું આધુનિકીકરણ કરી રહ્યા છીએ જેથી તે 21મી સદી માટે યોગ્ય રહે. 16 અને 17 વર્ષના યુવાનોને મતાધિકાર આપવાના અમારા મેનિફેસ્ટોના વચનને પૂર્ણ કરીને, અમે જાહેર વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા અને બ્રિટનના લોકશાહીમાં તેમની ભાગીદારી વધારવા તરફ પેઢી દર પેઢી પગલું ભરી રહ્યા છીએ.'
તેમજ આ નવી પ્રણાલીમાં મતદાર નોંધણી અધિકારીઓ મતદારોની ડિજિટલ જરૂરિયાતો પૂરી કરી શકે, છાપકામ ખર્ચ ઘટાડી શકે અને ઝડપી કામ થાય તે માટે એક નવું 'ડિજિટલ મતદાર સત્તા પ્રમાણપત્ર' બનાવવાનો સમાવેશ થાય છે.
લોકો માટે ઓટોમેટેડ મતદાર રજિસ્ટ્રેશન સિસ્ટમ
આ ઓટોમેટેડ મતદાર નોંધણી પ્રણાલીનો ઉદ્દેશ્ય લોકો માટે મતદાન રજીસ્ટ્રેશનને સરળ બનાવવાનો અને વિવિધ સરકારી સેવાઓમાં વારંવાર તેમની વિગતો ભરવાની જરૂરિયાત ઘટાડવાનો છે. બ્રિટનના ગૃહનિર્માણ, સમુદાયો અને સ્થાનિક સરકાર મંત્રાલય(MHCLG) રાજકારણમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપશે.