ગામના સરપંચે કરી અનોખી ઓફર, મચ્છરના મૃતદેહ લાવો અને ઇનામ મેળવો
પાંચ મચ્છરો લાવનારને એક પેસા (૧.૭ અમેરિકી સેન્ટ) મળે છે
૨૧ લોકોને મચ્છરોના મૃતદેહ લાવવા બદલ ઇનામ મળ્યા છે
મનાલી,૨૦ ફેબુ્આરી,૨૦૨૫,ગુરુવાર
દુનિયામાં મચ્છર એક એવો જીવ જેનાથી સૌથી વધુ લોકો પરેશાન રહે છે, મલેરિયા અને ડેન્ગ્યુને મચ્છરજન્ય બીમારી ગણવામાં આવે છે જેનો લાખો લોકો ભોગ બને છે. રાત્રે મચ્છર ગણ ગણે ત્યારે ઉંઘ ઉડાડી દે છે આમ તો મચ્છર ભગાડવા માટે ઉપાયો છે પરંતુ એક ગામના મુખિયાએ મરેલા મચ્છર લાવનારાને ઇનામ આપવાની જાહેરાત કરી છે. દુનિયામાં મચ્છર નિયંત્રણ માટે આવું અજીબો ગરીબ પગલું અગાઉ કયારેય ભરવામાં આવ્યું ન હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર પાંચ મચ્છરો લાવનારને એક પેસા (૧.૭ અમેરિકી સેન્ટ) આપવામાં આવી રહયા છે. એક રુપિયા બરાબર ૨૧ સેન્ટ થાય છે. મતલબ કે ૬૦ થી ૬૫ મચ્છરના મૃતદેહ લાવવામાં આવે ત્યારે એક રુપિયો આપવામાં આવે છે. જો કે આ ઓફર ભારત નહી પરંતુ ફિલિપાઇન્સ દેશના એક ગામમાં આપવામાં આવે છે. આ ગામ ફિલિપાઇન્સના પાટનગર મનીલાની નજીક આવેલું છે.
ગામના સરપંચ કાર્લિટો સેર્નલ સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં આ ઓફરની પુષ્ટી કરી છે.પોસ્ટમાં જણાવ્યા અનુસાર ગામમાં વધતા જતા ડેન્ગ્યુના કેસને નિયંત્રણમાં રાખવા માટે જીવતા અથવા તો મરેલા મચ્છર દેખાડીને નાણા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ૨૧ લોકોને મચ્છરોના મૃતદેહ લાવવા બદલ ઇનામ વિતરણ થઇ ચુકયું છે. આ કાર્યક્રમ એક મહિના સુધી ચલાવવામાં આવશે.