બ્રિક્સ V/s વેસ્ટર્ન વર્લ્ડ : શું શીત યુદ્ધ શરૂ થઇ જશે ? ભારત-ચીન-બ્રાઝિલને નાટોની ધમકીનો શો અર્થ છે ?
- આ શીત યુદ્ધ પહેલાનાં શીત યુદ્ધ અલગ છે, 1945થી શરૂ થયેલું શીત યુદ્ધ લશ્કરી હતું : આ શીત યુદ્ધ આર્થિક અને રાજકીય સ્તરનું છે
નવી દિલ્હી : BRICS (બ્રાઝિલ, રશિયા, ઇંડીયા, ચાયના અને સાઉથ આફ્રિકા) સંગઠન એક એવું સંગઠન છે કે જે ઉભરતી આર્થિક શક્તિઓને એક મંચ પર લાવે છે. હવે તેમાં બીજા પાંચ દેશો (ઈજીપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઇરાન અને સંયુક્ત આરબ અમીરાત) ભળતાં તે સંગઠન ૧૦ દેશોનું બની રહ્યું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આ ૧૦ દેશોનો હિસ્સો ૪૧% જેટલો છે.
બીજી તરફ પશ્ચિમી દેશોનું નેતૃત્વ અમેરિકા અને નાટો કરી રહ્યા છે.જે મુખ્ય રીતે આર્થિક ઉપરાંત સૈન્ય શક્તિનું કેન્દ્ર છે. તાજેતરમાં જ નાટોના મહામંત્રી માર્ક રૂટે ભારત, ચીન અને બ્રાઝિલને રશિયા સાથે વ્યાપાર બંધ કરવા ચેતવણી આપી છે. જેમાં ૧૦૦ ટકા ટેરિફ (આયાત કર) અને અન્ય પ્રતિબંધો લગાડવાની ધમકી ચાલી છે, આ સાથે બ્રિક્સ અને પશ્ચિમના દેશોવચ્ચે નવાં શીત યુદ્ધનો પ્રારંભ થતો દેખાય છે.
શીત યુદ્ધનો અર્થ છે યુદ્ધ વિના જ પોતાનો પ્રભાવ ફેલાવવાની મહેચ્છા સાથે આર્થિક જૂથબંધી અને એક બીજા વચ્ચે લશ્કરી સ્પર્ધા, દ્વિતીય વિશ્વ યુદ્ધના ્તે એક તરફ સોવિયેત સંઘ અને તેમાં પ્રભાવ નીચેનાં પૂર્વ યુરોપનાં સભ્યો હતાં. બીજી તરફ અમેરિકાનાં નેતૃત્વ નીચેનાં પશ્ચિમ યુરોપ, અમેરિકા કેનેડા હતાં.
તે સમયે તો લશ્કરી સ્પર્ધા પણ હતી. પૂર્વ જર્મનીથી શરૂ કરી પૂર્વ યુરોપનાં રાજ્યો અને સોવિયેત સંઘ અને ચાયના, મોંગોલિયા, ઉ.કોરિયા અને ઉત્તર વિયેતનામ સુધીનો સામ્યવાદી બ્લોક હતો. તે લશ્કરી સંગઠન પણ હતું. નવાં શીતયુદ્ધમાં લશ્કરી તાકાતની વાત નથી. તેનું લક્ષ્ય છે. ગ્લોબલ સાઉથના દેશોનું સંગઠન ઊભું કરી તેને મજબૂત અવાજ આપવો અને પશ્ચિમનાં વર્ચસ્વ (આડકતરો) પડકાર આપવો ૬-૭ જુલાઈએ બ્રાઝીલમાં રાયો-દ'ં-જાનીરોમાં જે મહત્ત્વના નિર્ણય લેવાયા તે આ પ્રમાણે છે :
(૧) અમેરિકી ડોલર પરની નિર્ભરતા ઘટાડવી, એક બીજા દેશોે એક બીજાની કરન્સી સ્વીકારવી, બની શકે તો બ્રિક્સે પોતાનું જ ચલણ તૈયાર કરવું. આથી અમેરિકા બ્રિક્સ ઉપર સખત ગિન્નાયું છે.
(૨) ભારતની વાત લઇએ તો, ભારત-રશિયા સંબંધો તો ઘણા જુના છે. ભારત ૮૦ ટકા શસ્ત્ર આયાત રશિયાથી જ થાય છે. ૧૦૦ ટકા ટેરિફની પણ તલવાર તોળાય છે.
(૩) ભારત બ્રિક્સમાં સક્રિય છે. છતાં અમેરિકાનો નેતૃત્વ નીચેનાં ક્વોડમાં સભ્ય છે તેમાં અમેરિકા, જાપાન, અને ઓસ્ટ્રેલિયા સાથે જોડાયેલું છે.
(૪) અમેરિકા જો ૧૦૦ ટકા ટેરિફ લગાડે તો ભારતમાંથી થતી નિકાસ (જેવી કે દવાઓ, કાપડ અને તૈયાર કપડાં વગેરે) ઉપર અસર પડે જ.
આમ ભારતે ટાઈટ રોપ પર આવવાનું રહે છે.