World

બ્રાઝિલમાં ડ્રગ માફિયા સામે જબરજસ્ત કાર્યવાહી 60 ગેંગસ્ટર્સ અને 4 પોલીસ કર્મી ગોળીબારમાં મોત

By GS TEAM
29 Oct 20252 mins read
બ્રાઝિલમાં ડ્રગ માફિયા સામે જબરજસ્ત કાર્યવાહી 60 ગેંગસ્ટર્સ અને 4 પોલીસ કર્મી ગોળીબારમાં મોત

- ડ્રગ માફિયા પાસે ડ્રોન વિમાન પણ હતું

- બધી ગેંગોમાં કોમાન્ડો વર્મેલો ગેંગ સૌથી સબળ હોવાની, તે સૌથી પહેલી નિશાન પર હતી : એક વર્ષ પહેલેથી પોલીસે યોજના ઘડી હતી

રાયોડીજાનેરો (બ્રાઝિલ) : વિશ્વના સર્વશ્રેષ્ઠ સૌંદર્ય ધામો પૈકીનું બ્રાઝિલનું આ અગ્રીમ સૌંદર્યધામ પર્વતીય બંદરગાર રાયો દે જાનીરો જેટલું સુંદર છે, તેટલું જ ડ્રગ માફિયાથી ખીચોખીચ ભરેલું છે. આ ડ્રગ માફિયા એટલા શ્રીમંત બની રહ્યા હતા કે તેમની પાસે ડ્રોન વિમાનો પણ હતા.

બ્રાઝિલની લુલા-સરકારે તેમનો સફાયો કરવાનો નિર્ધાર કરી ડ્રગ તસ્કરી ગેંગ પૈકીની સૌથી મોટી અને સૌથી સબળ ગેંગ કામાન્ડો વર્મેલો ગેંગનો વિસ્તાર રોકવા પગલા લેવા શરૂ કર્યા. તેના પહેલા પગલા રૂપે તેણે ૮૧ સંદિગ્ધોને ગિરફતાર કર્યા.

લુલાની ફેડરલ સરકારે રાયો રાજ્ય સરકારને તમામ સહાય આપવાનું પણ વચન આપ્યું હતું. રાજ્ય સરકારે તે માટે ૧ વર્ષ પહેલેથી જ યોજના બનાવી હતી. તેમાં ૨૫૦૦ થી વધુ સૈનિકો અને નાગરિક પોલીસકર્મીઓ પણ સામેલ હતા. સૈનિકોએ સૌથી પહેલાં તો તે ગેંગસ્ટર્સના ઠેકાણાને ઘેરી લીધું હતું. ત્યાં અચાનક જ તે ગેંગ જે મકાનમાં છુપાઈ હતી ત્યાંથી ફાયરિંગ શરૂ કર્યું. સામે  સૈનિકો અને પોલીસોએ ફાયરિંગ કરતાં ૬૦ ગુંડાઓ માર્યા ગયા હતા. જયારે માફિયાઓએ ડ્રોન વિમાન ઉડાડી તેમાંથી ગોળીબાર કરતાં ૪ પોલીસ કર્મચારીઓ માર્યા ગયા હતા. કેટલાક ગુંડાઓ તે મકાન છોડી નાસી ગયા હતા. પોલીસે તે પર કબજો જમાવી ૪૨ રાયફલ્સ પણ કબજે કરી હતી. આ લડાઇ શહેરના જાણીતા મેન્હા કોમ્પલેક્ષ ઉપર થઈ હતી. આ અંગેનો વિડીયો પણ સામસામા ગોળીબાર થતા દર્શાવે છે. તેમાં ડ્રોન વિમાન પણ દેખાય છે અને તે ડ્રોન પ્રોજેક્ટસને કઇ રીતે નિશાન બનાવાયા તે પણ વિડીયોમાં દેખાય છે.

આ માહિતી આપતાં જીનેરોના ગવર્નર કલાઉડીયો કેસ્ટ્રો કહે છે કે આ એક ભયાવહ પડકાર છે. તેઓ કોઇ સામાન્ય અપરાધીઓ હતા. પરંતુ વામ-પંથીઓનું એક વિશાળ સંગઠિત જૂથ છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસી ચૂકયું છે.