ભારત-રશિયાના ક્રુડ ઓઇલના વેપારનો સૌથી વધુ લાભ 'બ્રાહ્મણો' લઇ રહ્યા છે

- ભારત-રશિયા-ચીને હાથ મિલાવતા જાતિવાદ ભડકાવવાનો અમેરિકાનો પ્રયાસ
- ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી લોકશાહી, રશિયા અને ચીન સાથે હાથ મિલાવી વૈશ્વિક ખડભડાટ લાવશે : ટ્રમ્પના સલાહકાર નવારો
વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર બાબતોના સલાહકાર પીટર નવારોએ ફરી એક વખત ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું અને જાતિવાદ ભડકાવવા પ્રયાસ કર્યો હતો. પીટરે દાવો કર્યો હતો કે રશિયા પાસેથી ઓઇલની ખરીદીમાં સૌથી વધુ નફો ભારતના બ્રાહ્મણો લઇ રહ્યા છે.
ટ્રમ્પ દ્વારા ભારતની વસ્તુઓ પર ૫૦ ટકા ટેરિફ નાખવામાં આવ્યો છે. ટ્રમ્પના આ નિર્ણયનો બચાવ કરતા તેમના વેપાર બાબતોના સલાહકાર પીટરે કહ્યું હતું કે રશિયન પ્રમુખ પુતિન અને ચીનના પ્રમુખ જિનપિંગ સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મિત્રતા વૈશ્વિક ઉથલ પાથલ લાવશે. ભારત ટેરિફનો મહારાજા છે, સમગ્ર વિશ્વમાં તેમણે સૌથી ઉંચો ટેરિફ નાખ્યો છે, અમેરિકામાં અનેક વસ્તુઓની નિકાસ કરે છે. જેનું સૌથી વધુ નુકસાન અમેરિકાના કરદાતાઓ, મજૂરોને થાય છે. પીટરે વધુમાં દાવો કર્યો હતો કે હું ભારતના નાગરિકોને બહુ જ સરળ ભાષામાં કહેવા માગુ છું કે હાલ જે કઇ થઇ રહ્યું છે તેને સમજો, ભારતના અન્ય નાગરિકોના ભોગે બ્રાહ્મણોને ફાયદો પહોંચાડાઇ રહ્યો છે જેને અમેરિકા અટકાવવા માગે છે. ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી લોકશાહી છે અને તેણે એ પ્રકારનું વર્તન કરવું જોઇએ, ચીન અને રશિયાની સાથે હાથ ન મિલાવવા જોઇએ. ભારત, ચીન અને રશિયા ત્રણેય દેશોના વડાઓએ હાથ મિલાવતા ભડકેલા અમેરિકાના વેપાર બાબતોના સલાહકાર પીટરે વધુમાં કહ્યું હતું કે યુક્રેન સાથે મોદીનું યુદ્ધ છે, રશિયાથી ક્રૂડ ઓઇલની ખરીદી યુદ્ધ ભડકાવી રહી છે.
શું મોદી બ્રાહ્મણ છે ? : ભાજપ સાંસદ દૂબેનો સવાલ
પશ્ચિમી દેશોમાં ધનવાનો માટે બોસ્ટન બ્રાહ્મણ શબ્દ વપરાય છે : ઘોષ
નવ દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નવારોના નિવેદનનો જવાબ આપતા ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું હતું કે રશિયા પાસેથી ભારત સરકાર ઓઇલની ખરીદી કરે છે, શું વડાપ્રધાન મોદી બ્રાહ્મણ છે? ખાનગી કંપનીના ક્યા માલિક બ્રાહ્મણ છે?
જ્યારે પીટરના નિવેદન મુદ્દે સાગરિકાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે અમેરિકામાં બોસ્ટન બ્રાહ્મણ શબ્દ એક સમયે બહુ પ્રચલીત હતો જે ધનવાન લોકો માટે વપરાતો હતો. જ્યારે પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું હતું કે પીટરે ભારતની એક વિશેષ જાતિ અંગે જે કઇ કહ્યું છે તે શરમજનક છે, અમેરિકન સંદર્ભમાં બ્રાહ્મણ શબ્દ પ્રયોગ અંગે ઉપદેશ ના આપશો. બ્રાહ્મણ શબ્દ (હાં બોસ્ટનના બ્રાહ્મણ) પ્રયોગ અચાનક નથી થયો, ઇરાદાપૂર્વક આ શબ્દનો ઉપયોગ થઇ રહ્યો છે.








