બિલ ગેટ્સની ચેતવણી, કોરોનાથી પણ 10 ગણો જીવલેણ હશે ભવિષ્યનો રોગચાળો
ગેટ્સે કહ્યું કે વૈશ્વિક નેતાઓએ વેક્સિન રાષ્ટ્રવાદથી દુર રહેવું જોઇએ
બર્લિન, 30 જાન્યુઆરી 2021 શનિવાર
માઇક્રોસોફ્ટનાં સહ સ્થાપક બિલ ગેટ્સએ ભવિષ્યનાં રોગચાળા અંગે ગંભીર ચેતવણી ઉચ્ચારી છે. તેમણે દાવો કર્યો છે કે કોઈ પણ ભાવિ રોગચાળો હાલના કોરોના વાયરસ કરતા 10 ગણો વધુ જીવલેણ હશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તમામ દેશોએ કોરોના વાયરસ રોગચાળોમાંથી પાઠ શીખવો જોઈએ. વિશ્વભરમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 22 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 100 કરોડથી વધુ થઇ ગઈ છે.
જર્મન મીડિયા સાથે ચર્ચા કરતાં બિલ ગેટ્સે કહ્યું કે આપણે હવે પછીની રોગચાળા માટે તૈયાર નથી. તેમણે વિશ્વની સરકારોને અપીલ કરી છે કે તેઓ તેમના નાગરિકોને સંભવિત નવા રોગોથી બચાવે. તેમણે કહ્યું કે આ રોગચાળો ભયાનક છે, પરંતુ ભવિષ્યનો રોગચાળો 10 ગણો વધુ ઘાતક હોઈ શકે છે. ગેટ્સે દાવો કર્યો કે જો પાંચ વર્ષ પહેલાં કોરોના વાયરસનો રોગચાળો થયો હોત, તો વિશ્વ આટલી જલદી રસી વિકસીત કરી શક્યું ન હોત.
બિલ ગેટ્સે તે વૈજ્ઞાનિકો અને સ્વૈચ્છિક સંગઠનોની પ્રશંસા કરી કે જેમણે કોવિડ રસી બનાવવા માટે સહયોગ આપ્યો છે. એટલું જ નહીં તેમણે વૈશ્વિક નેતાઓને પણ વેક્સિન રાષ્ટ્રવાદથી દુર રહેવાની પણ અપીલ કરી. ગેટ્સે કહ્યું કે, દરેકએ રસીના યોગ્ય વિતરણ માટે મદદ કરવી જોઈએ.