સ્માર્ટફોનને બદલે એક ઈલેક્ટ્રોનિક ટેટૂથી બધી સર્વિસ મળશે
બિલ ગેટ્સે ભવિષ્યની ટેકનોલોજી વિશે જણાવ્યું
આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ કનેક્ટ આધુનિક ઈ-ટેટૂ અને ચિપ વિકસાવવા તરફ દુનિયાભરના સંશોધકોની નજર
અત્યારે નવા નવા સ્માર્ટફોન માર્કેટમાં આવી રહ્યા છે. દરેકમાં અપડેટેડ ટેકનોલોજી હોવાથી જૂના ફોનનું મહત્વ ઘટવા લાગ્યું છે, પરંતુ હવે આગામી વર્ષોમાં સ્માર્ટફોનનું મહત્વ જ ઘટી જશે. એનું સ્થાન ઈલેક્ટ્રોનિક ટેટૂ લઈ લેશે.
માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે સ્માર્ટફોનનું સ્થાન ઈલેક્ટ્રોનિક ટેટૂ લઈ લેશે એવી કલ્પના કરી છે. ઈલેક્ટ્રોનિક ટેટૂઝ એટલે એક રીતે ઈલેક્ટ્રિક ચિપ. અત્યારે દુનિયાભરમાં વધુમાં વધુ અસરકારક ઈ-ચિપ બનાવવાની કામગીરી ચાલી રહી છે. અસંખ્ય લોકો હાથમાં ચિપ ફિટ કરાવી રહ્યા છે, જેની સાથે ક્રેડિટ કાર્ટની વિગતો બેસાડી દેવાથી ક્રેડિટ કાર્ડ સાથે રાખવાની જરૃર પડતી નથી.
એવી જ રીતે અત્યારે સ્પોર્ટ્સના ફિલ્ડમાં ઈલેક્ટ્રોનિક ટેટૂનું ચલણ પણ વધ્યું છે. સ્પોર્ટ્સ પર્સનની ફિટનેસની વિગતો એ ઈ-ટેટૂમાં સ્ટોર થતો રહે છે અને તેનું એનાલિસિસ કરવામાં આવે છે. હજુ આ ઈ-ટેટૂનો ઉપયોગ મર્યાદિત છે. પરંતુ આગામી સમયમાં ઈ-ટેટૂ સાથે મોટાભાગની સર્વિસ કનેક્ટ થઈ જશે. ઈ-ટેટૂ સાથે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનું જોડાણ કરીને સ્માર્ટફોનની બધી જ સર્વિસ ટેટૂ સાથે કનેક્ટ કરી દેવાશે. તેનાથી સ્માર્ટફોન સાથે રાખવાની જરૃર જ નહીં પડે. બિલ ગેટ્સની કલ્પના પ્રમાણે આગામી દશકાઓમાં ઈ-ટેટૂ સ્માર્ટફોનને રિપ્લેસ કરી દેશે. આધુનિક સ્માર્ટફોન એકાદ-બે દશકામાં આઉટ ડેટેડ થઈ જાય તો નવાઈ માપવા જેવું નહીં હોય.
અગાઉ નોકિયાના સીઈઓએ પણ એવો જ દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ૨૦૩૦ સુધીમાં ૬જી ટેકનોલોજી આવી જશે, તેના પછી સ્માર્ટફોનની જરૃર નહીં પડે. સ્માર્ટગ્લાસ જેવા કોઈ ઉપકરણનો ઉપયોગ થવા માંડશે. કારણ કે શરીરમાં બધી જ ચીજવસ્તુઓ ચિપથી કનેક્ટ થઈ જશે.