Get The App

ભારતને આપો UNSCનું સ્થાયી સભ્યપદ... સંયુક્ત રાષ્ટ્રના મંચ પર પડોશી દેશનું ખુલ્લુ સમર્થન

Updated: Sep 27th, 2025

GS TEAM

Google News
Google News
Tshering Tobgay

India Permanent Membership Of UNSC : ભુતાનના વડાપ્રધાન શેરિંગ ટોબગેએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના વિસ્તરણની અપીલ કરી છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મંચ પર ટોબગેએ કહ્યું કે, 'પરિષદમાં પ્રતિનિધિત્વ વધારવું એ સમયની જરૂરત છે. તેવામાં ભારત અને જાપાન દેશોને સ્થાયી સદસ્ય તરીકે સંયુક્ત રાષ્ટ્રમાં સામેલ કરવા જોઈએ.' 

ભારત ઘણા વર્ષોથી સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી સભ્યપદની માંગણી કરી રહ્યું છે. આ મુદ્દે ભારતને પડોશી દેશ ભુતાન તરફથી ખુલ્લું સમર્થન મળ્યું છે. ગયા વર્ષે પણ ટોબગેએ UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને ટેકો આપ્યો હતો. ત્યારે આ વખતે પણ તેમણે પોતાના વિચારો મજબૂતીથી વ્યક્ત કર્યા છે.

ભુતાન ઇચ્છે છે UNSC સુધારો થાય

શેરિંગે UNમાં પોતાના ભાષણમાં કહ્યું કે, 'ભુતાન એવા સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વાસ રાખે છે જે પ્રતિનિધિત્ત્વપૂર્ણ, જવાબદાર અને અસરકારક હોય. અમે બહુપક્ષીયવાદની ઇચ્છા રાખીએ છીએ જે ફક્ત ઉકેલો જ નહીં, પરંતુ પરિણામો પણ આપે છે. તેથી, ભુતાન UN સુધારાને સમર્થન આપે છે. આમાં સુરક્ષા પરિષદમાં સુધારા અને કાયમી અને બિન-કાયમી સભ્યપદ બંનેનો વિસ્તરણ સામેલ છે.'

ભારત UNSCમાં સ્થાયી સભ્યપદ માટે હકદાર

ભુતાનના પીએમએ દિલ્હીનું સમર્થન કરતાં કહ્યું કે, 'ભારતે ઉલ્લેખનીય આર્થિક વૃદ્ધિ અને વૈશ્વિક દક્ષિણમાં પોતાના એક જગ્યા બનાવી છે. તેવામાં ભારત સુરક્ષા પરિષદમાં એક સ્થાયી સભ્યપદ માટે હકદાર છે. ભારત તરફથી પણ અનેક વખત કહેવામાં આવ્યું છે કે, UNSCનું વિસ્તરણ એ સમયની માગ છે. હાલમાં આ પરિષદ સમગ્ર વિશ્વનું પ્રતિનિધિત્ત્વ કરવામાં નિષ્ફળ છે.'

આ પણ વાંચો: 18 દિવસ બાદ સામે આવ્યા નેપાળના પૂર્વ PM કેપી ઓલી, જાહેર કાર્યક્રમમાં રહ્યા હાજર

UNSCમાં 15 સભ્ય દેશોનો સમાવેશ થાય છે. આમાંથી 5 કાયમી સભ્યો છે, જેમની પાસે વીટો પાવર છે. 5 કાયમી સભ્યોમાં ચીન, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ છે. સુરક્ષા પરિષદના બિન-કાયમી સભ્યોને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 2 વર્ષના કાર્યકાળ માટે ચૂંટવામાં આવે છે.