- અવકાશમાં ટ્રાવેલ કરવું હાથવેંતમાં
- અગાઉ પોપસ્ટાર કેટી પેરી, બેઝોસની પત્ની લોરેન સાન્ચેઝ, ગેલ કિંગ સહિતના 86 લોકો આ યાનમાં સ્પેસ ટ્રાવેલની મજા લઈ ચૂક્યા છે
ન્યૂયોર્ક : જેફ બેઝોસની એરોસ્પેસ કંપની બ્લૂ ઓરિજિને છ મુસાફરોને રોકેટ દ્વારા સ્પેસની મુસાફરી કરાવી હતી. ન્યૂ શેફર્ડ રોકેટ તેમને પૃથ્વીથી ૬૦ માઈલ ઊંચાઈએ અવકાશમાં લઈ ગયું હતું. આ દરમિયાન તેમણે અદભૂત આકાશી નજારો જોયો હતો. તેમણે થોડા સમય માટે ગુરુત્વાકર્ષણ (માઈક્રોગ્રેવિટી)નો અનુભવ કર્યો હતો. અવકાશયાત્રીઓમાં સેલિબ્રિટીઝ, ઉદ્યોગપતિઓ અને અન્ય પ્રાઈવેટ સ્પેસ ટ્રાવેલર્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
બ્લૂ ઓરિજિનના ન્યૂ શેફર્ડ રોકેટને અમેરિકા-મેક્સિકો બોર્ડર નજીક આવેલી કંપનીની પ્રાઈવેટ ફેસિલિટી લોન્ચ વન સાઈટ પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. બ્લૂ ઓરિજિનના લોન્ચિંગની લગભગ ૩૦ મિનિટ પહેલા લાઈવ વેબકાસ્ટ શરૂ કરવામાં આવ્યું હતું. આ મિશનનું નામ એનએસ-૩૮ હતું. મિશન તેના સમયથી લગભગ ૩૦ મિનિટ મોડું રહ્યું હતું. આ પહેલા માનવ મિશનમાં ૮૬ લોકો આ યાનમાં મુસાફરી કરી ચૂક્યા છે.
આ ફ્લાઈટ પાછળની એન્જિનિયરિંગ પ્રભાવશાળી રહી હતી. કેપ્શ્યુલ માઈક્રોગ્રેવિટી સ્થિતિમાં આગળ વધી ત્યારે, બૂસ્ટર રોકેટ સ્વચાલિત રીતે પૃથ્વી પર પરત ફર્યું હતું. તેને ધીમું કરવા માટે બીઈ-૨ લિક્વિડ ઓક્સિજન, લિક્વિડ હાઈડ્રોજનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રોકેટે ક્રોક્રિંટના પેડ પર ચોક્કસ સ્થળે લેન્ડિંગ કર્યું હતું. બીજી તરફ, ક્રૂ તેમના કેપ્શ્યુલમાંથી નીકળીને પેરાશૂટના માધ્યમથી નીચે આવ્યું હતું.
આ મિશનમાં રિયલ એસ્ટેટ ડેવલપર અને ઈન્વેસ્ટર એલેન ફર્નાન્ડિઝ, રિટાયર્ડ યુએસ એર ફોર્સ કર્નલ જિમ હેન્ડ્રેન, રિટાયર્ડ ગાયનેકોલોજિસ્ટ લિન્ડા એડવર્ડ્સ, બિઝનેસમેન ટિમ ડ્રેક્સલર અને બ્લૂ ઓરિજિનમાં ન્યૂ શેફર્ડ લોન્ચ ઓપરેશન્સની ડિરેક્ટર લૌરા સ્ટાઈલ્સ સામેલ હતી. આ મિશનમાં પહેલા એન્ડ્રુ યાફેને પસંદ કરવામાં આવ્યા હતા. પરંતુ, તેમણે બીમારીને કારણે નામ પરત લીધું હતું.


