બાર્સેલોનામાં ગરમીનો 100 વર્ષનો રેકોર્ડ તૂટયો
- પેરિસમાં 41 ડિગ્રી અને સ્પેનમાં 46 ડિગ્રી ગરમીથી પ્રજા ત્રાહિમામ
- યુરોપમાં આગ ઓકતું આકાશ
- એફિલ ટાવરનો ટોચનો હિસ્સો બંધ, 1300 સ્કૂલોમાં વેકેશન જાહેર, સ્વિમિંગ પૂલ - મ્યુઝિયમમાં મફત પ્રવેશ
- ઇટાલીના 27 માંથી 17 શહેરોમાં ગરમી બ્રિટનમાં વર્ષનો સૌથી ગરમ દિવસ
પેરિસ : ફ્રાન્સના પાટનગર પેરિસમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીનો આંક વટાવી જતાં ૧૩૦૦ સ્કૂલ્સને બંધ કરવાની જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરાઇ છે તો હવામાનખાતાએ ગરમીનું મોજું ફરી વળતાં પેરિસમાં ઘણાં વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યો છે અને જે સહેલાણીઓએ એફિલ ટાવરની ટિકિટ બુક ન કરાવી હોય તેમને ઘરે જ રહેવાની સલાહ આપવામાં આવી છે. એફિલ ટાવરના સૌથી ઉંચા હિસ્સાને ગુરૂવાર સુધી બંધ રાખવાની જાહેરાત કરાઇ છે. ફ્રાન્સ ઉપરાંત બેલ્જિયમ અને નેધરલેન્ડઝમાં પણ તાપમાન ઉંચું રહ્યું છે પણ પોર્ટુગલમાં તાપમાન ઘટી રહ્યું છે. દેશમાં ગરમીને કારણે જે હાલત સર્જાઇ છે તેને હળવી કરવા ફ્રાન્સની સરકાર દ્વારા વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે.
બીજી તરફ બાર્સેલોનામાં જુન મહિનો સો વર્ષના ઇતિહાસમાં સૌથી ગરમ જણાયો છે. સ્પેનના હવામાન ખાતાએ જણાવ્યું હતું કે આ સમરનું પહેલું ગરમીનું મોજું યુરોપમાં ભરડો લઇ રહ્યું છે. ૨૦૧૪થી બાર્સેલોનામાં સરેરાશ ૨૬ ડિગ્રી તાપમાન નોંધાતું હતું ત્યાં ૩૦ જુને ૩૭.૯ ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયું હતું. આ સાથે ૨૦૦૩નો સૌથી વધુ સરેરાશ તાપમાન ૨૫.૬ ડિગ્રીનો રેકોર્ડ તુટી ગયો છે.
સ્પેનમાં ૪૬ ડિગ્રી તાપમાન નોધાવા સાથે ૧૯૫૦થી સૌથી વધારે તાપમાનનો રેકોર્ડ તુટી ગયો હતો. ૨૯ જુને સૌથી વધારે સરેરાશ તાપમાન ૨૮ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે દક્ષિણમાં હુલવા પ્રાંતમાં ૪૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મેટિયો ફ્રાન્સ નામની ફ્રાન્સની હવામાન એજન્સીએ જંગલોમાં દવ ફાટી નીકળવાની પણ ચેતવણી આપી છે. જુનમાં વરસાદ ન પડયો હોઇ જમીન સુકાઇ ગઇ છે અને તાપમાન વધવા સાથે દવ લાગવાનું પણ જોખમ વધ્યું છે.
મેટિયોફ્રાન્સના જણાવ્યા અનુસાર ૨૧૦૦ની સાલમાં ગરમીના દિવસોની સંખ્યામાં દસ ગણો વધારો થશે અને સરેરાશ તાપમાન પણ વધીને ૫૦ ડિગ્રીએ પહોંચી જશે.
દરમ્યાન દક્ષિણ યુરોપમાં ઇટાલીમાં ૨૭માંથી ૧૭ શહેરોમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે.મંગળવારે બોલોના નજીક એક કન્સ્ટ્રકશન કંપનીના માલિક અલ હાજમ બ્રાહિમનું સ્કૂલ પાર્કિંગ લોટમાં ફસડાઇ પડી મોત થયું હતું. આ મોત ગરમીને કારણે થયું હોવાનું મનાય છે. આ ઘટનાને પગલે બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા મજૂરોને ગરમી સામે બહેતર સુવિધાઓ આપવાની માંગણી લેબર યુનિયન દ્વારા કરાઇ હતી. નેધરલેન્ડમાં ગરમીનું મોજું ફરી વળતાં જાહેર કાર્યક્રમોનેમુલતવી રખાયા છે. બુધવારે ગરમ હવામાન પુરુ થવા સાથે પૂર્વ નેધરલેન્ડઝમાં વાવાઝોડાં સાથે વરસાદ તુટી પડવાની પણ આગાહી કરાઇ છે. પોર્ટુગલમાં લિસ્બન ખાતે ગરમી વધીને ૩૩ ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે. કેટલાક આંતરિક વિસ્તારોમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રીએ પહોંચ્યો હોવાનું જણાયું હતું. જુનના હવામાનના બે રેકોર્ડ ૨૯ જુને બે સ્થળે તુટયા હતા.૨૯ જુને મોરામાં સૌથી વધારે ૪૬.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યાં સૌથી વધુ તાપમાનનો ૨૦૧૭નો રેકોર્ડ ૪૪.૯ ડિગ્રીનો હતો.