બાંગ્લાદેશનું વધુ એક ભારતવિરોધી પગલું, 180 કરોડની ડિફેન્સ ડીલ અચાનક રદ કરી
India vs Bangladesh News : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવાના હેતુથી ગત વર્ષે કરાયેલા એક મહત્વપૂર્ણ કરારને બાંગ્લાદેશ સરકારે રદ કરી દીધો છે. બાંગ્લાદેશ માટે 800 ટનની આધુનિક દરિયાઈ ટગ બોટ બનાવવા માટે કોલકાતા સ્થિત ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) સાથે 21 મિલિયન ડૉલર (લગભગ રૂ. 180 કરોડ)નો સોદો થયો હતો.
ભારત લોન આપીને બાંગ્લાદેશને મદદ કરી રહ્યું હતું
આ કરાર જુલાઈ 2024 માં બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં બાંગ્લાદેશ નૌકાદળના સંરક્ષણ ખરીદી મહાનિર્દેશાલયના અધિકારીઓ અને GRSE વચ્ચે હસ્તાક્ષર દ્વારા કરવામાં આવ્યો હતો. આ સોદો ભારત દ્વારા બાંગ્લાદેશને આપવામાં આવેલી 500 મિલિયન ડૉલરની સંરક્ષણ લાઇન ઓફ ક્રેડિટ હેઠળનો પ્રથમ મોટો પ્રોજેક્ટ હતો, જે 2023 માં અમલમાં આવ્યો હતો.
કેવી ટગ બોટ તૈયાર થવાની હતી?
ટગ બોટ વિશે વાત કરીએ તો તે 61 મીટર લાંબી બનાવવાની હતી અને તેની મહત્તમ ગતિ 13 નોટ્સ (લગભગ 24 કિમી/કલાક) સંપૂર્ણ લોડિંગ સાથે હોત. કરાર મુજબ, તેનું નિર્માણ અને ડિલિવરી 24 મહિનાની અંદર થવાનું હતું. આ સોદા સાથે, ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ પણ બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી, જેનો ઉદ્દેશ્ય સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવા અને દરિયાઈ ભાગીદારીના નવા માર્ગો શોધવાનો હતો.