- ગુરૂદેવ ટાગોરનું 'ઓમાર-ઓમાર-બાંગ્લા' તે દેશનું રાષ્ટ્રગીત છે
- વિદ્યાર્થીઓની નેશનલ સીટીઝન્સ પાર્ટી (એન.સી.પી.)એ નામાંકન પૂર્વના એક દિવસે જમાત-એ-ઇસ્લામી સાથે ગઠબંધન કર્યું છે
ઢાકા : હત્યા, હિંસા અને લઘુમતિઓ ઉપર થતા જુલ્મો વચ્ચે બાંગ્લાદેશમાં ચૂંટણી અંગે ગરમી ફેલાઈ રહી છે. ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણી માટેનાં નામાંકન પત્ર ભરવાનો આજે (સોમવાર)નો છેલ્લો દિવસ હતો. તે પૂર્વે એક દિવસે શેખ હસીનાને પદભ્રષ્ટ કરાવનાર જૂથોમાં સૌથી વધુ મહત્વની ભૂમિકા ભજવનાર વિદ્યાર્થી નેતાઓમાં તડાં પડી ગયા છે. વિદ્યાર્થીઓના કેટલાંક જૂથે આ ચૂંટણીમાં જમાત-એ-ઇસ્લામી સાથે હાથ મેળવવાનો વિરોધ કર્યો છે.
એન.સી.પી.ના સંયોજક નાહિદ ઈસ્લામે રવિવારે રાત્રે આશરે ૮ વાગે અહીંના કામચલાઉ પાર્ટી-કાર્યાલયમાં એક પ્રેસ-કોન્ફરન્સને કરેલાં સંબોધનમાં જમાત-એ-ઇસ્લામી સાથેના ગઠબંધનની પુષ્ટિ કરી હતી.
તેણે કહ્યું હતું કે, પહેલાં તો અમે તમામ ૩૦૦ સીટો ઉપર ચૂંટણી લડવા નિર્ણય કર્યો હતો પરંતુ ઉસ્માન હાદિની હત્યાએ દેશનું રાજ નૈતિક પરિદ્રશ્ય જ બદલી નાખ્યું છે.
આ તબક્કે પત્રકારોએ પૂછ્યું કે, 'શું તે ગઠબંધન વૈચારિક છે ?' ત્યારે તેણે કહ્યું કે, 'આ માત્ર ચૂંટણી સમજૂતી જ છે. અમે ન્યૂનતમ મુદ્દાઓ ઉપર સામાન્ય સમજૂતી સાધી છે. અમે સાથે રહીને ચૂંટણી લડીશું.'
ઢાકા ટ્રિબ્યુનના રીપોર્ટમાં જણાવ્યું છે કે, જમાત-એ-ઇસ્લામી સાથેના ગઠબંધન અંગે કેટલાક વિદ્યાર્થી નેતાઓને વિરોધ છે. આથી કુલ ૩૦ નેતાઓએ તે અંગે પાર્ટી મોવડી મંડળને પત્ર લખી જમાત-એ-ઇસ્લામી સાથેનાં ગઠબંધનનો વિરોધ કર્યો છે. સાથે પોતાનાં ત્યાગ-પત્રો પણ આપી દીધાં છે. આ અંગે પાર્ટીના ચીફ કોઓર્ડીનેટર તુહીને કહ્યું હતું કે તે ૩૦માંથી ૧૬-૧૭ મનાવી લીધા છે. જોકે તે અંગે કોઈ વિધિવત્ પ્રમાણ મળતું નથી. ટૂંકમાં વિદ્યાર્થીઓની નેશનલ સીટીઝન પાર્ટીમાં ચૂંટણી પહેલાં જ તડાં પડવા શરૂ થઈ ગયા છે.
એક નિરીક્ષકે તો સ્પષ્ટ કહ્યું હતું કે, ત્યાંના કટ્ટરપંથીઓ જ્યારે હિન્દુઓનો વિરોધ કરે છે અને કેટલાક તો હિન્દુઓને દેશમાંથી હાંકી કાઢવાની વાત કરે છે, ત્યારે તેઓ ભૂલી જાય છે કે બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત 'ઓમાર-ઓમાર બંગલા' લખનાર એક હિન્દુ બ્રાહ્મણ (ગુરૂદેવ ટાગોર) હતા.


