Get The App

બાંગ્લાદેશમાં હલચલ : બીમાર ખાલીદાને મળવા ત્રણે સેનાધ્યક્ષો 'એવર કેર' હોસ્પિટલ પર પહોંચ્યા

Updated: Dec 3rd, 2025

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશમાં હલચલ : બીમાર ખાલીદાને મળવા ત્રણે સેનાધ્યક્ષો 'એવર કેર' હોસ્પિટલ પર પહોંચ્યા 1 - image

- ખાલીદા ઝીયાનો પુત્ર તારીક રહેમાન ઢાકા પહોંચશે

- બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીનાં અધ્યક્ષ ખાલીદા ઝીયાની સ્થિતિ ગંભીર છે તેઓને હૃદય, ફેફસાં અને કીડની સહિત અનેક બીમારીઓ છે

ઢાકા : બાંગ્લાદેશનાં પૂર્વ વડાપ્રધાન ખાલીદા ઝીયા અત્યારે ઘણાં જ ગંભીર સ્થિતિમાં છે. તેઓને હાર્ટ, લિવર, ફેફસાં અને કીડનીની બીમારી સહિત અનેક બીમારીઓ થઇ છે. તેઓને એવર કેર હોસ્પિટલમાં વેન્ટીલેટર પર પણ રાખવામાં આવ્યાં હતાં. પછીથી તેઓને સ્પેશ્યલ રૂમમાં રખાયાં છે. જ્યાં તેઓને મળવા આર્મી ચીફ જનરલ વાકર ઉઝ ઝમાન, નેવી ચીફ એડમીરલ મોહમ્મદ નજમુલ હસન અને એર ચીફ માર્શલ હસન મહમૂદ ખાન મંગળવારે રાત્રે ૯ વાગે હોસ્પિટલ પહોંચ્યા હતા અને વીસેક મિનિટ સુધી ખાલીદા ઝીયા પાસે રહ્યા હતા. તેમ બાંગ્લાદેશની સેનાની મીડીયા શાખા ઇન્ટર સર્વિસીઝ પબ્લિક રીવેશન્સ (આઈએસપીઆર) દ્વારા બુધવારે સવારે જણાવવામાં આવ્યું હતું.

બીએનપીની મીડીયા સેલના સભ્ય શેર ઉલ કબીર ખાને જણાવ્યું હતું કે ત્રણે સેનાધ્યક્ષોએ ખાલીદા ઝીયાની સારવારમાં વ્યસ્ત તબીબો સાથે તેમનાં ખાલીદાનાં કુટુમ્બીજનો સાથે પણ વાતચીત કરી હતી. તે પછી જમાત એ ઇસ્લામીના અમીર શફીક ઉર રહેમાન પણ હોસ્પિટલ પર પહોંચ્યા હતા અને ખાલીદાને મળ્યા હતા.

બાંગ્લાદેશ સરકારે તેઓને વીવીઆઈપી જાહેર કરી તેઓની સારવાર તથા સુરક્ષા બંને માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. ઇંગ્લેન્ડથી પણ તબીબોની ટીમ આવી પહોંચી છે.

દરમિયાન ઇંગ્લેન્ડમાં સેલ્ફ એક્સાઇલ (સ્વૈચ્છિક દેશવટો) ભોગવતા ખાલીદા ઝીયાના પુત્ર તારીક રહેમાન ઢાકા પહોંચવા ઇંગ્લેન્ડથી નીકળી ગયા છે. આમ, બાંગ્લાદેશમાં એક સાથે અનેક વિધ ઘટનાઓ બની રહી છે કશું કૈં બનશે તેવી પણ આશંકા ઊંડે ઊંડે પ્રસરી રહી છે.