Get The App

બાંગ્લાદેશે IMF પાસે 4.5 અરબ ડોલરની લોન માગી

Updated: Jul 27th, 2022

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશે IMF પાસે 4.5 અરબ ડોલરની લોન માગી 1 - image

ઢાકા, તા. 27 જુલાઈ 2022 બુધવાર

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં આર્થિક પરિસ્થિતિ બગડતી જઈ રહી છે. બાંગ્લાદેશે આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ (IMF) પાસે 4.5 અરબ ડોલરની લોન માગી છે. આ સંબંધિત બાંગ્લાદેશના નાણાકીય મંત્રી એએચએમ મુસ્તફા કમાલે આઈએમએફને સત્તાકીય રીતે પત્ર લખ્યો છે. રિપોર્ટ અનુસાર આઈએમએફના મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટાલિના જૉર્જીવાને લખેલા આ પત્રમાં કહેવામાં આવ્યુ છે કે દેશની આર્થિક હાલત વચ્ચે વિદેશી વિનિમય અનામતને સ્થિર રાખવા અને બાંગ્લાદેશ પર ક્લાઈમેટ ચેન્જના પ્રભાવોને ઓછા કરવા માટે લોન લેવાની જરૂર છે. 

બાંગ્લાદેશ બેન્કના ડેટા અનુસાર ગયા વર્ષે જુલાઈથી આ વર્ષે મે દરમિયાન બાંગ્લાદેશની આયાત 81.5 અરબ ડોલર રહી જે એક વર્ષ પહેલાની તુલનામાં 39 ટકા વધારે છે. બાંગ્લાદેશનુ ચાલુ ખાતા નુકસાન નાણાકીય વર્ષ 2021-22ના શરૂઆતી 11 મહિનાઓમાં છ ગણાથી વધારે વધીને 17.2 અરબ ડોલર થઈ ગયુ. 

બાંગ્લાદેશની વિદેશી વિનિમય અનામતમાં પણ ખૂબ ઘટાડો જોવા મળ્યો છે. 20 જુલાઈ સુધી બાંગ્લાદેશની વિદેશી વિનિમય અનામત 39.7 અરબ ડોલર છે. બાંગ્લાદેશમાં જૂન મહિનામાં મોંઘવારી દર નવ મહિનાના ઉચ્ચ સ્તરે રહ્યો. આ દરમિયાન મોંઘવારી દર 7.56 ટકા રહ્યો.

નાણા મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓનુ કહેવુ છે કે એ પૂર્ણ સંભાવના છે કે આઈએમએફ પાસેથી મળનારી 4.5 અરબ ડોલરની રકમમાંથી 1.5 અરબ ડોલર પર કોઈ વ્યાજ લાગુ પડશે નહીં અને બાકીની રકમ પર બે ટકાથી ઓછુ વ્યાજ લાગુ થશે. આઈએમએફ પાસેથી આ પ્રકારની વિનંતી કરવાનો અર્થ છે કે બાંગ્લાદેશ તે દેશોની યાદીમાં સામેલ થઈ ગયુ છે, જે દેશની અર્થવ્યવસ્થાને બચાવવા માટે આઈએમએફ પાસેથી લોનની માગણી કરી ચૂક્યુ છે. 

આ મહિનાની શરૂઆતમાં આઈએમએફે પાકિસ્તાનને ચાર અરબ ડોલરનુ પેકેજ આપવા પર સંમતિ વ્યક્ત કરી હતી. આ પેકેજ આગામી વર્ષે પાકિસ્તાનને આપવામાં આવશે. આ સાથે જ તંજાનિયાને 1.05 અરબ ડોલર અને ઘાનાને 1.5 અરબ ડોલરનુ આર્થિક પેકેજ આપવાની સંમતિ વ્યક્ત કરી. રિપોર્ટ અનુસાર આ સંબંધિત બાંગ્લાદેશની આઈએમએફ સાથે સપ્ટેમ્બરમાં બેઠક થઈ શકે છે જે દરમિયાન લોનને મુદ્દે શરતોને અંતિમ રૂપ આપવામાં આવશે. અધિકારીઓનુ કહેવુ છે કે આ વર્ષે ડિસેમ્બર સુધી બંને પક્ષો વચ્ચે આ ડીલને લોકઈન કરીને જાન્યુઆરીમાં આઈએમએફની બોર્ડ મીટિંગ સમક્ષ રજૂ કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છેકે સામાન્ય રીતે આઈએમએફ દ્વારા મળનારી લોન સાથે જોડાયેલી શરતો ખૂબ આકરી હોય છે. જેનુ પાલન ન કરવા પર ગંભીર દંડ ભોગવવો પડી શકે છે. ભારતના બે અન્ય પાડોશી દેશો પાકિસ્તાન અને શ્રીલંકાની આર્થિક હાલત કોઈનાથી છુપી નથી. શ્રીલંકામાં હાલત એટલી ખરાબ થઈ ગઈ કે લોકોને રસ્તા પર ઉતરવુ પડ્યુ. રાષ્ટ્રપતિએ દેશ છોડીને કોઈ અન્ય દેશમાં આશરો લેવો પડ્યો. પાકિસ્તાનનો સરકારી ખજાનો લગભગ ખાલી થઈ ગયો છે, ત્યાં મોંઘવારી આસમાને પહોંચી છે અને પાકિસ્તાની રૂપિયો નીચલા સ્તરે પટકાઈ રહ્યો છે.