બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીનાનાં પુત્રી, સૈમા વાઝેદ WHOના દ. પૂ. એશિયાનાં ડિરેકટર પદે નિયુક્ત થયા
- સૈમા વાઝેદ 11 દેશોમાં આંતરરાષ્ટ્રીય આરોગ્ય વ્યવસ્થા સંભાળી લેશે : જે 2 અબજ લોકોને આવરી લેશે
જીનીવા : બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીનાનાં પુત્રી સૈમા વાઝેદ વ્હુ નાં દક્ષિણ પૂર્વ એશિયા માટેના ડિરેકટર પદે નિયુકત થયા છે. આ પદ ઉપર પહોંચનારા તેઓ બાંગ્લાદેશના પહેલા મહિલા હશે અને તે પદ હજી સુધીમાં સંભાળનારા તેઓ બીજા મહિલા બની રહેશે.
તેઓએ ગુરુવારે તેઓનાં પદનો કાર્યભાર સંભાળી લીધો છે.
તેઓનાં નામની દરખાસ્ત ઘણા દેશોએ કરી હતી. તેથી વ્હુ ની દક્ષિણ પૂર્વ એશિયા માટેની પ્રાદેશિક સમિતીએ તેની નવેમ્બર ૧, ૨૦૨૩ની બેઠકમાં સ્વીકૃતિ આપી હતી.
આ પદ સંભાળ્યા પછી તેઓ ઉપર દક્ષિણ પૂર્વ એશિયાના ૧૧ દેશોમાં વસતા આશરે ૨ અબજ લોકોનાં આરોગ્ય સાચવવાનો બોજો પડવાનો છે.
આ નિયુક્તિ પછી પોતાનું દર્શન જણાવાતાં તેઓએ કહ્યું હતું કે, મારૂ ધ્યેય સભ્ય દેશોને મજબૂત કરવાનું રહેશે.
સૈમા વાઝેદ તેવે સમયે આ ગંભીર જવાબદારી ઊઠાવવાના છે કે જયારે વિશ્વ અનેક વિધ મુશ્કેલીઓથી ઘેરાઈ ગયું છે
પોતાનું પદ સંભાળ્યા પછી તેઓએ કહ્યું હતું કે તેઓની સર્વોચ્ચ પ્રાથમિકતા માનસિક આરોગ્યની અને માનસિક સ્વાસ્થ્યની રહેશે. કારણ કે તે વિભાગ વર્ષોથી ઉપેક્ષિત જ રહ્યો છે. તે ઉપરાંત તેઓ મહિલાઓ અને બાળકોનાં આરોગ્ય ઉપર વધુ લક્ષ્ય કેન્દ્રિત કરનાર છે.
તેઓએ આરોગ્ય જાળવવા માટે સૌથી મહત્વની વાત તે કહી હતી કે, સ્વસ્થ જીવન માટે આપણે આપણી જીવન પદ્ધતિ જ બદલવાની જરૂર છે. તેમજ મહામારી અંગે સતત જાગૃત રહેવું તે પણ અનિવાર્ય છે.