Bangladesh News : બાંગ્લાદેશમાં સત્તા- પરિવર્તન પછી તેના દેશની આર્થિક સ્થિતિ અત્યંત બેહાલ થઈ ગઈ છે. ગરીબીમાં પીસાતા બાંગ્લાદેશને હવે કરજ લેવું પડે તેમ છે પરંતુ ઠેકઠેકાણેથી તેને જાકારો મળી રહ્યો છે. ઠેર- ઠેર ઠોકરો ખાય છે, મદદ મળતી નથી. તાજેતરમાં તેણે આઇ.એમ.એફ. પાસેથી 4.7 બિલિયન ડોલરની સહાય માગી જે હપ્તે હપ્તે આપવા આઇ.એમ.એફ. તૈયાર થયું પરંતુ ચોથા અને પાંચમા હપ્તા પહેલા જ તેણે 4 મુખ્ય શર્તો પૂરી કરવા કહ્યું તે પરિસ્થિતિમાં હવે તેને કરજ (લોન) લેવામાં મુશ્કેલી ઉભી થાય તેમ છે.
આ ચાર શર્તો પૈકી સૌથી મહત્ત્વપૂર્ણ શર્ત, મહેસુલ તેમજ ટેક્સેસનની આવક વધારવાની છે. તેણે બજાર પર આધારિત નહી તેવો ગણતરી બહારનો વિનિમય દર પાટા પર ચઢાવવા, તથા બેફામ આપવી પડતી સબ્સીડી રોકવા તથા બેન્કિંગ ક્ષેત્રમાં ચાલી રહેલી ગેરરીતિઓ અને તે ક્ષેત્રની તદ્દન નબળી કાર્યવાહી સુધારવા તાકીદ કરી છે.
આ પગલાઓનો અમલ બરોબર થાય છે કે કેમ તે જોવા માટે આઠ દિવસથી આઇ.એમ.એફ.ની ટીમના વરિષ્ઠ અધિકારીઓ ઢાકામાં પડાવ નાખી પડયા છે પરંતુ હજી લોનનો બીજો ભાગ મંજૂર કર્યો નથી. સવાલ તે ઉપસ્થિત થાય છે કે, હવે મોહમ્મદ યુનુસ કરશે શું ?
પંદર દિવસથી ઢાકામાં પડાવ નાખી રહેલા આઇ.એમ.એફ. પ્રતિનિધિ મંડળ દ્વારા એક બ્રિફિંગ દરમિયાન આ મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આ સાથે તેઓએ હવે પછીના હપ્તાઓ નિયમિત આપવા વિષે કશું જ કહ્યું ન હતું. માત્ર તેટલું જ કહ્યું હતું કે, તે અંગે ચર્ચા ચાલે છે. જો બાંગ્લાદેશની સરકાર અમોએ સૂચવેલા માર્ગો પ્રમાણે ચાલે છે તેની ખાતરી થઈ જશે તો જૂનના અંત સુધીમાં થોડી રકમ અપાશે.
બાંગ્લાદેશની સેન્ટ્રલ બેંકના એક ખંડમાં આયોજિત પત્રકાર પરિષદમાં આઇ.એમ.એફ.ના સંશોધન વિભાગના વિકાસ માઇક્રોનોમિક્સ પેટા વિભાગના ચીફ ક્રીસ અપાગે ઓર્ગિયોએ બીજા પ્રતિનિધિ મંડળના ૧૬ સભ્યો સાથે ભાગ લીધો છે.
આઇ.એમ.એફ.ના અધિકારીઓએ ૬ એપ્રિલથી બાંગ્લાદેશના નાણાંકીય સલાહકાર સાલેહુદ્દીન અહમદ સહિત સરકારના જુદા જુદા અધિકારીઓ સાથે બેઠક કરી હતી છતાં કોઈ નિર્ણય જાહેર કર્યો ન હતો. ૨૧થી ૨૬ એપ્રિલે વૉશિંગ્ટન ડીસીમાં આઇ.એમ.એફ અને વર્લ્ડ બેન્કની સ્પ્રિંગ મિટિંગમાં આગળ ચર્ચા કરવા કહ્યું હતું. ટૂંકમાં અત્યારે તો બાંગ્લાદેશને લોન આપવાનું આઇ.એમ.એફે. ટાળ્યું જ છે.


