World

બાંગ્લાદેશ ભડકે બળે છે : બંગ-બંધુ મુજીબરનું ઘર સળગાવાયુ : અખબારોની ઓફીસોને આગ લગાડાઈ

By GS TEAM
19 Dec 20252 mins read
બાંગ્લાદેશ ભડકે બળે છે : બંગ-બંધુ મુજીબરનું ઘર સળગાવાયુ : અખબારોની ઓફીસોને આગ લગાડાઈ

- કટ્ટરપંથીઓનો કાળો કેર

- કટ્ટરપંથી યુવા નેતા શરીફ ઉસ્માન હાદીના નિધનના સમાચારો મળતાં ઢાકા સહિત અનેક શહેરોમાં વ્યાપક હિંસાચાર, આગજની ને મૃત્યુ થયા

ઢાકા : બાંગ્લાદેશમાંથી આવતી હિંસાની તસવીરો ભયાવહ છે. કટ્ટરપંથી જૂથ ઇકીવાબ મંચના પ્રવકતા અને વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીના સિંગાપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં સમગ્ર દેશમાં હિંસા અને આગજનીનો મૃત્યુ નાચ થઈ રહ્યો છે. કટ્ટરપંથીઓએ બંગબંધુ શેખ મુજીબર ઉર રહેમાનના પૈતૃક ગૃહને આગ લગાડી દીધી હતી. તે ઉપરાંત કેટલાએ મીડીયા આઉટલેટને નિશાન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, છ-છ દિવસ સુધી મોત સામે લડત આપી વિદ્યાર્થી નેતા હાદીનું સિંગાપુરમાં સારવાર દરમિયાન ગુરુવારે રાત્રે મૃત્યુના સમાચારો વીજળી વેગે પ્રસરતા થોડા જ સમયમાં ઢાકાની કારવા બજારમાં આવેલા ધી ડેઈલી સ્ટારના મકાનને કટ્ટરપંથીઓએ આગ લગાડી દીધી હતી. લાયબંબાઓની છ-છ ગાડીઓએ માંડ આગ રોકી ત્યાં સુધીમાં તો બધુ બળીને ભસ્મ થઈ ગયું હતું. આગ લાગી ત્યારે બિલ્ડીંગમાં કેટલાએ પત્રકારો હતા. અન્ય કર્મચારીઓ પણ હતા, તે બધા તે મકાનમાં જ ફસાઈ રહ્યા હતા.

બીજી તરફ ઝનૂને ચઢેલા કટ્ટરપંથીઓએ શાહબાગથી રાજધાનીના કવરાન બાજાર તરફ કૂટ કરી બંગાળી ભાષાના અખબાર પ્રોથોન-આલોના મકાનને ઘેરી લીધુ. દેખાવકારોએ નારા લગાવવા શરૂ કર્યા, પોલીસે દેખાવકારોને શાંત કરવા પ્રયત્નો કર્યા પરંતુ સ્થિતિ કાબુમાં લાવવામાં નિષ્ફળ રહી.

આ હુમલો ગુરુવારે મધરાતે શરૂ થયો, તોફાનીઓ લાઠી દંડા લઈ કાર્યાલયમાં ઘૂસી ગયા અને તોડફોડ કરી. ઘણી બધી બારીઓના કાચ તોડી નાખ્યા. મહત્વના દસ્તાવેજો અને ફર્નીચર સડક પર મુકી આગ લગાડી.

ગુરુવારની મોડી રાત્રે પણ તોફાનો ચાલુ રહ્યા. ઢાકા સ્થિત સાંસ્કૃતિક ભવનના સંગીત વિદ્યાલય છાયા-નૌન સાંસ્કૃતિક ભવનમાં તોડફોડ કરી આગ લગાડી. આ ભવન સંગીત, નૃત્ય વગેરે શીખવાડવા માટે વિખ્યાત છે. પ્રથોન-એલોની એક પત્રકારે કહ્યું હતું કે, તે ભવનમાં હજી કેટલાએ પત્રકારો અંદર ફસાયેલા છે.

આ કટ્ટરપંથી રમખાણકારોએ લાઠી તથા અન્ય ઘાતક શસ્ત્રો સાથે ઢાકાને બાનમાં લીધું હતું. તેમણે આવામી લીગના કાર્યકરોના ઘરો ને પણ આગ લગાડી હતી. ટૂંકમાં બાંગ્લાદેશમાં મૃત્યુ નાચ શરૂ થઈ ગયો છે.

ચિત્તગોંગમાં રમખાણકારોએ ભારતીય દૂતાવાસને ઘેરી ભારત વિરોધી નારાઓ લગાડયા હતા. તે ઉપરાંત ઐમાનસિંઘ જિલ્લા સ્થિત ભાલુકા ઉતજિલ્લાલમાં આવેલી તૈયાર કપડા બનાવતી ફેકટરીમાં કામ કરતા દીપુ ચંદ્ર દાસ નામક એક વ્યકિતને કટ્ટરપંથીઓએ ઇસ્લામ ધર્મ વિરૂધ્ધ ટીકા કરવાના કહેવાતા આક્ષેપ અનુસાર, તેને ફેકટરીમાંથી બહાર ખેંચી જન સામાન્યના દેખતાં જ, ઝાડની ડાળ સાથે બાંધેલા દોરડાનો ગાળીઓ ગળામાં નાખી 'ફાંસી' આપી દીધી હતી. તે પૂર્વે તેને બેસુમાર ઢોર માર મારવામાં આવ્યો હતો. તેને મારી મારીને અધમુઓ કરી ફાંસીએ લટકાવ્યો. હજી તેનો જીવ ગયો નહીં તેથી ઇસ્લામિક કટ્ટરપંથીઓએ તેને જીવતો જ સળગાવી દીધો. આ બધી કાર્યવાહી પોલીસ જોતી રહી.