બાંગ્લાદેશ : હિન્દુ સ્વાતંત્ર્ય સેનાની અને તેમનાં પત્નીની ગળા કાપી નૃશંસ હત્યા

- બાંગ્લાદેશમાં લઘુમતિઓ ઉપર વારંવાર હુમલા થાય છે
- 'અવામી લીગ' નેતા મોહમ્મદ અલી અરાફતે કહ્યું : 'યુનુસના 'છત્ર' નીચે સ્વાતંત્ર્ય વિરોધી જમાતે-ઇસ્લામી જેવા કટ્ટરવાદી જૂથો ફૂલી-ફાલી રહ્યા છે'
રંગપુર : ૧૯૭૧ના બાંગ્લાદેશ સ્વાતંત્ર્ય સેનાની જોગેશચંદ્ર રૉય અને તેઓના પત્ની સુલોમા રૉયના ગળા ઉપર છરી ફેરવી ધોરી-નસ કાપી તેઓની હત્યા કરવામાં આવી હતી. રવિવારે સવારે તેઓ મોડે સુધી ઘરની બહાર નીકળ્યા નહીં તેથી પાડોશીઓએ બારણા ખખડાવ્યા પરંતુ અંદરથી જવાબ ન મળતાં પાડોશીઓએ પોલીસ અને પંચની હાજરીમાં બારણા તોડાવી અંદર ગયા ત્યોરે જોગેશચંદ્ર રૉય અને તેઓના ૬૦ વર્ષના પત્ની બંનેને મૃત હાલતમાં પડેલા જોયા હતાં. વાસ્તવમાં તેઓને ત્યાં ઘરકામ કરતો નોકર પહેલા પહોંચ્યો હતો તેણે બારણું ખખડાવતા કોઈ જવાબ નહીં મળતા પાડોશીઓને બોલાવ્યા હતા. તેઓએ બારણા તોડાવ્યાં.
બાંગ્લાદેશમાં પાકિસ્તાન પ્રેરિત, આતંકવાદીઓએ જુલાઈ-ઑગસ્ટમાં વ્યાપક રમખાણો કરતા તે સમયના વડંાપ્રધાન શેખ હસીનાએ ત્યાગપત્ર આપી ભારતમાં રાજ્યાશ્રય લીધા પછી મોહમ્મદ યુનુસના માર્ગદર્શન નીચે રચાયેલી સરકારમાં હિન્દૂ, શીખ, ખ્રીસ્તી, બૌદ્ધ અને યહુદી લઘુમતીઓ ઉપર વારંવાર હુમલા થતા રહ્યા છે અને અનેક લઘુમતી- સભ્યોની તેમાંયે વિશેષત: હિન્દુઓની હત્યાઓની પરંપરા જ શરૂ થઈ ગઈ છે. આઘાતજનક વાત તે છે કે, પોલીસ કે અર્ધલશ્કરી દળો કોઈ આ લઘુમતી સભ્યોને બચાવવા સાચા અર્થમાં પ્રયત્નો કરતા જ નથી. લઘુમતિઓના માનવ અધિકાર જૂથો આ અંગે ફરિયાદો કરે છે પરંતુ, કોઈ સાંભળનાર નથી.
આ સંજોગોમાં શેખ હસીનાના પિતાશ્રી શેખ મુજબીર-ઉર-રહેમાને સ્થાપેલી અવામી લીગના એક સભ્ય મોહમ્મદ અલી આરાફતે કહ્યું હતું કે, 'યુનુસના છત્ર નીચે પાકિસ્તન તરફી અને સ્વાતંત્ર્ય વિરોધી જમાતે ઇસ્લામી જેવા કટ્ટરવાદી જૂથો ફૂલી-ફાલી રહ્યા છે તેઓ લઘુમતી સભ્યોને નિશાન બનાવી રહ્યા છે.
મોહમ્મદ અલી આરાફત પોતે પણ અત્યારે સ્વૈચ્છિક દેશવટો ભોગવી રહ્યા છે.'
આશ્ચર્ય તો એ છે કે જોગેશચંદ્ર રૉય અને તેમનાં પત્નીના બંને પુત્રો અત્યારે બાંગ્લાદેશ પોલીસમાં છે.








