- ભારત-બાંગ્લાદેશ વચ્ચે વધતી તંગદિલી સંદર્ભે આ કાર્યવાહી અનેક પ્રશ્નો ઉપસ્થિત કરે છે : બાંગ્લાદેશ સ્થિત પોતાના દૂતાવાસ અંગે ભારત પણ સચિંત
ઢાકા : ભારત સ્થિત બાંગ્લાદેશના હાઈ કમિશ્નર એમ. રીયાઝ હમીદુલ્લાને સોમવારે સાંજે એકાએક ઢાકા બોલાવવામાં આવ્યા છે તે માટે તેઓને અર્જન્ટ કોલ કરાતાં રાતોરાત વિમાન દ્વારા ઢાકા પહોંચી ગયા છે. આ માહિતી આપતાં બાંગ્લા વર્તમાનપત્ર પ્રોથોલ આલો જણાવે છે કે, ભારત-બાંગ્લાદેશ વચ્ચે વધી રહેલી તંગદિલીની દ્રષ્ટિએ રાજદૂતને અચાનક જ પાટનગર બોલાવવામાં આવ્યા છે. તેથી અનેકવિધ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. બાંગ્લાદેશ વિદેશ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે તંગ બની રહેલા સંબંધોની દ્રષ્ટિએ બાંગ્લાદેશ ભારત સાથે મહત્વના મુદ્દાઓ ઉઠાવવાનું છે. જોકે ક્યા ચોક્કસ મુદ્દાઓ ઉઠાવવામાં આવશે તે જણાવવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે ઢાકા સ્થિત ભારતના દૂતાવાસ તેમજ અન્ય શહેરોમાં રહેલા ભારતના ઉપદૂતાવાસોની સલામતી અંગે ચર્ચા કરવા ભારતીય વિદેશ મંત્રાલયે હમીદુલ્લાહને બોલાવ્યા હતા અને દૂતાવાસોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય તે પણ છે કે, બાંગ્લાદેશનાં પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાને સોંપવા બાંગ્લાદેશ સરકારે ભારતને વારંવાર જણાવ્યું હતું, પરંતુ ભારતે બાંગ્લાદેશમાં પ્રવર્તતી અશાંતિ અને અસ્થિરતા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, તમારે દેશમાં શાંતિ સ્થાપવામાં કે અન્ય કોઈપણ બાબતમાં સહાય જોઈએ તો ભારત સહાય કરવા તૈયાર જ છે. આમ શેખ હસીનાનાં પ્રત્યાર્પણનો ઉલ્લેખ પણ કરાયો ન હતો અને શેખ હસીનાનું નામ પણ લેવામાં આવ્યું ન હતું.
ભારત બાંગ્લાદેશ વચ્ચે સંબંધોતો તંગદિલીભર્યા છે જ તેવા છેલ્લાં કેટલાએ સપ્તાહોથી લઘુમતિઓ વિશેષ: હિન્દુઓ ઉપર થતાં હુમલા તેમજ દીપુ ચંદ્રદાસની મૈમાનસિંહ જિલ્લામાં કરાયેલી ક્રૂર હત્યા અને તે પછી બીજા હિન્દુની પણ કરાયેલી ક્રૂર હત્યાને લીધે બંને દેશો વચ્ચેના સંબંધો અત્યંત ખટાશભર્યા બની રહ્યા છે, ત્યારે રાજદૂતને અચાનક ઢાકા બોલાવવાના યુનુસ સરકારનાં પગલાંએ અનેક તર્કો ઉભા કર્યા છે.


