Get The App

જતા-જતા યુનુસ કરી ગયા કાંડ! ભારતનો 960 કરોડનો પ્રોજેક્ટ રદ કરી આપ્યો મોટો ઝટકો

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
જતા-જતા યુનુસ કરી ગયા કાંડ!  ભારતનો 960 કરોડનો પ્રોજેક્ટ રદ કરી આપ્યો મોટો ઝટકો 1 - image


India vs Ban News : બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારત સાથેના સંબંધોમાં સતત ખટરાસ જોવા મળી રહી છે. મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકારે ભારતનો એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ રદ કરીને ભારતને મોટો આર્થિક અને વ્યૂહાત્મક ફટકો માર્યો છે.

યુનુસ સરકારનો ભારત વિરોધી નિર્ણય

બાંગ્લાદેશમાં આગામી ચૂંટણીઓની જાહેરાત સાથે જ મોહમ્મદ યુનુસની વિદાય નક્કી થઈ ગઈ છે, પરંતુ સત્તા છોડતા પહેલા તેમણે ભારત સામે દુશ્મનાવટ કાઢવાનું કામ કર્યું છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે ચટગાંવના મીરસરાઈમાં પ્રસ્તાવિત ‘ઈન્ડિયન ઇકોનોમિક ઝોન’ (Indian Economic Zone) ને સંપૂર્ણપણે રદ કરી દીધો છે. આ પ્રોજેક્ટ માટે ભારતે કરોડો રૂપિયાની ક્રેડિટ લાઇન મંજૂર કરી હતી, જે હવે અભરાઈએ ચડી ગઈ છે.

ફેક્ટરીઓની જગ્યાએ હવે દારૂગોળાનું નિર્માણ

ઢાકામાં આર્થિક ક્ષેત્ર સત્તામંડળ (BEZA) ની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, જે જમીન પર ભારતની ટાટા અને અદાણી જેવી મોટી કંપનીઓ ફેક્ટરીઓ સ્થાપવાની હતી, હવે ત્યાં બાંગ્લાદેશ સરકાર ‘ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક’ બનાવશે. BEZA ના કાર્યકારી અધ્યક્ષ ચૌધરી આશિક મહમૂદ બિન હારૂને સ્પષ્ટ કર્યું કે હવે આ વિશાળ જમીન પર ભારતનો આર્થિક ઝોન નહીં, પરંતુ યુદ્ધ માટેના સાધનો અને ગોળા-બારૂદ બનાવવામાં આવશે.

બાંગ્લાદેશનો વિચિત્ર તર્ક

આ પ્રોજેક્ટ રદ કરવા પાછળ બાંગ્લાદેશ સરકારે એવો તર્ક આપ્યો છે કે દુનિયામાં અત્યારે જે રીતે યુદ્ધો ચાલી રહ્યા છે, તે જોતા દેશે આધુનિક ફાઇટર જેટ્સ કરતા પાયાના હથિયારો અને દારૂગોળાના ઉત્પાદનમાં સ્વનિર્ભર થવાની જરૂર છે. તેમણે કહ્યું કે વિદેશી રોકાણ કરતા અત્યારે દેશની રક્ષા માટે હથિયારો બનાવવા વધુ જરૂરી છે. જોકે, નિષ્ણાતો આ નિર્ણયને ભારત સાથેના સંબંધો તોડવાની ચાલ ગણાવી રહ્યા છે.

ભારત માટે કેમ મહત્વનો હતો આ પ્રોજેક્ટ?

મીરસરાઈનો આ પ્રોજેક્ટ ભારતીય રોકાણકારો માટે બાંગ્લાદેશમાં પ્રવેશવાનું મોટું દ્વાર ગણાતું હતું.

રોકાણ: ભારતે આ પ્રોજેક્ટ માટે આશરે 960 કરોડ રૂપિયા ($115 મિલિયન) ની લોન (LoC) મંજૂર કરી હતી.

વ્યૂહાત્મક મહત્વ: આનાથી બાંગ્લાદેશમાં રોજગારી વધત અને ભારતના પૂર્વોત્તર રાજ્યો (North East) માટે વેપારના નવા રસ્તા ખુલત.

1000 એકર જમીન પર ભારતીય ઉદ્યોગો સ્થાપવાની યોજના શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન બની હતી, જેને હવે કચરાપેટીમાં નાખી દેવામાં આવી છે.