બાંગ્લાદેશ એરફોર્સ જેટ ઢાકામાં સ્કૂલ ઉપર તૂટી પડયું : 1નું મોત : 100થી વધુને ઇજા

- ચીની બનાવટનું F/7 જેટ મ્યાનમારમાં પણ તૂટી પડયું હતું
- ઢાકાના ઉત્તરના વિસ્તારમાં આવેલી શાળા અને કોલેજ બિલ્ડિંગો બંને સાથે તેની પાંખો અથડાઈ, અફરાતફરી મચી
ઢાકા : બાંગ્લાદેશ એરફોર્સનું ટ્રેઇનિંગ એર ક્રાફટ ઢાકાના ઉત્તરના વિસ્તારમાં આવેલી એક સ્કૂલ અને કોલેજ સાથે પાંખો ભટકાતા તૂટી પડયું હતું. તેથી ૧નું મૃત્યુ થયું હતું. જયારે ૧૦૦ થી વધુને ઇજાઓ થઈ હતી. ચીનની બનાવટનું એફ-૭ જેટ ઉત્તરે આવેલી માઇલ સ્ટોન સ્કૂલ અને કોલેજ ઉપર સોમવારે સવારે તૂટી પડતાં શાળાને સૌથી વધુ નુકસાન થયું હતું અને ગભરાઈ ગયેલા બાળકો શાળાની અંદર જ પૂરાઈ રહ્યા હતા.
વિમાન તૂટી પડયું ત્યારે શાળા અને કોલેજમાં વર્ગો ચાલતા હતા. આ દુર્ઘટના અંગેના ટેલિવિઝન ફૂટેજ ઉપરથી જાણવા મળે છે કે આ અકસ્માત પછી ઘટના સ્થળેથી કાળા-ધૂમાડાના ગોટા નીકળતા જોવા મળ્યા હતા.
આ દુર્ઘટના પછી બચાવ કર્મીઓ તુર્ત જ તે સ્થળે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જતા એમ્બ્યુલન્સો બોલાવી હતી. પરંતુ એમ્બ્યુલન્સો પણ ઓછી પડતાં ઇજાગ્રસ્તોને ઓટો રીક્ષામાં બેસાડી હોસ્પિટલ લઈ જવા પડયા હતા.
બાંગ્લાદેશ એરફોર્સે આ દુર્ઘટના થઈ હોવાનું સ્વીકાર્યું છે, પરંતુ તેનું કારણ જણાવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે ચીની બનાવટનું એફ ૭ પ્રકારનું એક યુદ્ધ વિમાન થોડા સમય પૂર્વે જ મ્યાનમારમાં પણ તુટી પડયું હતું.









