Get The App

બલૂચિસ્તાનના ઓઈલ ભંડારો પાક.ના નથી : બલોચ નેતાની ટ્રમ્પને ચેતવણી

Updated: Aug 3rd, 2025

GS TEAM

Google News
Google News
બલૂચિસ્તાનના ઓઈલ ભંડારો પાક.ના નથી : બલોચ નેતાની ટ્રમ્પને ચેતવણી 1 - image


- પાકિસ્તાનમાં ક્રૂડના કોઈ ભંડાર નથી, મુનીરે ગેરમાર્ગે દોર્યા : બલોચ નેતા

- સ્થાનિક લોકોની મંજૂરી વિના પાકિસ્તાન સહિત કોઈ દેશને આ સંશાધનો વાપરવાનો કોઈ અધિકાર નથી

ક્વેટા: ભારત સાથે વેપાર સોદાની વાટાઘાટો વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનમાં ઓઈલ ભંડારો હોવાનો દાવો કરી આ ઓઈલ ભંડારો વિકસાવવા માટે પાકિસ્તાન સાથે સોદો કરવાની જાહેરાત કરીને દુનિયાને આંચકો આપ્યો હતો. જોકે, અમેરિકા અને પાકિસ્તાનના ઓઈલ કરારોથી ઉશ્કેરાયેલા બલોચ નેતાઓએ ટ્રમ્પને સીધી ચેતવણી આપી છે અને કહ્યું છે કે આ ઓઈલ ભંડારો પાકિસ્તાનના પંજાબ નહીં પરંતુ રિપબ્લિક ઓફ બલૂચિસ્તાનમાં આવેલા છે. સ્થાનિક જનતાની મંજૂરી વિના તમે અહીં કામ નહીં કરી શકો.

આતંકી સંગઠનોની સંરક્ષક આઈએસઆઈ બલૂચિસ્તાનની ખનીજ સંપત્તિ દુનિયામાં આતંકવાદ ફેલાવવા વાપરશે ઃ મીર યાર

બલુચીસ્તાનમાંથી ક્રૂડ ઓઈલ કાઢવા માટે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે સોદા થતા બલુચ નેતાઓ ઉશ્કેરાઇ ગયા છે. તેમણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સીધી ચેતવણી આપતાં કહ્યું છે કે પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીરે તમોને ગેરમાર્ગે દોર્યા છે. આ ક્ષેત્રના તમામ પ્રાકૃતિક સંસાધનો પાકિસ્તાનનાં નથી, પરંતુ એક સ્વતંત્ર રાષ્ટ્ર બલુચીસ્તાનનાં છે. જોકે, આ વિસ્તાર પર પાકિસ્તાને ૧૯૪૮થી ગેરકાયદે રીતે કબજો કરેલો છે. 

આ સાથે બલોચ નેતા મીર યારે કહ્યું કે આ ક્ષેત્ર વેચાઉ નથી. તેનાં સંસાધનોના દોહનનો કોઈ અન્ય દેશ, ચીન કે ખુદ પાકિસ્તાનને પણ કોઈ અધિકાર નથી. કોઈ પણ સ્થિતિમાં અમે તેનું દોહન કરવાનું સ્વીકારી શકીએ નહીં. પાકિસ્તાનની સેના અને તેની જાસૂસી સંસ્થા આઈએસઆઈ આતંકી સંગઠનોના સંરક્ષક છે. તેઓ બલૂચિસ્તાનની ખનીજ સંપત્તિનો ઉપયોગ સ્થાનિક જનતાના લાભ માટે નહીં પરંતુ દુનિયામાં આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે કરશે, જે વૈશ્વિક સુરક્ષા માટે ગંભીર જોખમ છે.

સોશ્યલ મીડીયા પર ટ્રમ્પને લખેલા એક ખુલ્લા પત્રમાં મીર યારે આસીમ મુનીરને પણ નિશાન ઉપર લીધા હતા. તેમણે ટ્રમ્પને સંબોધિત કરેલા પત્રમાં લખ્યું હતું કે આ ક્ષેત્રમાં વિશાળ ક્રૂડ ઓઈલ ભંડારો અને ખનિજ ભંડારો અંગે આપને (ટ્રમ્પને) ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. હું આપને અને આપનાં વહીવટી તંત્રને જણાવવા માગું છું કે પાકિસ્તાનનાં સૈન્યના અધિકારીઓ અને જનરલ આસીમ મુનીરે આપને અહીંની ભૂગોળ વિષે જે માહિતી આપી છે, તે પૂરેપૂરી ખોટી છે. આપને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે.

મીર યારે પાકિસ્તાનનાં સૈન્યને આડે હાથે લેતાં લખ્યું કે આ ક્ષેત્ર પાકિસ્તાનની મૂળ જમીન એટલે કે પંજાબમાં નથી આવ્યું, પરંતુ બલુચીસ્તાન ગણરાજ્યનો ભાગ છે. આ વિસ્તારમાં ક્રૂડ ઓઈલ, પ્રાકૃતિક ગેસ, ત્રાંબું, લિથિયમ અને યુરેનિયમ જેવાં દુર્લભ ખનીજોનો ભંડાર છે, પરંતુ તે પંજાબનો ભાગ નથી. તે બલુચિસ્તાનનાં છે. જે ઐતિહાસિક રીતે પણ એક સાર્વભૌમ અને સ્વતંત્ર રાષ્ટ્ર છે. જેના ઉપર પાકિસ્તાને ગેરકાયદે કબ્જો જમાવ્યો છે. આ ખનીજ સંશાધનો પાકિસ્તાનનાં છે, તે દાવો જ ખોટો છે. 

બલોચ નેતાએ ઉમેર્યું કે, પાકિસ્તાન રાજકીય અને આર્થિક લાભ માટે આવો દાવો કરે છે. પરંતુ સ્થાનિક લોકોની મંજૂરી વિના આ સંશાધનોના વપરાશની મંજૂરી કોઈને નહીં મળે. આ પત્ર એવા સમેય આવ્યો છે કે જ્યારે ટ્રમ્પ ભારત ઉપર દબાણ કરવાની રાજ રમત ખેલતાં પાકિસ્તાન સાથે તેલ અંગે વ્યાપારી સોદો કર્યો છે.

Tags :