Get The App

બલુચિસ્તાન હવે પાક.નો હિસ્સો નથી : બલોચ નેતાઓનું એલાન

Updated: May 15th, 2025

GS TEAM


Google News
Google News
બલુચિસ્તાન હવે પાક.નો હિસ્સો નથી : બલોચ નેતાઓનું એલાન 1 - image


- ભારત સહિતના વિશ્વભરના દેશોને પાકિસ્તાનના કબજામાંથી બલુચિસ્તાનને છોડાવવા ગુહાર

- જો પાકિસ્તાન અમને આઝાદ નહીં કરે તો 1971માં 93 હજાર સૈનિકોએ સરેન્ડર કર્યું તેવા હાલ થશે : બલોચ નેતાઓની ચીમકી

- અમે બલુચિસ્તાની છીએ, અમને પાકિસ્તાની કહેવાનું બંધ કરો, જે લોકોએ નરસંહારનો સામનો નથી કર્યો તેઓ પાકિસ્તાની છે

- બલુચિસ્તાન આર્મીએ પાક.ના પંજાબના ચાર ટ્રક ડ્રાઇવરોની અપહરણ બાદ હત્યા કરી સૈન્ય પર દબાણ વધાર્યું

ક્વેટા : ભારતે પાકિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ શરૂ કરેલા ઓપરેશન સિંદૂરને પગલે હવે પાક.ના કબજાવાળા પીઓકેમાં આઝાદીની ચળવળ વધુ ઉગ્ર બની રહી છે. પાકિસ્તાની સરકાર અને સૈન્યના અત્યાચારોનો ભોગ બનેલા બલુચિસ્તાનને સ્થાનિક નેતાઓ અને જનતાએ સ્વતંત્ર જાહેર કરી દીધુ છે. આ ઉપરાંત પાક. સામેની આ લડાઇમાં ભારત ઉપરાંત વિશ્વભરના દેશોની મદદ પણ માગી છે. બલુચિસ્તાનના નેતા મીર યાર બલોચે બુધવારે સત્તાવાર રીતે બલુચિસ્તાનની આઝાદીની ઘોષણા કરી દીધી હતી. સાથે જ તેમણે પાક.ને ચેતવણી આપતા કહ્યું હતું કે જો અમને કબજામાંથી મૂક્ત ના કર્યા તો ૧૯૭૧માં જેવા હાલ થયા હતા તેનો સામનો કરવો પડશે.

બલુચિસ્તાનના ટોચના નેતા મીર યાર બલોચે એક્સ (ટ્વિટર) પર એક પોસ્ટમાં આ જાહેરાત કરી હતી સાથે જ તેમણે ભાવુક અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે તમે મરશો પણ અમે ઘરોની બહાર નીકળીશું, કેમ કે અમે આ પેઢીને બચાવવા માટે નીકળ્યા છીએ. આઓ અમારો સાથ આપો. પાકિસ્તાનના કબજા હેઠળના બલુચિસ્તાનમાં નાગરિકો રસ્તા પર ઉતરી ગયા છે અને હવે નવો નિર્ણય લીધો છે કે બલુચિસ્તાન હવે પાકિસ્તાનનો હિસ્સો નથી, વિશ્વ હવે મૂકદર્શક બનીને ના રહી શકે. બલુચિસ્તાનના નેતાએ વધુમાં ભારતીય લોકોને અપીલ કરતા કહ્યું હતું કે અમને પાકિસ્તાનના લોકો ના કહેશો, અમે બલુચિસ્તાની છીએ, પાકિસ્તાની નથી. એવા લોકો પાકિસ્તાની છે કે જેમણે ક્યારેય હવાઇ બોમ્બમારો, બળજબરીથી ગાયબ કરી દેવાનો કે નરસંહારનો સામનો નથી કર્યો. 

બલુચિસ્તાનની જનતા અને તેમના નેતા મીર યારે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (પીઓકે)ને પાકિસ્તાનથી સ્વતંત્ર કરાવવાની માગણીને પુરુ સમર્થન આપ્યું હતું. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાય, સંસ્થાઓ અને વિવિધ દેશોની સરકારને અપીલ કરી હતી કે તેઓ બલુચિસ્તાનને પાકિસ્તાનથી મૂક્ત કરાવવામાં સ્થાનિકોને મદદ કરે અને આ મામલે પાકિસ્તાન પર દબાણ કરે. આ સાથે જ તેમણે ચેતવણી આપી હતી કે જો પાકિસ્તાન આ વાતનો સ્વીકાર કરવા તૈયાર ના હોય તો પાકિસ્તાનના ૯૩૦૦૦ સૈનિકોએ ઢાકામાં જે હારનો સામનો કર્યો હતો તેવી જ હારનો સામનો કરવો પડશે. જેના માટે પાકિસ્તાનના લાલચી જનરલ પણ જવાબદાર ગણાશે. બલુચિસ્તાનના લોકોએ ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાનના યુદ્ધ સમયે બાંગ્લાદેશની રચના થઇ તેનો ઉલ્લેખ કરીને આ ચેતવણી પાક. સૈન્ય અને સરકારને આપી હતી. તે સમયે પાકિસ્તાનના ૯૩ હજાર જેટલા સૈનિકોએ ભારતીય સૈન્ય સામે સરેન્ડર કરવુ પડયું હતું. ફરી આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ બલુચિસ્તાનને લઇને થઇ શકે છે તેવી ચેતવણી તેમણે આપી હતી. 

હાલમાં એક તરફ બલુચિસ્તાનના નેતાઓ આઝાદીની ગુહાર લગાવી રહ્યા છે જ્યારે બીજી તરફ બલુચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ)એ પાકિસ્તાન સૈન્યને આકરા જવાબ આપવાનું શરૂ કરી દીધુ છે. બલુચિસ્તાનમાં બીએલએએ બહારના લોકોનું અપહરણ કરીને પાક. સૈન્ય પર દબાણ વધાર્યું છે. મૂળ પાક.ના પંજાબના વતની ચાર ટ્રક ડ્રાઇવરોનુ બલુચિસ્તાન લિબરેશન આર્મીએ અપહરણ કરી લીધુ હતું, અને પોતાની માગણીઓ સરકાર સમક્ષ મુકી હતી, જેનો સ્વીકાર ના કરાતા આખરે આ ચાર ટ્રક ડ્રાઇવરોની હત્યા કરી દેવામાં આવી હતી. આ ટ્રક ડ્રાઇવરોનું અપહરણ નવમી મેના રોજ કરી લેવામાં આવ્યું હતું. આ ટ્રક ડ્રાઇવરો ઇરાનથી પાકિસ્તાન માટે એલપીજી લઇને આવી રહ્યા હતા ત્યારે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. ઘણા સમયથી પાક.ના પંજાબી મૂળના લોકોને બલુચિસ્તાન આર્મી ટાર્ગેટ કરી રહી છે. આ ઉપરાંત પાક. સૈન્ય પર પણ હુમલા વધારી દીધા છે. જેને પગલે હાલ બલુચિસ્તાનની સ્વતંત્રતાનો મુદ્દો ભારે ચર્ચામાં છે. બલુચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્ય, પોલીસ અને એજન્સીઓ સ્થાનિકો પર ભારે અત્યાચાર કરી રહ્યા છે. જેને પગલે હવે મહિલાઓ પણ ઘરોની બહાર નીકળીને સ્વતંત્રતાની ચળવળની નેતાગીરી લેવા લાગી છે. આ મુદ્દો આગામી દિવસોમાં વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.

Tags :