પાકિસ્તાનમાં બલૂચ વિદ્યાર્થીઓને નિશાન બનાવાય છે બલુચો પર ફેડરલ ગવર્નમેન્ટનો પંજો, ગમે ત્યાં ગમે ત્યારે પડે છે

- તાજેતરમાં પંજગુર જિલ્લામાં સઇદ નામક વિદ્યાર્થી ગુમ થઈ ગયો : બલુચ વિદ્યાર્થી સંગઠને માનવ અધિકાર સંસ્થાઓને અવાજ ઉઠાવવા અનુરોધ કર્યો
ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં બલૂચો 'ગૂમ' થવાની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવે છે. તાજેતરમાં ૩ બલૂચ વિદ્યાર્થીઓ 'ગૂમ' થઈ ગયા હોવાની ઘટનાએ બલૂચિસ્તાનમાં ચિંતા અને ખેદનું મોજું ફેલાવી દીધું છે. વાસ્તવમાં પાકિસ્તાન અલગતાવાદી બલૂચો અને વિશેષત: વિદ્યાર્થીઓ ઉપર કોરડો વીંઝી રહ્યું છે.
આ માહિતી આપતા 'ધી બલૂચિસ્તાન પોસ્ટ' જણાવે છે કે પંજગીર જિલ્લાના ઉબેદુલ્લાહનો પુત્ર સઈદ એકાએક ગૂમ થઈ ગયો છે. તે અંગે જાણવા મળ્યું છે કે, ઇસ્લામાબાદમાં સાદા કપડામાં સલામતી દળોના માણસોએ તેની પૂછપરછ કરી અને તેને ઉઠાવી ગયા પછી હજી સુધી તેનો પત્તો નથી.
આ અંગે વધુમાં જાણવા મળ્યું છે કે, આ સઇદ ઇસ્લામાબાદ સ્થિત 'કાયદે આઝમ યુનિવર્સિટી'માં ડીફેન્સ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝના પાંચમા સેમિસ્ટરનો વિદ્યાર્થી છે તેનો હજી સુધી કોઈ પત્તો નથી. આવી ઘટનાઓ અંગે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થાઓએ હસ્તક્ષેપ કરવો જ જોઈએ તેમ બલૂચ વિદ્યાર્થી સંઘનું કહેવું છે.
આવી એન્ફોર્સ્ડ ડીસ્પેચીસની ઘટનાઓ અંગે 'બલૂચિસ્તાન પોસ્ટે' લખ્યું હતું કે, આ વિષે સત્તાવાળાઓને અમારા પત્રકારે પૂછ્યું ત્યારે તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે તેવી કોઈ ઘટના (વ્યક્તિના 'ગૂમ' થવાની ઘટના) અમારા જાણવામાં આવી જ નથી. આવું કૈં બન્યું હોવા સંભવ નથી.
માત્ર સઈદ જ નહીં ગ્વાડરની જેવાની તેહસીલના અબ્દુલ કરીમનો પુત્ર સમીર તેમજ ગ્વાડર વિસ્તારના જ રહેવાસી અમાનુલ્લાહનો પુત્ર અજમલ પણ ગૂમ છે. આ અજમલ તો હજી ઉગતો કિશોર અવસ્થાનો ૧૨ વર્ષનો જ છે તેને 'ગૂમ' એટલે કરી દેવાયો હશે કે તેના પિતા ઉપર અલગાવવાદી પ્રવૃત્તિની પોલીસને શંકા ગઈ હશે. પરંતુ પાકા પુરાવા પોલીસને મળ્યા જ નથી છતાં અમાનુલ્લાને 'શિક્ષા કરવા અજમલને ગૂમ કરી દેવાયો હશે.








